અમે ભારત પરના આરોપોને વળગી રહ્યા છે, જોકે વિદેશ મંત્રી જયશંકર સાથે વાતચીત ચાલુ છેઃ કેનેડાના વિદેશ મંત્રી
Image Source: Twitter
ઓટાવા, તા. 1 નવેમ્બર 2023
ભારત અને કેનેડા વચ્ચે તંગ થયેલા સબંધો ક્યારે સામાન્ય થશે તે કોઈ કહી શકે તેમ નથી.
દરમિયાન કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ ટોરોન્ટોમાં ઈકોનોમિક ક્લબ ઓફ કેનેડાના કાર્યક્રમમાં કરેલા સંબોધનમાં ફરી કહ્યુ છે કે, અમે નિજ્જરની હત્યાને લઈને ભારત પર જે આરોપો મુક્યા છે તેના પર કાયમ છે. જોકે ભારત સાથે અમારી વાતચીત ચાલી રહી છે.હું ભારતના વિદેશ મંત્રી જયશંકરના સંપર્કમાં છું અને રહીશ.
કેનેડાના વિદેશ મંત્રીના નિવેદન બાદ ભારત શું પ્રતિક્રિયા આપે છે તે જોવાનુ રહે છે. દરમિયાન ભારતે એક સપ્તાહ પહેલા કેનેડાના લોકો માટેની વિઝા સર્વિસ ફરી શરુ કરી છે. જોકે ભારતના આદેશ બાદ કેનેડાના 41 ડિપ્લોમેટસને દેશ છોડવો પડ્યો છે. જેનાથી કેનેડાની ટ્રુડો સરકાર પરેશાન છે.
કેનેડાની સરકારે ભારત સાથે વાતચીત યથાવત રાખી છે પણ કેનેડા પોતાના આરોપો પર કાયમ હોવાથી બંને દેશો વચ્ચેનો તણાવ જલદી દુર થાય તેમ લાગતુ નથી.
ઉલ્લેખનીય છે કે, ખાલિસ્તાની આતંકી નિજ્જરની કેનેડામાં થયેલી હત્યા બાદ કેનેડાએ આ મામલામાં ભારતની સંડોવણી હોવાનો આરોપ મુકયા બાદ ભારત સરકારે કેનેડા સામે આકરી પ્રતિક્રિયા આપી હતી. જેની અપેક્ષા કદાચ કેનેડા સરકારે પણ નહોતી રાખી.