વિવાદ વચ્ચે કેનેડાના PM ટ્રુડોના સૂર બદલાયા, કહ્યું- ભારત સાથેના સંબંધો મજબૂત કરવા પ્રતિબદ્ધ

ટ્રુડોએ એ પણ સ્વીકાર્યું કે ભારત એક વિકસતી આર્થિક સત્તા છે અને તેની અવગણના ન કરી શકાય

મોન્ટ્રીયલમાં એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કેનેડાના સાથી દેશોને પણ ભારત અંગે આપી મોટી સલાહ

Updated: Sep 29th, 2023


Google NewsGoogle News
વિવાદ વચ્ચે કેનેડાના PM ટ્રુડોના સૂર બદલાયા, કહ્યું- ભારત સાથેના સંબંધો મજબૂત કરવા પ્રતિબદ્ધ 1 - image

કેનેડા (canada) માં ખાલિસ્તાની (Khalistan) આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર (Hardip singh Nijjar)ની હત્યા બાદ કેનેડાએ ભારત વિરુદ્ધ નિવેદન આપતાં ભારત અને કેનેડા (India canada Controversy) વચ્ચે વિવાદ વકર્યો હતો.  જોકે આ રાજકીય વિવાદ વચ્ચે કેનેડાનો સૂર બદલાતો જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું છે કે કેનેડા હજુ પણ ભારત સાથેના સંબંધોને મજબૂત કરવા સમર્પિત છે. ટ્રુડોએ એ પણ સ્વીકાર્યું કે ભારત એક વિકસતી આર્થિક સત્તા છે અને તેની અવગણના ન કરી શકાય. 

કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ શું કહ્યું? 

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો(Canada Prime Minister Justin Trudeau)એ જણાવ્યું હતું કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની સંડોવણી હોવાના આક્ષેપો છતાં કેનેડા ભારત સાથે ગાઢ સંબંધો બનાવવા માટે પ્રતિબદ્ધ છે. વિશ્વભરમાં ભારતના વધતા પ્રભાવ તરફ ઈશારો કરતા ટ્રુડોએ કહ્યું કે કેનેડા અને તેના સાથી દેશો ભારત સાથે જોડાયેલા રહે તે અત્યંત મહત્વપૂર્ણ છે.

ભારત વધતી જતી આર્થિક સત્તા : ટ્રુડો

મોન્ટ્રીયલમાં એક પ્રેસ કોન્ફરન્સમાં પીએમ ટ્રુડોએ કહ્યું કે મારું માનવું છે કે કેનેડા અને તેના સાથીઓએ વિશ્વ મંચ પર ભારતના વધતા જતાં મહત્ત્વને જોતાં તેની સાથે રચનાત્મક અને ગંભીરતાપૂર્વક જોડાયેલા રહેવું જોઈએ. જસ્ટિન ટ્રુડોએ કહ્યું, હું માનું છું કે કેનેડા અને તેના સહયોગી દેશો માટે ભારત સાથેના સંબંધોને મજબૂત કરવા અત્યંત મહત્વપૂર્ણ છે. વિશ્વના વિવિધ મંચોમાં પણ ભારતને મહત્વ આપવામાં આવી રહ્યું છે. ટ્રુડોએ કહ્યું કે ભારત એક વિકસતી આર્થિક શક્તિ છે અને ભૌગોલિક રાજકીય રીતે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત અમારી ઈન્ડો પેસિફિક વ્યૂહરચના માટે પણ મહત્વપૂર્ણ છે. તેથી અમે ભારત સાથેના સંબંધોને મજબૂત કરવા માટે ખૂબ જ ગંભીર છીએ.

ટ્રુડોએ કહ્યું- અમેરિકા અમારી સાથે છે

ટ્રુડોએ કહ્યું કે અમેરિકા અમારી સાથે છે અને તે કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યાનો મુદ્દો ભારત સાથે ઉઠાવી રહ્યું છે. કેનેડિયન પીએમએ કહ્યું કે અમને અમેરિકા તરફથી આશ્વાસન મળ્યું છે કે અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકન પણ ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથેની વાતચીત દરમિયાન નિજ્જરની હત્યાનો મુદ્દો ઉઠાવશે. જસ્ટિન ટ્રુડોએ એમ પણ કહ્યું હતું કે કાયદાના શાસન દ્વારા સંચાલિત એક દેશ તરીકે અમે ઇચ્છીએ છીએ કે ભારત કેનેડા સાથે મળીને કામ કરે અને તે સુનિશ્ચિત કરે કે તમામ તથ્યો અમારી સમક્ષ આવે. 


Google NewsGoogle News