ટ્રુડોની મૂર્ખામીના કારણે જ કેનેડામાં ખાલિસ્તાનની સમસ્યા છે, શીખ સાંસદના આક્રમક પ્રહાર
India-Canada Tensions: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે તેમના દેશમાં કાર્યરત કટ્ટરપંથી ખાલિસ્તાની તત્ત્વોનો બચાવ કરી રહ્યા છે. એટલું જ નહીં, ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ પણ લગાવ્યો છે અને તેના કારણે સંબંધો બગડ્યા છે. આ દરમિયાન કેનેડામાં જ જસ્ટિન ટ્રુડોને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે અને લોકો તેમની નીતિઓ પર સવાલ ઊઠાવી રહ્યા છે. કેનેડાના વાનકુવરમાં રહેતા શીખ નેતા ઉજ્જલ દોસાંઝે તો જસ્ટિન ટ્રુડોને મૂર્ખ કહ્યા હતા. તેમણે કહ્યું કે, 'ટ્રુડો સામાજિક અને રાજકીય રીતે મૂર્ખ માણસ છે.'
'ખાલિસ્તાન જેવી કોઈ પણ વસ્તુ સાથે કોઈ લેવાદેવા નથી'
કેનેડાના વાનકુવરમાં રહેતા શીખ નેતા ઉજ્જલ દોસાંઝે એક મીડિયા ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે, 'મોટાભાગની શીખ વસ્તી શાંતિપ્રિય છે અને તેમને ખાલિસ્તાન જેવી કોઈ પણ વસ્તુ સાથે કોઈ લેવાદેવા નથી. તેઓ બોલતા નથી કારણ કે તેઓ હિંસા અને તેના પરિણામોનો ડર રાખે છે.એવું માનવામાં આવે છે કે જે રીતે અંગ્રેજોએ હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે વિભાજન કરવામાં ભૂમિકા ભજવી હતી, તે જ રીતે તેઓએ શીખો સાથે પણ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ કારણે 1930થી અલગ ખાલિસ્તાનની માંગ ઊઠી રહી છે. તેને ભારતમાં ક્યારેય બહુ સમર્થન મળ્યું નથી. 1970 અને 1980ના દાયકામાં પંજાબમાં તેની અસર ચોક્કસપણે દેખાઈ હતી, પરંતુ પછી ધીમે ધીમે તે અવાજો પણ શાંત થઈ ગયા.'
હાલમાં સ્થિતિ એવી છે કે ખાલિસ્તાની તત્ત્વો કેનેડા જેવા દેશમાં અવારનવાર ઉપદ્રવ સર્જે છે. ક્યારેક હિન્દુ મંદિરો પર હુમલા થાય છે તો ક્યારેક ભારતીય કોન્સ્યુલેટને નિશાન બનાવવામાં આવે છે. આ કારણે બંને દેશો વચ્ચેના સંબંધો બગડી ગયા છે. જો કે, ઉજ્જલ દોસાંઝ જેવા કેટલાક શીખ નેતાઓ છે, જેઓ ખાલિસ્તાની તત્ત્વો સામે ખુલ્લેઆમ બોલતા રહ્યા છે. તેઓ બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં એનડીપીના સાંસદ રહી ચૂક્યા છે. આ સિવાય તેઓ પૂર્વ પીએમ પોલ માર્ટિનની સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.
ઉજ્જલ દોસાંઝને ઘણી વખત ધમકીઓ મળી
ઉજ્જલ દોસાંઝને ઘણી વખત ધમકીઓ મળી છે, પરંતુ 78 વર્ષીય નેતા ક્યારેય ઝૂક્યા નથી. તે ખુલ્લેઆમ બોલતો રહ્યો છે. તેમનું કહેવું છે કે, 'કેનેડામાં 8 લાખ શીખ રહે છે, પરંતુ તેમાંથી થોડા જ લોકો આ એજન્ડામાં ફસાયા હશે. આવા લોકોની સંખ્યા 5 ટકાથી ઓછી હશે.'