ટ્રુડોની ખુરશી ખતરામાં! મૂળ ભારતીય સાંસદે પત્ર લખીને કહ્યું- હવે રાજીનામું આપી દેવું જોઈએ
Canada News: કેનેડાના વડાપ્રધાન ટ્રુડો દિન પ્રતિદિન પોતાના સાંસદોનો વિશ્વાસ ગુમાવી રહ્યા છે. થોડા દિવસો પહેલાં ટ્રુડોની નીતિને ખોટી જણાવતા તેમની સરકારના નાણાંમંત્રીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. વળી, હવે બીજા સાંસદોએ પણ ટ્રુડોને પત્ર લખીને પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો છે. કેનેડાના વડાપ્રધાન ટ્રુડોને આ પત્ર કેનેડામાં ભારતીય મૂળના સાંસદ ચંદ્રા આર્યાએ લખ્યો છે. તેઓએ પત્રમાં લખ્યું કે, આજે જે સ્થિતિ છે જેને જોતા હું એવું કહી શકુ છું કે, હવે હાઉસ ઑફ કોમન્સમાંથી કોઈને તમારા પર વિશ્વાસ નથી રહ્યો. એવામાં મને લાગે છે કે, હવે તમારે પીછેહઠ કરી લેવી જોઈએ.
ચંદ્રા આર્યાએ પોતાના પત્રમાં આગળ લખ્યું કે, હું સતત તમારૂ સમર્થન કરતો આવ્યો છું, મેં તમારૂ એ સમયે પણસમર્થન કર્યું છે જ્યારે અમુક સાથી તમારી પાસે રાજીનામું માગી રહ્યા હતાં. આ પત્રમાં તેઓએ આગળ ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ (પૂર્વ નાણાંમંત્રી)ના રાજીનામાનો પણ ઉલ્લેખ કર્યો છે.
ક્રિસ્ટિયા ફ્રીલેન્ડના જોરદાર વખાણ
ચંદ્રા આર્યાએ વડાપ્રધાન ટ્રુડોને લખેલા આ પત્રમાં પૂર્વ નાણાંમંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડના પણ જોરદાર વખાણ કર્યા છે. તેઓએ પોતાના પત્રમાં લખ્યું કે, ક્રિસ્ટિયા ફ્રીલેન્ડના રાજીનામાથી મને વ્યક્તિગત રીખે ખૂબ દુઃખ થયું હતું. તેઓએ જે સમયે રાજીનામું આપ્યું તેને લઈને હું ખૂબ નિરાશ હતો. હું રાજકારણમાં તેમના કામની ખૂબ પ્રશંસા કરૂ છું. આજે જેવી સ્થિતિ છે તેમાં તે તમારી જગ્યાએ એક નવા કુશળ નેતૃત્ત્વ માટે એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવે છે. મને લાગે છે કે, અમે તેમના નેતૃત્ત્વમાં આ વારસાને વધુ આગળ લઈ જઈ શકે છે.
ટ્રુડોના ખાલિસ્તાન પ્રેમ પર પણ ચિંતા વ્યક્ત કરી
આ કોઈ પહેલીવાર નથી જ્યારે કેનેડાના સાંસદ ચંદ્રા આર્યાએ ટ્રુડો સરકાર અને ખુદ વડાપ્રધાન પર નિશાનો સાધ્યો હોય. આ વર્ષે ઓક્ટોબરમાં ચંદ્રા આર્યાએ ટ્રુડો, પન્નૂ અને ખાલિસ્તાની સમર્થકોની ધમકીના કારણે કેનેડામાં રહેતા હિન્દુઓની સુરક્ષાને લઈને પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેઓએ આ દરમિયાન કહ્યું હતું કે, મેં હાલમાં બનેલાં ઘટનાક્રમો વિશે કેનેડામાં રહેતા હિન્દુઓની ચિંતાને સાંભળી છે. એક હિન્દુ સાંસદના રૂપે હું ખુદ આવી ચિંતાઓનો પ્રત્યક્ષ અનુભવ કરી રહ્યો છું. હું સ્પષ્ટ કરી દેવા ઈચ્છું છું કે, કેનેડાની અંદર કોઈપણ રૂપે વિદેશી તાકતો દ્વારા કરવામાં આવતી કોઈપણ કાર્યવાહી અથવા ભાગીદારી સ્વીકાર્ય નથી. એક કેનેડિયન તરીકે અમે નથી ઈચ્છતા કે, કેનેડા અન્ય દેશોના ઘરેલું મામલે હસ્તક્ષેપ કરે. ખાલિસ્તાની ઉગ્રવાદ કેનેડાની સમસ્યા છે અને તેનું નિરાકરણ લાવવું આપણી સરકાર અને આપણી એજન્સીનું કામ છે.