'અમેરિકા સાથેના સંંબંધો હવે પૂરા થયા', ટ્રમ્પના ટેરિફથી કેનેડા ભડક્યું, માઠી અસર ભોગવવા તૈયાર રહેવાની ધમકી
Canada Ends Relations With USA: કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ અમેરિકા સાથેના જૂના સારા સંબંધો સમાપ્ત થયા હોવાનું એલાન કર્યું છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના ઓટો અને ઓટો પાર્ટ્સ પર 25 ટકા ટેરિફ લાદવાના નિર્ણયની ટીકા કરતાં કાર્નીએ આ જાહેરાત કરી છે.
કાર્નીએ જણાવ્યું કે, 'અમેરિકા સાથે અમારા સારા સંબંધો હવે પૂરા થયા. અર્થવ્યવસ્થા, સુરક્ષા અને સેનાના મજબૂત જોડાણ આધારિત અમારા અમેરિકા સાથેના જૂના સંબંધો હવે સમાપ્ત થયા છે. ટ્રમ્પનો કાર ટેરિફ અન્યાયી છે. તેઓએ બંને દેશો વચ્ચેના ઉમદા વેપાર કરારો તોડ્યા છે.'
કેનેડામાં પાંચ લાખ નોકરીઓ સંકટમાં
મીડિયા રિપોર્ટ અનુસાર, અમેરિકાના ટેરિફ વલણના કારણે કેનેડામાં પાંચ લાખ નોકરીઓ પર સંકટ તોળાઈ રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફની જાહેરાત બાદ કાર્નીએ તુરંત જ પોતાનું ચૂંટણી અભિયાન અટકાવી દીધુ હતું. તેમણે તાત્કાલિક ધોરણે કેબિનેટ બેઠક બોલાવી કહ્યું હતું કે, અમેરિકાએ પોતાના સંબંધ બગાડ્યા છે. હવે ભવિષ્યમાં તેની સાથે ટ્રેડ ડીલ કરવી મુશ્કેલ બનશે.
ટેરિફ સામે મજબૂત લડત આપશે
કાર્નીએ વધુમાં જણાવ્યું હતું કે, આ લેટેસ્ટ ટેરિફ વિરુદ્ધ અમે આકરી લડત આપીશું. અમે અમારી જાતે જ પ્રતિશોધાત્મક વેપાર સાથે તેને ટક્કર આપીશું. અમે અમારા કર્મચારીઓ, કંપનીઓની રક્ષા કરીશું. દેશની રક્ષા કરીશું. અમારી જવાબી કાર્યવાહીથી અમેરિકા પર મહત્તમ અસર થશે.
સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા લીધો નિર્ણય
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્થાનિક ઓટો મેન્યુફેક્ચરિંગને વેગ આપવાના હેતુ સાથે ઓટો અને ઓટો પાર્ટ્સ પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી અમેરિકાને 100 અબજ ડૉલરની કમાણી થવાનો અંદાજ છે. જો કે, વૈશ્વિક સ્તરે આ નિર્ણયની ઓટો સપ્લાય ચેઇન પર માઠી અસર થઈ શકે છે. ઓટો મેન્યુફેક્ચરર પર નાણાકીય બોજો વધી શકે છે. ટ્રમ્પના આ નિર્ણયની ટોક્યોથી માંડી બર્લિન, પેરિસ, કેનેડા સહિતના દેશો ટીકા કરી રહ્યા છે. ભારતને પણ અમેરિકામાં ઓટો પાર્ટ્સની નિકાસ પર ઝટકો વાગી શકે છે.
અમેરિકામાં 475 અબજ ડૉલરની કારની આયાત
અમેરિકાએ ગત વર્ષે મેક્સિકો, જાપાન, સાઉથ કોરિયા, કેનેડા અને જર્મનીમાંથી 475 અબજ ડૉલરની કારની આયાત થઈ હતી. યુરોપિયન કાર મેકર્સ અમેરિકામાં 7.50 લાખથી વધુ વાહનો વેચે છે. ટ્રમ્પની 25 ટકા ટેરિફથી અમેરિકાને અંદાજે 100 અબજ ડૉલરની કમાણી થવાની સંભાવના જોવા મળી છે.