કેનેડા : એડમોટનમાં હિન્દુ મંદિરમાં તોડફોડ મંદિરની દિવાલો ઉપર ભારત વિરોધી સૂત્રો લખાયાં
- ખાલીસ્તાન ટેકેદારોનું તે અપકૃત્ય હોવાનું મનાઈ રહ્યું છે, યુ.એસ. કેનેડાનાં હિન્દુ સંગઠનોએ દુષ્કૃત્યને વખોડી કાઢ્યું
એડમોન્ટન : અહીંના સ્વામીનારાયણ સંપ્રદાયનાં બાપ્સનાં હિન્દૂ મંદિરમાં તોફાનીઓએ ઘૂસી જઈ તોડફોડ કરી હતી, તેટલું જ નહીં પરંતુ ભારત-વિરોધી અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ મંદિરની દિવાલો ઉપર સૂત્રોચ્ચારો લખવામાં આવ્યાં હતાં.
આ માહિતી આપતાં ભારતીય વંશના કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ જણાવ્યું હતું કે આ દુષ્કૃત્ય મહ્દઅંશે ખાલીસ્તાનીના ટેકેદારોનું હોવાનું માનવામાં આવે છે. આથી કેનેડા અને ભારત વચ્ચે વણસેલા સંબંધો વધુ વણસવાની શક્યતા છે.
ઠ ઉપર કરેલા પોસ્ટમાં આર્યએ જણાવ્યું હતું કે બાપ્સ (બોચાસણવાસી અક્ષરપુરૂષોત્તમ સંઘ)નું એડમોન્ટન સ્થિત મંદિર ફરી હુમલાઓનો ભોગ બન્યું છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ગ્રેટર ટોરેન્ટો એરિયામાં બ્રિટિશ કોલંબિયામાં અને કેનેડાના અન્ય ભાગોમાં હિન્દૂ મંદિરોમાં તોડફોડ થવાની ઘટનાઓ વધતી જ જાય છે. હું પહેલેથી જ કહેતો આવ્યો છું કે ખાલીસ્તાનીઓ જાહેરમાં ધિક્કારયુક્ત પ્રવચનો કરતા રહે છે, તેટલું જ નહીં પરંતુ રમખાણો પણ કરતા રહે છે, તે પછી એ તેઓ સરળતાથી છટકી જાય છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અમેરિકાના પૂર્વપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર થયેલા હુમલા પછી કેનેડાના આ લિબરલ સાંસદ આર્યએ હિન્દુઓને સાવચેત રહેવા જણાવી દીધું હતું. આ સાથે તેઓએ કેનેડાની કાનૂન વ્યવસ્થાઓને આવા બનાવોને ગંભીરતાથી લેવા કહેવા સાથે જણાવ્યું હતું કે, જો તત્કાળ પગલાં લેવામાં નહીં આવે તો, અત્યારે માત્ર હિંસક શબ્દો બોલાઈ રહ્યા છે, તે પછીથી હિંસક કૃત્યોમાં ફેરવાઈ જશે.