ભારત સાથે સંબંધ ખરાબ કર્યા બાદ ટ્રુડોની પોતાના જ દેશમાં જુઓ કેવા હાલ થયા! રાજીનામાંની પણ માંગ ઉઠી
Justin Trudeau in Trouble: કેનેડામાં ખાલિસ્તાની હરદીપસિંહ નિજ્જરની હત્યા કરી દેવામાં આવી હતી, આ હત્યાનો આરોપ કેનેડાની જસ્ટિન ટ્રૂડોની સરકારે ભારત પર લગાવ્યો હતો. ત્યારથી ભારત અને કેનેડાના સંબંધો સતત બગડી રહ્યા છે. હવે તેની અસર જસ્ટિન ટ્રુડો પર પણ પડવા લાગી છે. ટ્રુડો દેશ-વિદેશમાં મુશ્કેલ સંજોગોનો સામનો કરી રહ્યા છે. હાલ તો એવો સમય આવી ગયો છે કે ટ્રુડોની પોતાની પાર્ટીના નેતાઓ જ તેમની વિરુદ્ધ થઈ ગયા છે. ટ્રુડોની પોતાની લિબરલ પાર્ટીના સાંસદો જ ટ્રુડોના નેતૃત્વ પર સવાલ ઉઠાવી રહ્યા છે અને તેમના રાજીનામાની માંગણી કરવા લાગ્યા છે. આ સિવાય કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાઓ પણ સતત ટ્રુડોને નિશાન બનાવી રહ્યા છે.
કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાએ કરી જસ્ટિન ટ્રુડોની આલોચના
નિજ્જર હત્યાકાંડ મામલે ભારત વિરુદ્ધ જસ્ટિન ટ્રુડોના નિવેદન બાદ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અને સાંસદ એન્ડ્ર્યુ શીરનો જસ્ટિન ટ્રુડોની આલોચના કરતો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિશ્વની સૌથી મોટી લોકશાહી અને એશિયામાં ઉભરતી શક્તિ સાથે કેનેડાના સંબંધોને નુકસાન પહોંચાડવાનો આરોપ શીર ટ્રુડો પર મૂકતા સાંભળી શકાય છે.
જસ્ટિન ટ્રુડો મુશ્કેલીમાં છે
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો કન્ઝર્વેટિવ અને લેબર બંને પક્ષોના સાંસદોના હુમલા હેઠળ આવ્યા છે. જસ્ટિન ટ્રુડોના પોતાના પક્ષના ઘણા નેતાઓ અને સંસદના કેટલાક સભ્યો જાહેરમાં તેમના નેતૃત્વ પ્રત્યે અસંતોષ વ્યક્ત કરવાથી આગળ વધવાની તૈયારી કરી રહ્યા છે અને નજીકના ભવિષ્યમાં સત્તાવાર રીતે તેમના રાજીનામાની માંગ કરી રહ્યા છે.
ગુરુવારે, કેનેડિયન મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે ઓછામાં ઓછા 20 સાંસદોએ ટ્રુડોને પદ પરથી હટાવવાની માંગ કરી છે. એવું લાગે છે કે આ પગલું ઝડપથી ટ્રુડોને પદ પરથી દૂર કરવાના ગંભીર પ્રયાસમાં ફેરવાઈ રહ્યું છે.