કેનેડામાં સત્તા ડામાડોળ, શું ટ્રુડોની વિદાયનો સમય આવ્યો? પાર્ટીના સાંસદોએ જ આપ્યો ઝટકો
Canada Political Crisis : કેનેડામાં જસ્ટિન ટ્રુડો સાથે એનડીપીએ છેડો ફાડ્યો, ત્યારથી જ ટ્રુ઼ડો સરકાર પર મુશ્કેલીના વાદળ ઘેરાયા છે. મંગળવારે પાર્ટીના સાંસદો સાથે મહત્વપૂર્ણ બેઠક શરૂ થવા જઈ રહી છે. જોકે, પાર્ટીની અંદરથી પણ ટ્રુડોને નિરાશા જ મળી રહી છે. લિબરલ પાર્ટીના સાંસદ એલેક્ઝાન્ડર મેન્ડેસે જણાવ્યું કે, પાર્ટીની અંદરથી પણ એવા અવાજો ઊભા થઈ રહ્યાં છે કે, હવે વડાપ્રધાનની વિદાય થવી જોઈએ.
રાજીનામાંની આપી સલાહ
એલેક્ઝાન્ડર મેન્ડેસે વડાપ્રધાન રીતે ટ્રુડોના વખાણ પણ કર્યાં. તેઓ રેડિયો કેનેડા પર વાત કરી રહ્યા હતાં ત્યારે કહ્યું કે, 'મેં આવું એકાદ-બે લોકો પાસેથી નહીં ડઝનો લોકો પાસેથી સાંભળ્યું છે કે, હવે આગળના સફર માટે જસ્ટિન ટ્રુડો યોગ્ય નેતા નથી. એવામાં તેઓએ વિદાય લઈ લેવી જોઈએ. આ પહેલાં બ્રૂનસ્વિકના સાંસદ વાયને લોન્ગએ પણ આવનારી સામાન્ય ચૂંટણી પહેલાં જસ્ટિન ટ્રુડોને રાજીનામું આપવાની સલાહ આપી હતી.'
આ પણ વાંચોઃ મુખ્યમંત્રી જ 'ગુમ', પાકિસ્તાનમાં ઈમરાન સમર્થક નેતાને સેના વિરુદ્ધ ભાષણ ભારે પડ્યું
ગઠબંધન તૂટતા વધી મુશ્કેલી
ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP) એ પોતાનો ટેકો પાછો ખેંચીને 'સપ્લાઈ એન્ડ કોન્ફિડન્સ એગ્રીમેન્ટ' રદ્દ કરી દીધું છે. માર્ચ 2022માં બંને પાર્ટીનું ગઠબંધન થયું હતું. કેનેડાના હાઉસ ઑફ કોમન્સમાં કુલ 338 સીટ છે. લિબરલ પાર્ટી પાસે 154 સાંસદ છે. નોંધનીય છે કે, NDP એ ગઠબંધન તોડતા સરકાર લઘુમતીમાં આવી ગઈ છે.
બ્રિટિશ કોલંબિયામાં આયોજિત કૉકસની બેઠકમાં બેન્ક ઑફ ઈંગ્લેન્ડના પૂર્વ ગવર્નર માર્ક કારનીને આર્થિક વિષયોના વિશેષ સલાહકાર બનાવવાનું પણ ઔપચારિક એલાન કરવામાં આવી શકે છે. સોમવારે ટ્રુડોએ કહ્યું હતું કે, 'દેશની આર્થિક વ્યવસ્થાને આગળ વધારવા માટે માર્ક પાસે મોટું વિઝન છે. તે મધ્યમ વર્ગને મજબૂત કરવા ઈચ્છે છે.'
ટ્રુડોએ આપવું પડશે રાજીનામું?
કેનેડાનો સર્વે પણ જણાવે છે કે, હાલ કન્ઝર્વેટિવ પાર્ટી લિબરલ પાર્ટીથી 15-20 પોઇન્ટથી આગળ છે. એવામાં આવનાર ચૂંટણીમાં પણ લિબરલ પાર્ટીની હારની સંભાવના જોવા મળી રહી છે. ચૂંટણી પહેલાં જસ્ટિન ટ્રુડોનું વડાપ્રધાનના પદ પરથી દૂર થવું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું હતું.