લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ચૂંટણી લડવા માંગતા ભારતીય વિદ્યાર્થી સામે નફરતી અભિયાન..
image : Twitter
Indian Student In UK Alleges Hate Campaign : બ્રિટનમાં આવેલી અને દુનિયાની ખ્યાતનામ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થી સત્યમ સુરાણાએ પોતાની સામે નફરતી અભિયાન શરુ કરાયુ હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે.
સત્યમ સુરાણા ગત વર્ષે લાઈમ લાઈટમાં આવ્યો હતો. તેણે ભારતીય કોન્સ્યુલેટની સામે દેખાવો કરી રહેલા ખાલિસ્તાનીઓએ રોડ પર ફેંકી દીધેલા તિરંગાને સન્માન સાથે ઉઠાવી લીધો હતો અને તેના કારણે તેની ભારે પ્રશંસા થઈ હતી.
લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં લોનો અભ્યાસ કરી રહેલો સત્યમ વિદ્યાર્થી સંઘની ચૂંટણી લડવા માંગે છે અને તેનુ કહેવુ છે કે, આ ચૂંટણી યોજાય તે પહેલા મને ટાર્ગેટ કરીને યોજનાબધ્ધ રીતે અભિયાન શરુ કરાયુ છે. જેમાં મને ફાસીવાદી ગણવામાં આવ્યો છે.
ભારતની એક ન્યૂઝ ચેનલના અહેવાલમાં સત્યમે કહ્યુ છે કે, ફેબ્રુઆરી અને માર્ચમાં ચૂંટણીની જાહેરાત થઈ હતી અને મેં જનરલ સેક્રેટરીની પોસ્ટ માટે ઉમેદવારી નોંધાવી હતી. 14 માર્ચે મેં જોયુ હતુ કે, મેં પ્રચાર માટે લગાવેલા પોસ્ટરો એક જૂથ દ્વારા ફાડવામાં આવી રહ્યા હતા અને મારા પોસ્ટરો પર ક્રોસનુ નિશાન કરીને ફાસીવાદી શબ્દ અને સત્યમ ભાજપનો સમર્થક, ફાસીવાદી, ઈસ્લામોફોબ અને ટ્રાન્સફોબ છે.. તેવુ લખાણ લખવામાં આવ્યુ હતુ.
સત્યમનો આક્ષેપ છે કે, કેટલાક લોકોએ મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો કાઢી હતી. જેમાં મેં ભાજપના વખાણ કર્યા હતા. આ જ કારણસર મને ફાસીવાદી ગણી લેવાયો હતો અને તેના આધારે મારી સામે અભિયાન શરુ કરાયુ હતુ. મારા ચૂંટણી ઢંઢેરામાં તો કોઈ રાજકીય મુદ્દો પણ નહોતો, માત્ર વિદ્યાર્થીઓને સ્પર્શતી બાબતો હતી. શરુઆતમાં તો મને વિદ્યાર્થીઓનુ ભારે સમર્થન પણ મળ્યુ હતુ પણ મારી સામે શરુ થયેલા નફરતી અભિયાનના કારણે મારી ચૂંટણી જીતવાની શક્યતાઓ પર પાણી ફરી વળ્યુ છે.
સત્યમે કહ્યુ હતુ કે, ખાલિસ્તાનીઓને આતંકી ગણાવતી એક પોસ્ટ મેં સોશિયલ મીડિયા પર મુકી હતી અને તેના કારણે મને ટાર્ગેટ પણ કરવામાં આવ્યો હોઈ શકે છે. જોકે મારુ સ્પષ્ટપણે કહેવુ છે કે, ભારત મારો દેશ છે અને હું હંમેશા ભારતની વકીલાત કરતો રહીશ.