કેનેડામાં સંકટમાં ફસાયા જસ્ટિન ટ્રુડો, ગઠબંધનના સાથીએ ટેકો પાછો ખેંચતા સરકાર બચાવવાના ફાંફા
Canadian PM Justin Trudeau Politics: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુ઼ડોને બુધવારે (1 સપ્ટેમ્બર) એક મોટો ઝટકો લાગ્યો છે. ટ્રુ઼ડોની લઘુમતી સરકારને સમર્થન આપનારી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP) એ પોતાનું સમર્થન પાછુ ખેંચી લીધું છે. આ પગલાથી ટ્રુ઼ડોને સરકાર ચલાવવા માટે નવા ગઠબંધનની જરૂર પડી છે.
NDP ના નેતા જગમીત સિંહે 2022 માં ટ્રુડોના સમર્થનને પાછું ખેંચવાની વાત કરતાં કહ્યું કે, મારી ધીરજ ખતમ થઈ ગઈ છે. જોકે, ટ્રુડોએ શરૂઆતની ચૂંટણીની વાતોને નકારતા કહ્યું કે, 'મારી પ્રાથમિકતા કેનેડાની જનતા માટે સામાજિક કાર્યક્રમોને આગળ વધારવાની છે. અમે કેનેડાના લોકો માટે કામ કરીશું અને આશા કરીએ છીએ કે, આવનારી ચૂંટણી સુધી અમે પોતાના કાર્યક્રમ પૂરા કરીશું.'
ટ્રુડોની વધી મુશ્કેલી
સમર્થન પાછું ખેંચાયા બાદ ટ્રુડો હવે વિપક્ષ પર નિર્ભર છે, ખાસ કરીને જ્યારે સંસદમાં વિશ્વાસ મતની જરૂર પડશે. જો ચૂંટણી થાય છે તો, હાલના સર્વે મુજબ, ટ્રુડોની લિબરલ પાર્ટીને હારનો સામનો કરવો પડી શકે છે. કેનેડામાં ઓક્ટોબર 2025 સુધી ચૂંટણી થવી જરૂરી છે. નોંધનીય છે કે, ટ્રુડો વર્ષ 2015 થી વડાપ્રધાન છે, પરંતુ છેલ્લાં ઘણાં વર્ષોથી વિપક્ષ, ખાસ કરીને કન્ઝર્વેટિવ પાર્ટી મોંઘવારી અને આવાસના સંકટને લઈને ટ્રુ઼ડોની ટીકા કરે છે.
જગમીત સિંહે હાલ ટ્રુડોના નેતૃત્વ અને ખાદ્ય વસ્તુની વધતી કિંમતોને લઈને નારાજગી વ્યક્ત કરી છે. સિંહે સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં કહ્યું કે, 'જસ્ટિસ ટ્રુડોએ વારંવાર કોર્પોરેટ લાલચની સામે નમતું મૂક્યું છે. લિબરલ્સે જનતાને દગો આપ્યો છે તેથી તેમને બીજો મોકો ન મળવો જોઈએ.'
આ પણ વાંચોઃ અમેરિકાને લજવતી ઘટના, હાઈસ્કૂલમાં અંધાધૂંધ ગોળીબાર, 4 લોકોનાં મોત, 30થી વધુ ઈજાગ્રસ્ત
જોકે, NDP માટે પણ પરિસ્થિતિ કંઈ વધારે સારી નથી. હાલના સર્વે મુજબ, પાર્ટીનું પ્રદર્શન ત્રીજા નંબરે છે. જગમીત સિંહે વડાપ્રધાન માટે પોતાની દાવેદારી નોંધાવી છે.
કન્ઝર્વેટિવ નેતા પિયરે પોલીએવરે (Pierre Poilievre) પણ સિંહ અને ટ્રુડો પર પ્રહાર કરતાં કહ્યું કે, 'બંનેએ મળીને દેશની આર્થિક સ્થિતિ ખરાબ કરી દીધી છે અને જનતાને મુશ્કેલીમાં મુકી છે.' તેણે "કાર્બન ટેક્સ" ચૂંટણીની માંગ કરી, જેથી જનતા નક્કી કરી શકે કે, તે હાલના ગઠબંધનને ચૂંટે છે કે, "કોમન સેન્સ" કન્ઝર્વેટિવ સરકારને.