'બાકી ભારતીય રાજદ્વારીઓ પણ નોટિસ પર..', ભારત સાથે બબાલમાં કેનેડાના વિદેશ મંત્રીએ ઘી હોમ્યું
India-Canada Conflict: ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો બગડી રહ્યા છે. તાજેતરમાં કેનેડાએ ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ઓટાવામાં ભારતીય હાઈ કમિશનરને શંકાસ્પદ વ્યક્તિ ગણાવ્યા હતા. આ આરોપોને નકારી કાઢતા ભારતે પોતાના છ રાજદ્વારીઓને પાછા બોલાવી લીધા હતા. કેનેડાના વિદેશ મંત્રીનું કહેવું છે કે, 'દેશમાં બાકી રહેલા ભારતીય રાજદ્વારીઓ પણ નોટિસ પર છે.'
ભારતે છ કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા
કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ શુક્રવારે (18મી ઓક્ટોબર) જણાવ્યું હતું કે, 'સરકાર વિયેના સંધિનું ઉલ્લંઘન કરનાર અથવા કેનેડાના લોકોના જીવનને જોખમમાં મૂકનાર કોઈપણ રાજદ્વારીને સહન કરશે નહીં.' ભારતે સોમવારે છ કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા. હરદીપ સિંહ નિજ્જરની હત્યાની તપાસમાં ભારતીય રાજદૂતને જોડવાના ઓટાવાના આરોપોને પણ ફગાવી દીધા. ભારત સરકારે જાહેરાત કરી હતી કે તે કેનેડા ખાતેના તેના હાઈ કમિશનરને પરત બોલાવી રહી છે.
આ પણ વાંચો: ભારતની મોટી કાર્યવાહી, ભારતીયની હત્યામાં સામેલ કેનેડાના પોલીસ અધિકારીને ભાગેડુ આતંકી જાહેર કર્યો
'અમે ઈતિહાસમાં આવું ક્યારેય જોયું નથી'
ભારતની તુલના રશિયા સાથે કરતાં જોલીએ કહ્યું કે, 'કેનેડાના રાષ્ટ્રીય પોલીસ દળે ભારતીય રાજદ્વારીઓને કેનેડામાં હત્યા, જાનથી મારી નાખવાની ધમકીઓ સાથે જોડ્યા છે.અમે અમારા ઇતિહાસમાં આવું ક્યારેય જોયું નથી. આંતરરાષ્ટ્રીય દમનનું આ સ્તર કેનેડાની ધરતી પર ન થઈ શકે. અમે યુરોપમાં આ જોયું છે. રશિયાએ જર્મની અને બ્રિટનમાં આ કર્યું છે અને આપણે આ મુદ્દે મક્કમ રહેવાની જરૂર છે.'
નિજ્જરની હત્યા બાદ ભારત-કેનેડા સંબંધોમાં તણાવ
ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે લાંબા સમયથી રાજદ્વારી વિવાદ ચાલી રહ્યો છે. આ કારણે ભારતે કેનેડામાંથી તેના રાજદ્વારીઓને પાછા બોલાવ્યા અને કેનેડાના રાજદ્વારીઓને પણ દેશનિકાલ કર્યા. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે આક્ષેપ કર્યો હતા કે, કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકો સામે ગુનાહિત પ્રવૃત્તિઓમાં ભારત સરકારના એજન્ટો સામેલ છે. ભારતે આ મામલે તપાસમાં કેનેડાને સહકાર આપ્યો નથી. જોકે, ભારતે આ આરોપો સામે વાંધો વ્યક્ત કર્યો હતો અને આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.