ભારત સાથે પંગો, ખાલિસ્તાની પ્રોપગેન્ડા, ટ્રમ્પ-મસ્કનો ઝટકો... કેનેડાના PM ટ્રુડોની ગેમ આવી રીતે થઈ ફિનિશ
Canada PM Justin Trudeau Resignation Reason : ખાલિસ્તાની પ્રોપગેન્ડા અને ભારત વિરોધી એજન્ડાના દમ પર પોતાની રાજકીય કારકિર્દી ચમકાવનાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના દિવસો પુરા થઈ ગયા છે. ટ્રુડોની લોકપ્રિયાતા ઘટતા અને તેમની જ પાર્ટીમાં આંતરિક અસંતોષ જેવા અનેક કારણોના લીધે તેમણે રાજીનામું આપવું પડ્યું છે. આમ તો ટ્રુડોનો ખરો રાજકીય ખેલ 2013માં શરૂ થયો અને તેઓ હરણફાળ ગતિએ આકાશે આંબ્યા, પરંતુ વર્ષ 2025 આવતાની સાથે જ તેઓ પાંચ બાબતોના કારણે જમીન પર પછડાયા અને છેવટે રાજીનામું આપી દેવું પડ્યું.
ટ્રુડોએ લિબરલ પાર્ટીને સંકટમાંથી ઉગારી
વાસ્તવમાં એક સમય એ હતો કે, લિબરલ પાર્ટી ભારે સંકટમાં હતી અને પાર્ટી હાઉસ ઑફ કોમન્સમાં પ્રથમવાર ત્રીજા સ્થાને ધકેલાઈ ગઈ હતી. આ દરમિયાન ટ્રુડોએ 2013 પાર્ટીનું પદ સંભાળ્યું, પછી તેમણે બે વર્ષ સુધી કેનેડામાં ધમાકેદાર કેમ્પેઈન કર્યું અને સફળ પણ થયા. તેના ફળ સ્વરૂપે કેનેડામાં ઓક્ટોબર-2015માં યોજાયેલી ચૂંટણીમાં ટ્રુડોને શાનદાર જીત મળી. આ ચૂંટણીમાં લિબરલે 338 બેઠકોમાંથી 184 બેઠકો જીતી. આ ચૂંટણીમાં દેશના 39.5 ટકા કેનેડીયનોએ ટ્રુડોને પાર્ટીને લોકપ્રિય માની મત આપ્યો. આ એક મજબૂત અને શક્તિશાળી સરકાર હતી.
ટ્રુડો રાજીનામું આપવા મજબૂર થયા
લિબરલ પાર્ટીના સંકટની સૌથી મહત્ત્વની વાત એ છે કે, પાર્ટીને 2011ની ચૂંટણીમાં માત્ર 34 બેઠક મળી હતી. પછી ટ્રુડો મેદાનમાં આવ્યા અને પાર્ટીને 184 બેઠકો જીતીને આપી. ત્યારબાદ 2019 અને 2021ની ચૂંટણીમાં પણ ટ્રુડોની જીત થઈ. આમ ટ્રુડો છેક આકાશ સુધી આંબી ગયા. પછી સમય એવો આવ્યો કે, કે ટ્રુડો સતત જીતતા તો ગયા, પણ સાથે સાથે તેઓ નીતિઓ પર પકડ પણ ગુમાવતા ગયા, જેના કારણે તેમની પાર્ટીની વિરોધી કન્જરવેટિવ પાર્ટી હાવી બનતી ગઈ. હવે ટ્રુડો એવી મુશ્કેલીમાં મુકાયા છે કે, તેમણે કાર્યકાળ પુરો થયા પહેલા જ રાજીનામું આપવા મજબૂર થવું પડ્યું છે.
આ પણ વાંચો : કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ પદ પરથી રાજીનામું આપ્યું, આલોચના વચ્ચે લીધો નિર્ણય
ટ્રુડોની ગેમ ફિનિશ થવાના પાંચ કારણો
કાર્યકાળ પુરો થયા પહેલા જ ટ્રુડોએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. તેમની લોકપ્રિયતા ઘટવા તેમજ રાજીનામું આપવા પાછળ પાંચ કારણો જવાબદાર છે.
