કેનેડાની અવળચંડાઈ! ભારતમાં ચૂંટણી ટાણે નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી, જાણો શું સલાહ આપી
Canada Travel Advisory: ભારતમાં લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને કેનેડાએ તેમના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. કેનેડાનું કહેવું છે કે, ભારતમાં ચૂંટણીને કારણે વિરોધ પ્રદર્શન થઈ શકે છે. ઉપરાંત દેશમાં અઘોષિત કર્ફ્યુની આશંકા છે. મહત્વનું છે કે, ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીની આશંકા ઊભી થવાથી બંને દેશો વચ્ચેના સંબંધો વણસી રહ્યા છે.
કેનેડાએ તેમના નાગરિકોને ચેતવણી આપી
કેનેડા દ્વારા બુધવારે (17મી એપ્રિલ) ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં કેનેડાએ તેમના નાગરિકોને ચેતવણી આપી છે કે, 'ભારતમાં લોકસભા ચૂંટણી 19મી એપ્રિલથી પહેલી જૂન 2024 સુધી થવાની છે. ચૂંટણી દરમિયાન અથવા પછી અહીં પ્રદર્શન થઈ શકે છે. આ દરમિયાન ટ્રાફિકની સમસ્યા થઈ શકે છે અને જાહેર પરિવહનને પણ અસર થઈ શકે છે. સૂચના વિના કર્ફ્યુ લાદી શકાય છે. મુસાફરોને એવી જગ્યાઓથી દૂર રહેવાની સલાહ આપી છે જ્યાં લોકો મોટા પાયે એકત્ર થઈ રહ્યાં હોય અથવા પ્રદર્શન થઈ રહ્યાં હોય.'
અજાણ્યા લોકો સાથે વ્યક્તિગત માહિતી શેર ન કરવી: કેનેડા
કેનેડાએ એડવાઈઝરીમાં જણાવ્યું કે, 'દિલ્હી, બેંગલુરુ, ચંડીગઢ અને મુંબઈ જેવા શહેરોમાં તમારે અજાણ્યા લોકો સાથે લો પ્રોફાઇલ જાળવવું જોઈએ અને તમારી વ્યક્તિગત માહિતી શેર કરવી જોઈએ નહીં. પબ્લિક ટ્રાન્સપોર્ટ સહિત ભીડવાળી જગ્યાઓ ટાળવી જોઈએ. તમારે હંમેશા કોઈની સાથે મુસાફરી કરવી જોઈએ અને તમારા મિત્રો અથવા પરિવારને પ્રવાસ વિશે જણાવવું જોઈએ.' ઉલ્લેખનીય છે કે, ભારતે કેનેડા વિરુદ્ધ કાર્યવાહી કરી હતી, ત્યારબાદ 41 રાજદ્વારીઓને પાછા બોલાવવામાં આવ્યા હતા.