કેનેડાના PM ટ્રુડો ફરી મુશ્કેલીમાં, સાંસદોની રાજીનામાની માગ, 28 ઓક્ટોબર ડેડલાઈન આપી
Justin Trudeau Resign Deadline: ભારત સાથે ચાલી રહેલા રાજદ્વારી તણાવ વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પોતાના જ દેશમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેમના જ પક્ષના 20 સાંસદોએ તેમને ચોથી ટર્મ માટે ચૂંટણી ન લડવા અને વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપવા કહ્યું છે. એટલું જ નહીં લિબરલ પાર્ટીના સાંસદોએ ટ્રુડોને આ અંગે નિર્ણય લેવા માટે 28 ઓક્ટોબરની ડેડલાઈન આપી છે. કેટલાક સાંસદોએ તો એમ પણ કહ્યું છે કે જો ટ્રુડો આ ડેડલાઈન સુધીમાં રાજીનામું નહીં આપે તો તેમને ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે.
ટ્રુડોની ઘટતી લોકપ્રિયતા બની સમસ્યા
કેનેડામાં જસ્ટિન ટ્રુડો અને તેમની લિબરલ પાર્ટીની લોકપ્રિયતામાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે તેમના પર વડા પ્રધાન પદ છોડવાનું દબાણ વધી રહ્યું છે. તાજેતરમાં ટ્રુડોએ તેમની પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરી હતી, ત્યારબાદ તેમણે કહ્યું હતું કે લિબરલ પાર્ટી મજબૂત અને એકજૂથ છે. પરંતુ પાર્ટીના 20 સાંસદોએ વિપરીત નિવેદનો આપ્યા હતા.
આ સાંસદોએ એક પત્ર દ્વારા ટ્રુડોને ચૂંટણી પહેલા રાજીનામું આપવાની માંગ કરી છે. આ પત્ર લિબરલ પાર્ટીની બેઠકમાં વાંચવામાં આવ્યો હતો, જેમાં ત્રણ કલાક સુધી ચર્ચા ચાલી હતી. સાંસદોએ ટ્રુડોને આગામી ચૂંટણી ન લડવા અને નવા નેતૃત્વ સાથે પાર્ટીને મેદાનમાં ઉતારવા વિનંતી કરી.
આ પણ વાંચો: તૂર્કીયેએ આતંકી હુમલાનો ઈઝરાયલની જેમ બદલો લીધો, બે મુસ્લિમ દેશો પર કરી એરસ્ટ્રાઈક
ટ્રુડોના નેતૃત્વ પર સવાલ ઉઠ્યા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેનેડા લિબરલ પાર્ટીના સાંસદ કેન મેકડોનાલ્ડ, જે 20 સાંસદોમાંના એક છે, તેમણે કહ્યું કે, 'ટ્રુડોએ લોકોની વાત સાંભળવી જોઈએ. તેમજ પાર્ટીની ઘટી રહેલી લોકપ્રિયતાને જોતા હું આગામી ચૂંટણી નહીં લડું.'
ટ્રુડોએ ચોથી ટર્મ માટે તેમની બિડનો સંકેત આપ્યો છે, જો કે ટોરોન્ટો અને મોન્ટ્રીયલમાં તાજેતરની પેટાચૂંટણીઓમાં લિબરલ પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે, જેના કારણે ટ્રુડોના નેતૃત્વ પર પ્રશ્નો ઉભા થયા છે. તાજેતરના સર્વેમાં પણ લિબરલ પાર્ટી વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટી કરતા પાછળ છે.