Get The App

'અમને છંછેડનારને અમે છોડીશું નહીં...', કેનેડાના નવા PM બનતાં જ માર્ક કાર્નીનો ટ્રમ્પને પડકાર

Updated: Mar 10th, 2025


Google News
Google News
Mark Carney


Canada Prime Minister Mark Carney: કેનેડાની સત્તાધારી લિબરલ પાર્ટીએ માર્ક કાર્નીને કેનેડાના આગામી નેતા અને વડાપ્રધાન જાહેર કર્યા છે. પીએમ પદ માટે ચૂંટણી જીત્યા બાદ માર્ક કાર્નીએ અમેરિકા અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર જોરદાર પ્રહારો કર્યા છે. અગાઉ બેન્ક ઓફ કેનેડા અને બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર રહી ચૂકેલા કાર્નેએ 85%થી વધુ મતો સાથે લિબરલ પાર્ટીનું નેતૃત્ત્વ જીત્યું હતું.

કેનેડા ક્યારેય અમેરિકાનો ભાગ નહિ બને 

માર્ક કાર્નેએ કેનેડાના વડાપ્રધાનનું પદ સંભાળતા જ યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના સંબંધો અંગેના પોતાના ઇરાદા સ્પષ્ટ કર્યા હતા. કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવા અંગેના ટ્રમ્પના નિવેદનના જવાબમાં કાર્નેએ કહ્યું કે, 'લિબરલ પાર્ટી એકજૂથ છે અને કેનેડાના હિતમાં પહેલાની જેમ કામ કરવા તૈયાર છે. આપણે આ દેશને વિશ્વનો મહાન દેશ બનાવ્યો છે અને હવે પાડોશી તેના પર કબજો કરવા માંગે છે. આવું ક્યારેય ન બની શકે.'

કેનેડાના વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે, 'અમેરિકા આપણા સંસાધનોનું શોષણ કરવા માંગે છે. તેને આપણા પાણી, જમીન અને દેશની જરૂર છે. જો તેઓ સફળ થશે તો આપણે સમાપ્ત થઈશું. અમેરિકા એક સંસ્કૃતિને નષ્ટ કરવાના તબક્કે આવી ગયું છે. જ્યારે કેનેડા વિવિધતાને માન આપે છે. કેનેડા કોઈપણ રીતે અમેરિકાનો ભાગ બની શકે નહીં.'

માર્ક કાર્નેએ ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન સાધ્યું 

કાર્ને 'બેન્ક ઓફ કેનેડા'ના પૂર્વ વડા છે અને 'બેન્ક ઓફ ઈંગ્લેન્ડ'માં મહત્ત્વપૂર્ણ પદ પર સેવા આપી ચૂક્યા છે. આથી એવું માનવામાં આવે છે કે તેઓ દેશને આર્થિક પડકારોમાંથી બહાર કાઢવામાં સફળ થશે. તેમજ કાર્નેએ ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન સાધતા કહ્યું હતું કે, 'કોઈ એવી વ્યક્તિ છે જે આપણી અર્થવ્યવસ્થાને નબળી કરવાનો પ્રયાસ કરી રહી છે.'

આ પણ વાંચો: ભાગેડું લલિત મોદીની હાલત ધોબીના કૂતરા જેવી.. પાસપોર્ટ રદ કરવા વનુઆતુના PMનો આદેશ

યુ.એસ. દ્વારા લાદવામાં આવેલા ટેરિફ વિષે પણ વાત કરી 

ટેરિફ બાબતે વાત કરતા કાર્નેએ કહ્યું હતું કે, 'જેમ કે આપણે જાણીએ છીએ કે ડોનાલ્ડ ટ્રમ્પે અમે જે ઉત્પાદનો બનાવીએ છીએ, અમે જે સામાન વેચીએ છીએ અને અમારા જીવનનિર્વાહના સાધનો પર અયોગ્ય ટેરિફ લાદ્યો છે. તે કેનેડિયન પરિવારો, કામદારો અને વ્યવસાયો પર હુમલો કરી રહ્યો છે પરંતુ અમે તેને સફળ થવા દઈ શકીએ નહીં. જ્યાં સુધી યુ.એસ. આમ કરવાનું ચાલુ રાખશે ત્યાં સુધી કેનેડા બદલો લેવાનું ચાલુ રાખશે.'

માર્ક કાર્નેએ ટેરિફ અને વધુમાં કહ્યું હતું કે, 'આ લડાઈ અમે શરૂ કરી નથી, પરંતુ જ્યારે કોઈ અમને હેરાન કરે છે ત્યારે કેનેડિયન તેમને છોડતા નથી.' 

ટ્રમ્પ દ્વારા કેનેડા પર ટેરિફ લાદવાની અને કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની વાતને કારણે દેશમાં ટ્રુડો પ્રત્યે પણ નારાજગી છે. કેટલાક લોકો તેમની અમેરિકાની યાત્રાઓ કેન્સલ કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો અમેરિકન સામાન ખરીદવાનું ટાળી રહ્યા છે.

'અમને છંછેડનારને અમે છોડીશું નહીં...', કેનેડાના નવા PM બનતાં જ માર્ક કાર્નીનો ટ્રમ્પને પડકાર 2 - image

Tags :
mark-carneydonald-trumpcanadaamerica

Google News
Google News