Get The App

ભારત વિરોધી વલણ માટે જાણીતા કેનેડિયન પીએમ ટ્રુડોનું રાજીનામું

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
ભારત વિરોધી વલણ માટે જાણીતા કેનેડિયન પીએમ ટ્રુડોનું રાજીનામું 1 - image


- ઓક્ટોબરની ચૂંટણી પૂર્વે જ શાસક પક્ષને આંચકો

- સરકારના વડા તરીકે નવા નામની જાહેરાત થાય નહીં ત્યાં સુધી ટ્રુડો કેનેડાના પીએમ પદે ચાલુ રહેશે

ટોરોન્ટો : ભારત વિરોધી વલણ માટે જાણીતા કેનેડિયન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ છેવટે રાજીનામુ આપ્યું છે. પક્ષમાંથી તેમના પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ હતુ, જો કે તેમના અનુગામી પસંદ કરાય નહીં ત્યાં સુધી તેઓ વડાપ્રધાન પદે ચાલુ રહેશે. તેમણે રાજીનામાની જાહેરાત ત્યારે કરી છે જ્યારે ઓક્ટોબરમાં ચૂંટણી યોજાવવાની છે. આમ ટ્રુડોનો પક્ષ ચૂંટણીમાં તેના મુખ્ય ચહેરા વગર ઉતરશે. 

ઓક્ટોબરમાં યોજાનારી ચૂંટણીમાં ટ્રુડોના વિપક્ષ કન્ઝર્વેટિવ્સ સામે પરાજય નિશ્ચિત મનાય છે. ટ્રુડો ૨૦૧૫માં સત્તા પર આવ્યા હતા અને તે કન્ઝર્વેટિવ્સના દાયકા જૂના શાસનનો અંત લાવ્યા હતા. પ્રારંભમાં તો કેનેડાને તેના ઉદાર મતવાદી વલણ તરફ લઈ જવા બદલ ખૂબ વખાણ થતા હતા. 

તાજેતરના વર્ષોમાં ભૂતપૂર્વ વડાપ્રધાન પિયરે ટ્રુડોના ૫૩ વર્ષીય પુત્ર જસ્ટિન સામેની નારાજગીમાં અને અસંતોષમાં નોંધપાત્ર વધારો થયો હતો. તેમા પણ અનાજના ભાવ વધતાં  અને હાઉસિંગ ખર્ચ ઊંચે જવાની સાથે ઇમિગ્રેશનમાં નોંધપાત્ર વધારો થતાં લોકો તેમનાથી ખૂબ જ નારાજ હતા. ટ્રુડોની નીતિઓને લઈને તેમના પક્ષમાં પણ તેમની સામે જબરદસ્ત અસંતોષ હતો. ટ્રુડોની નીતિઓના લીધે કેનેડાની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેના બધા અગ્રણી દેશ જોડે ખરાબ સંબંધ હતા. ભારત, ચીન, રશિયા, જર્મની, ફ્રાન્સ, બ્રિટન, જાપાન, ઓસ્ટ્રેલિયા જેવા અગ્રણી દેશો સાથે ટ્રુડોના સંબંધ બગડયા હતા. છેલ્લે-છેલ્લે તો અમેરિકા સાથે પણ તેના સંબંધ બગડયા હતા. તેથી જ અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ટ્રમ્પ તો ટ્રુડોને વડાપ્રધાન નહીં પણ અમેરિકન રાજ્ય કેનેડાના ગવર્નર કહેતા હતા. 

ટ્રુડોના કાર્યકાળમાં ભારતના કેનેડા સાથેના સંબંધ તળિયે પહોંચી ગયા હતા. ખાલિસ્તાનવાદીઓને ટ્રુડોએ આપેલા સમર્થનના લીધે તેમણે ભારતની નારાજગી વહોરી લીધી હતી. ટ્રુડોએ સમર્થન આપ્યું હોવા છતાં પણ ખાલિસ્તાનીઓએ તેને જોઈએ તેવું સમર્થન આપ્યું ન હતું. 

તેમા પણ ટ્રુડોએ ઇમિગ્રેશન પર મર્યાદા લાદતા ખાલિસ્તાનીઓ તેનાથી નારાજ થઈ ગયા હતા. તેઓએ આને તેમના પર અંકુશ લાદવાના પગલા તરીકે જોયું હતું. તેથી સરકારને આપેલો ટેકો પણ પરત ખેંચી લીધો હતો. 

તેમની નીતિઓથી કંટાળી તેમના કેબિનેટના સહયોગીઓ પણ એક પછી એક તેમનો સાથ છોડવા લાગ્યા હતા. તેમા તેમની ગાઢ સહયોગી નાણાપ્રધાને રાજીનામુ આપ્યુ તેની સાથે જ ટ્રુડોનો પડદો પડી ગયો હોવાનું મનાતું હતું. બસ હવે તે ક્યારે રાજીનામુ આપે છે તેની રાહ જોવાતી હતી અને તે રાજીનામાની તેમણે જાહેરાત કરી દીધી છે. 


Google NewsGoogle News