નિજ્જરની હત્યાના પૂરાવા ભારતને થોડા સપ્તાહ પહેલા જ સુપરત કરી દીધા છે, ટ્રુડોનો નવો આરોપ
image : Twitter
ઓટાવા,તા.23 સપ્ટેમ્બર 2023,શનિવાર
ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યાના મામલામાં ભારતની સંડોવણી હોવાનો આક્ષેપ કરનાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ નવો આક્ષેપ બોમ્બ ફેંક્યો છે.
શુક્રવારે ટ્રુડોએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, થોડા સપ્તાહ પહેલા જ અમે ભારતને નિજ્જરની હત્યા સાથે જોડાયેલા પૂરાવા સોંપ્યા છે. આ એ પૂરાવા છે જે સ્પષ્ટ કરે છે કે નિજ્જરની હત્યામાં ભારતના એજન્ટનો હાથ છે. કેનેડાએ જે પૂરાવા આપ્યા છે તે ઘણા વિશ્વસનીય છે અને આ મુદ્દે જ મેં સોમવારે સંસદમાં નિવેદન આપ્યુ હતુ. અમને આશા છે કે, ભારત અમારી સાથે મળીને કામ કરશે. જેથી આ ગંભીર મામલાના મૂળ સુધી જઈ શકાય.
ભારતે તો અત્યાર સુધી ટ્રુડોના આક્ષેપોને સાફ સાફ રીતે નકારી કાઢ્યા છે. બીજી તરફ કેનેડાના એક મીડિયા રિપોર્ટમાં ટ્રુડોએ કરેલા આક્ષેપ બાદ કહેવામાં આવ્યુ હતુ કે કેનેડા પાસે કેનેડા સ્થિત ભારતીય અધિકારીઓએ કરેલી વાતચીતના પૂરાવા છે. જેમાં નિજ્જરની હત્યાનો ઉલ્લેખ છે. આ જાણકારી માટે પાંચ દેશોના ફાઈવ આઈઝ ગંઠબંધને પણ મદદ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ફાઈવ આઈઝ અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડનુ ગઠબંધન છે.જે એક બીજા સાથે સિક્યુરિટીને લગતી સંવેદનશીલ જાણકારી નિયમિત રીતે શેર કરે છે. કેનેડાના મીડિયા રિપોર્ટમાં આડકતરી રીતે કહેવાયુ છે કે, કેનેડાના આ સહયોગી દેશો પાસે પણ નિજજરની હત્યામાં ભારતનો હાથ હોવાની જાણકારી છે.