અમેરિકા સાથે ટેરિફ વૉર વચ્ચે માર્ક કાર્નીએ કેનેડાના 24માં વડાપ્રધાન તરીકે લીધા શપથ
Canada New PM Mark Carney Sworn : અમેરિકા સાથે ટેરિફ વૉર વચ્ચે કેનેડાને નવા વડાપ્રધાન મળી ગયા છે. માર્ક કાર્નીએ આજે (14 માર્ચ) કેનેડાના 24માં વડાપ્રધાન તરીકે શપણ ગ્રહણ કર્યા છે. માર્ક કાર્નીએ તાજેતરમાં જ અમેરિકા સાથેના ટેરિફ વૉર પર નિવેદન આપ્યું હતું, જેના કારણે તેઓ ખૂબ ચર્ચામાં આવ્યા હતા. માર્ક કાર્ની આ વર્ષે જાન્યુઆરીમાં રાજીનામું આપનાર જસ્ટિન ટ્રુડોની જગ્યાએ કાર્યભાર સંભાળશે.
રાજકારણ બાબતે કાર્ની બિનઅનુભવી
બેન્ક ઓફ કેનેડા અને બેન્ક ઓફ ઈંગ્લેન્ડના પૂર્વ ગવર્નર માર્ક કાર્નીને 10 માર્ચે કેનેડાની સત્તાધારી પાર્ટી લિબરલના નવા નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ સાથે જ માર્ક કાર્ની કેનેડાના નવા વડાપ્રધાન બની ગયા છે અને જસ્ટિન ટ્રુડોનું સ્થાન લીધું છે. 59 વર્ષીય કાર્નીએ 86% સભ્યોના વોટ મેળવીને વડાપ્રધાન પદ મેળવવામાં સફળતા મેળવી છે. એવું કહેવાય છે કે કાર્નીને રાજકારણનો અનુભવ નથી. કાર્નીએ કહ્યું કે, ‘ટ્રમ્પ સતત ટેરિફની ધમકીઓ આપી રહ્યા છે અને તેના કારણે કેનેડાના અર્થતંત્રને ઝટકો લાગી શકે છે. હું પાર્ટીને પુર્નજીવીત કરવા અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વેપાર અંગે મંત્રણા કરવા સૌથી ઉપયોગી વ્યક્તિ સાબિત થઈશ.’
કાર્ની સામે બે પડકાર
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વૉરના કારણે કેનેડા સહિત અનેક દેશો મુશ્કેલીમાં મુકાયા છે. અમેરિકાએ ટેરિફ ઝીંક્યા બાદ કેનેડાએ પણ વળતા પ્રભારના ભાગરૂપે અમેરિકા પર ટેરિફ લાદ્યો છે. આ તમામ ઘટના ક્રમ વચ્ચે ટ્રમ્પ અને કેનેડાના નેતાઓ વચ્ચે શાબ્દિક પ્રહારો પણ થઈ રહ્યા છે, તેથી કાર્ની માટે આ ટેરિફ વૉરનો મુદ્દો મોટો પડકારજનક હશે. આ ઉપરાંત કેનેડાના પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર ગંભીર આક્ષેપ કરી સંબંધો બગાડેલા છે, જેને સુધારવા માટે કાર્નીએ પ્રયાસો કરવા પડશે. આમ અમેરિકા, ભારત અને આર્થિક સ્થિરતા વચ્ચે વડાપ્રધાન બનેલા કાર્નીએ ત્રણ મોર્ચે પડકારનો સામનો કરવાનો રહેશે.
આ પણ વાંચો : પાકિસ્તાનમાં જુમ્માની નમાજ દરમિયાન મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ, અનેક લોકોને ઈજા