કન્ઝર્વેટિવ પાર્ટીના લીડરની ચૂંટણીમાં ભારતનો હસ્તક્ષેપ: સંસદમાં ટ્રુડોનો ફરી ગંભીર આક્ષેપ
Canada Justin Trudeau: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ગતવર્ષે સદનમાં ખાલિસ્તાની હરદીપસિંહ નિજ્જરની હત્યા મુદ્દે ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યું હતું. ત્યારથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તિરાડો વધી છે. હવે ફરી તેમણે સદનમાં ભારત વિરૂદ્ધ નિવેદન આપતાં મામલો ગરમાયો છે. ટ્રુડોએ ભારત પર કેનેડામાં વિપક્ષના નેતાની પસંદગીમાં હસ્તક્ષેપ કર્યો હોવાનો આરોપ મૂક્યો છે.
ટ્રુડોએ ફરી મૂક્યો આરોપ
ટ્રુડોએ કેનેડાના આઉટલેટમાં પ્રકાશિત એક રિપોર્ટમાં મૂકાયેલા આરોપને ટાંકીને જણાવ્યું હતું કે, ભારતે 2022માં કેનેડાના વિપક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાની ચૂંટણીમાં હસ્તક્ષેપ કર્યો હતો. જે ચિંતાજનક છે. પરંતુ આ કંઈ નવુ નથી. ઉલ્લેખનીય છે, આ રિપોર્ટમાં અજાણ્યા સૂત્રોનો હવાલો આપી દાવો કરવામાં આવ્યો છે કે, ભારતીય એજન્ટ્સે પેટ્રિક બ્રાઉનને ઉમેદવારીની રેસમાંથી દૂર કરવા પ્રયાસ કર્યો હતો. હાલ પ્રેટિક બ્રેમ્પટનના ગ્રેટર ટોરેન્ટ વિસ્તાર ટાઉનશિપના મેયર છે.
ભારતીય એજન્ટે પ્રેશર કર્યું
રિપોર્ટ મુજબ, ભારતીય વાણિજ્ય દૂતાવાસના પ્રતિનિધિઓએ બ્રાઉન અભિયાનના કો-ચેરમેન મિશેલ રેમ્પેલ ગાર્નરને પદ પરથી દૂર કરવા પ્રેશર બનાવ્યું હતું. અંતે તેમણે રાજકારણમાંથી સંન્યાસ લેવો પડ્યો હતો. કન્ઝર્વેટિવ પાર્ટીની ચૂંટણીમાં વર્તમાન નેતા પિયે પોલિવરે સરળતાથી જીત હાંસલ કરી હતી. તેમને લગભગ 70 ટકા મત મળ્યા હતા. પોલિવર આ પદ માટે હંમેશાથી મજબૂત ઉમેદવાર રહ્યા હતા.
તમામ આરોપો પાયાવિહોણા
આ આરોપો સાથે જોડાયેલા પ્રતિનિધિઓએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી ફગાવ્યા છે. ગાર્નરે આરોપોનું ખંડન કરતાં જણાવ્યું કે, મેં મારી ઈચ્છાથી સંપૂર્ણપણે બ્રાઉન અભિયાનથી દૂર થવા નિર્ણય લીધો હતો. કોઈપણ મામલામાં મારા પર કોઈ દબાણ કરવામાં આવ્યુ નથી. મને કોઈએ મજબૂર કર્યો નથી. આ આરોપો હાસ્યાસ્પદ છે. બ્રાઉને જણાવ્યં કે, મારા માનવામાં આવતુ નથી કે, અન્ય દેશના હસ્તક્ષેપથી 2022ની કન્ઝર્વેટિવ પાર્ટી ઓફ કેનેડાની ચૂંટણીના અંતિમ પરિણામ બદલવામાં આવ્યા હોય. તેને આમાં શું ફાયદો થશે?