1... ખાલિસ્તાની પ્રોપગેન્ડા, ભારત વિરોધી એજન્ડા : ટ્રુડો હંમેશા ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરનારા ખાલિસ્તાનીઓનું સમર્થન કરતા હોય તેવી છાપ ઉભી કરતા રહેતા હતા. ટ્રુડો કેનેડામાંથી ભારત વિરોધી ગતિવિધિઓને અંજામ આપતા ખાલિસ્તાનીઓને ચુપચાપ સહન કરતા રહ્યા, એટલું જ નહીં, ત્યાંની પોલીસે પણ ખાલિસ્તાનીઓને સુરક્ષા આપતી રહી. કેનેડામાં ભારતના પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યાને અપમાનજનક રૂપે દેખાતી હતી, આ દરમિયાન પણ પોલીસ ચુપ રહી હતી. આ ઉપરાંત કેનેડામાં હિન્દુઓના મંદિરો પર હુમલા થયા, ત્યારે પણ પોલીસ ચુપ રહી હતી. કેનેડા વિકસીત દેશોમાં સામેલ છે, તેથી ટ્રુડો પાસેથી અપેક્ષા હતી કે, તેઓ ખાલિસ્તાની કરતૂતોની ટીકા કરી કાર્યવાહી કરવાના આદેશ આપશે. જોકે તેઓ ચુપ રહ્યા અને કેટલાક ઉગ્રવાદીઓના મત મેળવવા માટે તેમને સહન કરતા રહ્યા. ટ્રુડોની લોકપ્રિયતા ઘટવાનું આ પણ એક મહત્ત્વનું કારણ છે.
2... ભારતે આપ્યો ટ્રુડોને જડબાતોડ જવાબ : ટ્રુડોએ ભારતમાંથી ફરાર થયેલા આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આક્ષેપ કર્યા બાદ તેમણે દ્વિપક્ષીય સંબંધોની મર્યાદા પણ ખતમ કરી નાખી. ટ્રુડોએ સપ્ટેમ્બર-2023માં કેનેડાની સંસદમાં કહ્યું હતું કે, ‘કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા તંત્ર પાસે પર્યાપ્ત પુરાવા છે કે, ભારત સરકારના એજન્ટોએ જ કેનેડીયન નાગરિકની હત્યા કરી છે.’ ટ્રુડોના આક્ષેપ બાદ ભારત ચોંકી ગયું અને પછી બંને દેશો વચ્ચે અવારનવાર વિવાદો થતા રહ્યા. ભારતે ટ્રુડોના તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી તમામ સંબંધોનો અંત આણ્યો હતો. ટ્રુડો અત્યાર સુધી એક પણ ભારત વિરુદ્ધના પુરાવા રજુ કરી શક્યા નથી.
3... ટ્રુડોની લોકપ્રિયતા ઘટી : આ પગલાંને કારણે કેનેડામાં ટ્રુડોની લોકપ્રિયતા ઘટી. એંગસ રીડ ઇન્સ્ટિટ્યૂટ (ARI) અને કેનેડાના એશિયા પેસિફિક ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં 39 ટકા કેનેડિયનો માને છે કે, કેનેડાની સરકાર સંબંધોને સારી રીતે મેનેજ કરી રહ્યું નથી, જ્યારે 32 ટકા લોકોનું તેનાથી વિપરીત માને છે. 29 ટકા લોકોએ કહ્યું કે, તેઓ કંઈ કહી શકતા નથી. સર્વેમાં એ પણ જાણવા મળ્યું છે કે, 39 ટકા કેનેડિયનો માને છે કે જ્યાં સુધી ટ્રુડો વડાપ્રધાન છે ત્યાં સુધી સંબંધો સુધરશે નહીં.
4... ટ્રમ્પની જીત બાદ ટ્રુડોના દિવસો વધુ બગડ્યા : અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત થઈ અને આ સાથે જ ટ્રુડોના વધુ ખરાબ દિવસો શરૂ થયા. ટ્રમ્પે જીત બાદ કહ્યું હતું કે, ‘હું કેનેડા પર 25 ટકા ટેરિફ લગાવીશ.’ ટ્રમ્પની જાહેરાત ટ્રુડો માટે ઝટકા સમાન હતું. ટ્રુડોએ તુરંત અમેરિકાની ફ્લાઈટ પકડી અને ટ્રમ્પ સાથે ગુપચુપ મુલાકાત કરી અને ડિનર પણ કર્યું. જોકે તેમ છતાં ટ્રુડોની સમસ્યાનો નિવેડો આવ્યો નહીં. ટ્રમ્પે ફાર-લેફ્ટ લૂનેટિક કહી ટ્રુડોની મજાક પણ ઉડાવી. આ ઉપરાંત ટ્રમ્પે ટ્રુડોને કેનેડાના મહાન રાજ્યના ગર્વનર કહ્યા. તેમણે કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનવાની સલાહ આપી કહ્યું કે, આમ કરવાથી ટેરિફ અને ટ્રેડ પર વાતચીત કરવામાં સરળતા રહેશે.
5... ટ્રમ્પ બાદ મસ્કે આપ્યો ઝટકો : ટ્રુડોને બીજો ફટકો ટ્રમ્પના નજીકના સહયોગી અને દિગ્ગજ ઉદ્યોગપતિ ઈલોન મસ્ક તરફથી મળ્યો હતો. મસ્કે ટ્વીટમાં કહ્યું કે, ટ્રુડો આગામી ચૂંટણી હારી જવાના છે. આગામી ચૂંટણીમાં તેમની વિદાય નિશ્ચિત છે. મસ્ક જેવા ઉદ્યોગપતિના નિવેદનથી ટ્રુડોની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો હતો.
