ભારતે લાખો જિંદગીમાં સર્જ્યો વિનાશ', રાજદૂતોને પરત બોલાવ્યા બાદ ટ્રૂડોએ ઝેર ઓક્યુ
- ટ્રૂડોએ ભારત સરકાર પર નિશાન સાધ્યુ
નવી દિલ્હી, તા. 21 ઓક્ટોબર 2023, શનિવાર
Justin Trudeau Remarks: ભારતમાંથી 41 રાજદ્વારીઓની વાપસીની ઘોષણાના થોડા જ કલાકોમાં કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યુ હતું. શુક્રવારે તેમની ટિપ્પણીમાં તેમણે કહ્યું હતું કે, બંને દેશો વચ્ચે રાજદ્વારી વિવાદ વધુ વણસી રહ્યો છે. તેમણે ભારત અને કેનેડામાં લાખો લોકોના જીવનને અવિશ્વસનીય રૂપે મુશ્કેલ બનાવવા માટે ભારત સરકાર પર નિશાન સાધ્યુ હતું. અગાઉ કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ ઘોષણા કરી હતી કે, 41 કેનેડિયન રાજદ્વારીઓ અને તેમના પરિવારના 42 સભ્યોને ભારતમાંથી પરત બોલાવી લેવામાં આવ્યા છે કારણ કે તેમને મળેલા રાજદ્વારી વિશેષાધિકારો અનિશ્ચિત સમય સુધી જવાનું જોખમ હતું અને તેનાથી તેમની વ્યક્તિગત સુરક્ષા જોખમમાં પડી જાય તેવું હતું.
તેમણે કહ્યું કે, કેનેડાએ ભારતથી તેમની સુરક્ષિત વાપસીની સુવિધા પ્રદાન કરી છે અને ચંદીગઢ, મુંબઈ અને બેંગલુરુમાં તેની વિઝા અને કોન્સ્યુલર સેવાઓ રોકી દીધી છે અને હવે આ સેવાઓ ફક્ત નવી દિલ્હીમાં કેનેડિયન હાઈ કમિશનમાં જ ઉપલબ્ધ રહેશે. ઓટાવામાં જોલીએ ભારત પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, રાજદ્વારી વિશેષાધિકારો અને છૂટને એકપક્ષીય સમાપ્ત કરવું આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ છે અને રાજદ્વારી સંબંધો પર જિનીવા કન્વેન્શનનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. આવું કરવાની ધમકી આપવી એ અયોગ્ય છે અને તણાવમાં વધારો કરનારી છે.
ભારતે કેનેડાના આરોપોને નકારી કાઢ્યા
તેમની આ ટિપ્પણી પર દિલ્હીથી તીખી પ્રતિક્રિયા આવી અને વિદેશ મંત્રાલયે કેનેડાના સમાનતાના અમલીકરણને આંતરરાષ્ટ્રીય ધોરણોના ઉલ્લંઘન તરીકે દર્શાવવાના પ્રયાસને નકારી કાઢ્યો હતો. તેણે ભારતમાં કેનેડિયન રાજદ્વારીઓ પર અમારી આંતરિક બાબતોમાં સતત હસ્તક્ષેપ કરવાનો આરોપ લગાવ્યો હતો.
ગત મહિને ભારતે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકાર સાથે સંભવિત લિંકના ટ્રુડોના આરોપ પર વિવાદને ધ્યાનમાં રાખી સમાનતા મેળવવા માટે કેનેડાને તેના રાજદ્વારી સ્ટાફ ઘટાડવા કહ્યું હતું. દિલ્હીએ કેનેડામાં ભારતીય રાજદ્વારી ઉપસ્થિતિ સાથે સમાનતા લાવવા માટે ઓટાવાથી પોતાના લગભગ 40 રાજદ્વારીઓને પરત બોલાવવા માટે કહ્યું હતું. કેનેડામાં ભારતના લગભગ 20 રાજદ્વારીઓ છે.
જોલીની ટિપ્પણીઓ બાદ ટ્રૂડોએ બ્રેમ્પટન, ઓન્ટારિયોમાં એક પ્રેસ કોન્ફરન્સમાં દિલ્હીના કાર્યોની ટીકા કરી હતી. ભારત સરકાર ભારત અને કેનેડામાં લાખો લોકો માટે જીવનને સામાન્ય રીતે ચાલુ રાખવું અવિશ્વસનીય રૂપે મુશ્કેલ બનાવી રહી છે. અને તેઓ મુત્સદ્દીગીરીના અત્યંત મૂળભૂત સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરીને આમ કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે, આ અવું છે કે, જેનાથી હું લાખો કેનેડિયન લોકોની ભલાઈ અને ખુશી માટે ખૂબ જ ચિંતિત છું. તેની ઉત્પતિ ભારતીય ઉપમહાદ્વીપમાં થઈ છે.