'દેશની શાંતિ માટે જોખમી', કટ્ટરપંથી ઇઝરાયલી નાગરિકો-હમાસ નેતાઓ પર પ્રતિબંધો લાદશે કેનેડા
નવી દિલ્હી,તા. 5 ફેબ્રુઆરી 2024, સોમવાર
કેનેડાના વિદેશ મંત્રી મેલાનિયા જોલીએ તાજેતરમાં યુક્રેનની મુલાકાત લીધી હતી અને ત્યાં યુક્રેનના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.
એક મીડિયા ઈન્ટરવ્યુમાં મેલાનિયા જોલીએ કહ્યું કે, કેનેડા કટ્ટરપંથી ઈઝરાયેલના નાગરિકો અને પેલેસ્ટાઈનનો હિસ્સો એવા પ્રદેશ પર કબજો કરનારા હમાસના નેતાઓ પર પ્રતિબંધો લાદશે. સરકાર આ દિશામાં સક્રિય રીતે કામ કરી રહી છે.
મેલાની જોલીએ કહ્યું કે, અમે કટ્ટરપંથી વસાહતીઓ પર પ્રતિબંધો તેમજ હમાસના નેતાઓ પર નવા પ્રતિબંધો લાદીશું.
શુક્રવારે, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ પણ એક નિવેદનમાં કહ્યું હતું કે, તેઓ વેસ્ટ બેન્કે ગેરકાયદેસર રીતે સ્થાયી થયેલા કટ્ટરપંથી ઇઝરાયેલીઓ સામે પ્રતિબંધો લાદવાનું પણ વિચારી રહ્યા છે.
ટ્રુડોએ કહ્યું કે, વેસ્ટ બેંકમાં જમીન કબજે કરવા માટે થઈ રહેલી હિંસા અસ્વીકાર્ય છે અને તે પ્રદેશની શાંતિ અને સ્થિરતાને જોખમમાં મૂકી શકે છે. બે રાષ્ટ્રોના ઉકેલ તરફ આગળ વધવું જરૂરી છે.
મેલાની જોલીએ કહ્યું કે, કેનેડા યુદ્ધનો અંત લાવવા રસ્તો શોધવા માટે તૈયાર છે અમે ઈચ્છીએ છીએ કે, હમાસ તેના હથિયારો સોંપી દે, જેથી યુદ્ધનો અંત આવે.
જોલીએ કહ્યું કે, સૌથી પહેલા અમે ઇચ્છિએ છીએ કે, બંધકોને મુક્ત કરવા માટે ડીલ થાય. તેમજ ગાઝાને માનવીય રાહતો પહોંચાવવામાં આવે. અમે એક સંશોધિત પેલેસ્ટિનિયન ઓથોરિટી ઈચ્છીએ છીએ. અમે ઇઝરાયેલમાં એવી સરકાર ઇચ્છીએ છીએ જે બે-રાજ્ય ઉકેલ તરફ મહત્વપૂર્ણ કાર્ય કરવા તૈયાર હોય.
અમેરિકાએ 7 ઓક્ટોબરથી હમાસ પર પાંચ રાઉન્ડના પ્રતિબંધો લાદ્યા છે. ગત સપ્તાહે પણ અમેરિકાએ હમાસ પર નવા પ્રતિબંધો લગાવ્યા છે. અમેરિકાએ પશ્ચિમ કાંઠે વધી રહેલી હિંસા પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. કટ્ટરપંથી ઇઝરાયેલના નાગરિકો વેસ્ટ બેન્કમાં સ્થાયી થઈ રહ્યા છે અને વર્ષ 2023માં તેમની સંખ્યામાં રેકોર્ડ વધારો થયો છે. પશ્ચિમી દેશોએ આ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.