આ પણ વાંચો : બેંગલુરુ, ગુજરાત, બંગાળ બાદ હવે ચેન્નાઈમાં HMPV વાઈરસની એન્ટ્રી, બે બાળકો સંક્રમિત
દેશની અંદર અને બહાર, ચોતરફથી ટ્રુડો પર પ્રહાર
ઘરેલુ મામલે ટ્રુડો નબળા પડ્યા. દેશની અંદર જ્યારે વિપક્ષ તેમના પર સતત પ્રહારો કરી રહ્યું હતું, ત્યારે ટ્રુડો દેશની બહાર પડકારોનો સામનો કરી રહ્યા હતા. 2021ની ફેડરલ ચૂંટણી બાદથી પેટાચૂંટણીઓમાં લિબરલ પાર્ટીને સતત હારનો સામનો કરવો પડ્યો અને સંસદમાં તેમની સંખ્યા ઘટતી રહી. જેમાં ટોરન્ટોમાં ટોરન્ટો, સેન્ટ પોલ અને મોન્ટ્રિયલમાં લાસેલ, એમાડ, વર્ડન જેવી સુરક્ષિત બેઠકો પર હાર મળી. આ હારના મહિનામાં ટ્રુડોના નેતૃત્વ પર આંતરિક હતાશા અને અસંતોષ અંગેના અહેવાલ સતત મીડિયામાં જોવા મળ્યા હતા.
પાર્ટીના 43 ટકા લોકો ટ્રુડોને પોતાના નેતા તરીકે જોવા ઈચ્છતા નહોતા
આ તમામ ઘટનાક્રમ વચ્ચે ટ્રુડોની લોકપ્રિયતા સતત ઘટતી રહી. જ્યારે ગ્લોબલ માર્કેટ રિસર્ચ સંસ્થાન Ipsosના રિપોર્ટ મુજબ, લગભગ 73 ટકા કેનેડિયન ઈચ્છતા હતા કે ટ્રુડો રાજીનામું આપે. આ ઉપરાંત ખુદ લિબરલ પાર્ટીને સપોર્ટ કરનારા 43 ટકા લોકો પણ ટ્રુડોને પોતાના નેતા તરીકે જોવા ઈચ્છતા નહોતા. જ્યારે કેનેડામાં મોંઘવારીની સાથે બેરોજગારી પણ વધી રહી છે, ત્યારે કંજરવેટિવ પાર્ટીએ આ મુદ્દાઓ ઉઠાયા છે. કોરોના બાદ બેરોજગારીદર લગભગ 6.50 ટકા સુધી પહોંચ્યો છે. ટ્રુડોની ટેક્સનિતી પણ લોકોને પરેશાન કરી રહી છે.
'હવે ટ્રુડોનો સમય પૂરો'
ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં લિબરલ પાર્ટીમાં પણ ટ્રુડોના વિરુદ્ધમાં વિદ્રોહ જેવી સ્થિતિ જોવા મળી હતી. લિબરલ પાર્ટીના અનેક સાંસદોએ એક મિટિંગથી સહમતી દાખવી અને કહ્યું કે, 'હવે ટ્રુડોએ પોતાનું પદ છોડી દેવું જોઈએ. પાર્ટીના 51 સાંસદોની એક એ નક્કી કરાયું હતું કે, હવે ટ્રુડોનો સમય પૂરો થઈ ગયો છે.'
ટ્રુડો સરકારમાં રાજીનામાનો રાઉન્ડ
2024ના અંતિમ મહિનામાં ટ્રુડો એ મંત્રીમંડળમાં રાજીનામાને લઈને વાતાવરણ જોવા મળ્યું. 19 સપ્ટેમ્બર 2024ના રોજ પરિવહન મંત્રી પાબ્લો રોડ્રિગ્જે રાજીનામું આપ્યું. 20 નવેમ્બર 2024માં અબ્લર્ટાના સાંસદ રેંડી બોઈસોનોલ્ટે રાજીનામું આપ્યું. 15 ડિસેમ્બર 2024માં આવાસ મંત્રી સીન ફ્રેજરે પારિવારિક કારણોને ધ્યાનમાં રાખીને આગામી ફેરબદલમાં મંત્રીમંડળ છોડવાને લઈને ઘોષણા કરી. 16 ડિસેમ્બર 2024માં ક્રિસ્ટિયા ફ્રિલેંડે નાયબ વડાપ્રધાન અને નાણા મંત્રીના પદ પરથી રાજીનામું આપ્યું. આ તમામ રાજીનામા બાદ ટ્રુડોને પોતાના પદ પર રહેવાનું કોઈ ઠોશ કારણ રહ્યું ન હતું.