કેનેડાના ત્રણ શહેરમાં 22 જાન્યુઆરીને 'અયોધ્યા રામ મંદિર દિવસ' તરીકે મનાવાશે, કુલ 115 જેટલા કાર્યક્રમોનુ આયોજન
image : Twitter
ઓટાવા,તા.20 જાન્યુઆરી 2024,શનિવાર
ભારત સાથે રાજદ્વારી મોરચે ચાલી રહેલા તનાવ વચ્ચે પણ અયોધ્યામાં રામ મંદિરમાં યોજનારા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને કેનેડાએ મહત્વની જાહેરાત કરી છે.
કેનેડાનો આ નિર્ણય ભારતને સુખદ આશ્ચર્ય આપનારો છે. કેનેડાની ત્રણ નગર પાલિકાઓએ 22 જાન્યુઆરીને અયોધ્યા રામ મંદિર દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. બીજી તરફ હિન્દુ કેનેડિયન ફાઉન્ડેશન દ્વારા ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનારા સમારોહને લગતા બિલબોર્ડ પણ ગ્રેટર ટોરન્ટો વિસ્તારમાં ઠેર ઠેર લગાવ્યા છે અને તેમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની જાણકારી આપવામાં આવી છે.
હિન્દુ કેનેડિયન ફાઉન્ડેશનના સંસ્થાપક તેમજ અધ્યક્ષ અરુણેશ ગિરિએ કહ્યુ હતુ કે, કેનેડામાં બ્રેમ્પટન, ઓકલિવે અને બ્રેન્ટફોર્ડમાં 22 જાન્યુઆરીના દિવસની અયોધ્યા રામ મંદિર દિવસ...તરીકે ઉજવણી કરવામાં આવશે. ત્રણે નગર પાલિકાઓને આ માટે સંમત કરવામાં વિશ્વ જૈન સંગઠનની મહત્વની ભૂમિકા રહી છે. ગ્રેટર ટોરન્ટો એરિયામાં લગાવવામાં આવેલા મોટા હોર્ડિંગ સાથે લોકો સેલ્ફી લઈ રહ્યા છે અને કેનેડામાં રહેતા હિન્દુઓમાં ભારે ઉત્સાહ છે.
વિશ્વ જૈન સંગઠનના વિજય જૈને કહ્યુ હતુ કે, દુનિયાભરમાં રહેતા ભારતીયો માટે આ એક ઐતહાસિક ક્ષણ છે અને લોકો તેને દિવાળી તરીકે મનાવી રહ્યા છે. કેનેડામાં એક કાર રેલીનુ આયોજન પણ કરાયુ છે. જેમાં 20 ફૂટ લાંબા ડિજિટલ ટ્રકને પણ સામેલ કરાશે. આ સિવાય ઓટાવા, વિન્ડસર, તેમજ બ્રિટિશ કોલમ્બિયાના સરેમાં પણ ત્રણ કાર રેલીઓ નીકળવાની છે. કેલગરીના હિન્દુ સમાજ દ્વારા અલબર્ટા શહેરમાં રામોત્સવની ઉજવણી થવાની છે.
તેમણે કહ્યુ હતુ કે, કુલ મળીને કેનેડાના વિવિધ મંદિરો તેમજ હિન્દુ સમાજ દ્વારા સોમવાર સુધીમાં અયોધ્યામાં થનારી પ્રાણ પ્રતિષ્ઠા માટે 115 જેટલા કાર્યક્રમોનુ આયોજન કરવાની યોજના બનાવવમાં આવી છે.