કેનેડામાં મંદિર પર હુમલાનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો, ખાલિસ્તાની આતંકી 'પન્નુ'નો ખાસ નીકળ્યો
Canada Hindu Temple Attack: કેનેડામાં બ્રેમ્પટન ખાતે મંદિરમાં હિન્દુઓ પર થયેલા હુમલાના માસ્ટરમાઈન્ડની અંતે ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અત્યારસુધી ચાર આરોપીની ધરપકડ થઈ છે. મંદિરમાં હુમલાનો માસ્ટરમાઈન્ડ 35 વર્ષીય ઈન્દ્રજીત ગોસાલ છે. તે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની નજીકનો માણસ છે. ઇન્દ્રજીતે ગ્રેટર ટોરોન્ટોમાં હિન્દુ મંદિર પર હુમલો કરવાની યોજના તૈયાર કરી હતી.
પોલીસે છોડી દીધો
પોલીસે આ હુમલાના માસ્ટરમાઈન્ડની ધરપકડ કરી તેને કોર્ટમાં હાજર થવા નિર્દેશ આપ્યો હતો. બાદમાં તેને છોડી મુકાયો હતો. ઈન્દ્રજીત ગોસાલ શિખ ફોર જસ્ટિસનો પ્રમુખ ગુરપતવંતસિંહ પન્નુનો જમણો હાથ છે. હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ તે રેફરેન્ડમ સંબંધિત કામ કરી રહ્યો હતો. આઠ નવેમ્બરે પોલીસે તેની ધરપકડ કર્યા બાદ તેને નિશ્ચિત કરેલી તારીખે કોર્ટમાં હાજર થવા આદેશ સાથે જામીન પર છોડી દીધો હતો.
શું હતી ઘટના
દિવાળીના પર્વ નિમિત્તે ચાર નવેમ્બરે ખાલિસ્તાનીઓએ કેનેડામાં અનેક મંદિરોને ટાર્ગેટ બનાવી હુમલા કર્યા હતા. 3 નવેમ્બરે બ્રેમ્પટન શહેરમાં આયોજિત હિન્દુ સભા મંદિરમાં હિન્દુઓને માર મારી ભગાડી મૂક્યા હતા. આ હુમલાની વિશ્વભરમાં ટીકાઓ થઈ હતી. વડાપ્રધાન મોદીએ પણ કેનેડાની સુરક્ષાની ટીકા કરતાં આકરા પગલાં લેવા સંદેશ આપ્યો હતો.
પોલીસનું નરમ વલણ
પોલીસે ઘટનાની તપાસ માટે સ્પેશિયલ ટીમ બનાવી હોવાનું જણાવ્યું હતું. તેમજ વધુ તપાસ માટે આરોપોની ઓળખ કરવા સીસીટીવી ફુટેજ તપાસી રહી છે. કેનેડાના સાંસદ ચંદ્ર આર્યે દેશના અમુક નેતાઓ પર હિન્દુઓ અને શિખોને જાણીજોઈને એક-બીજાની સામે લડવા ઉશ્કેરવાનો આરોપ મૂક્યો હતો.