કેનેડા નહીં સુધરે! ખાલિસ્તાની આતંકવાદી અર્શ ડલ્લાને કોર્ટે આપી દીધા જામીન
Image Source: Twitter
Khalistan Terrorist Arsh Dalla Gets Bail: ખાલિસ્તાની આતંકવાદીઓ પ્રત્યે કેનેડાનો ઝુકાવ એ કોઈ નવી વાત નથી. ભારત ખાલિસ્તાન પ્રત્યેના તેમના પ્રેમ અંગે કેનેડાની સરકારને સમયાંતરે ચેતવણી પણ આપતું રહ્યું છે. પરંતુ તેમ છતાં તેના વર્તનમાં કોઈ દેખીતો ફેરફાર નજર નથી આવી રહ્યો. હવે તાજેતરનો મામલો ખાલિસ્તાની આતંકવાદી અર્શ ડલ્લાને જામીન આપવાનો છે. કેનેડાની એક કોર્ટે થોડા દિવસ પહેલા ધરપકડ કરવામાં આવેલા ખાલિસ્તાની આતંકી અર્શ ડલ્લાને 30 હજાર ડૉલરના બૉન્ડ પર જામીન આપી દીધા છે. હવે આ કેસમાં આગામી સુનાવણી 24 ફેબ્રુઆરી 2025ના રોજ થશે. ખાલિસ્તાન ટાઈગર ફોર્સનું કમાન સંભાળી રહેલા અર્શ ડલ્લાની થોડા સમય પહેલા કેનેડા પોલીસે ધરપકડ કરી હતી. પોલીસને તેની પાસેથી ઘણા હાઈટેક હથિયારો પણ મળી આવ્યા હતા. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે અર્શ ડલ્લા પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથે સીધા સંપર્કમાં રહ્યો છે.
આવી રીતે થઈ હતી ધરપકડ
કેનેડામાં 28 ઓક્ટોબરના રોજ રાત્રે ખાલિસ્તાની આતંકવાદી અર્શ ડલ્લાને લાગી હતી. અર્શ ડલ્લા તેના સાથી ગુરજંત સિંહ સાથે કારમાં સવાર થઈને હેલ્ટન વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન કારમાં રાખેલા હથિયારમાંથી અકસ્માતે ફાયરિંગ થઈ ગયું હતું. ગોળી ડલ્લાના જમણા હાથમાં લાગી હતી. ત્યારબાદ ડલ્લા અને ગુરજંત સિંહને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. તે સમયે ડલ્લાએ પોલીસને તેના પર થયેલા હુમલાની એક નકલી સ્ટોરી કહી હતી. પોલીસે તપાસમાં અનેક ખુલાસા કર્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કેનેડા પોલીસે અર્શ ડલ્લાની કારની તલાશી લીધી હતી. ત્યારબાદ રૂટ પણ ચેક કર્યો હતો. કેનેડિયન પોલીસને ખબર પડી કે અર્શ ડલ્લાની કાર રસ્તામાં એક ઘરની બહાર થોડીવાર માટે રોકાઈ હતી. પોલીસને તે ઘરના ગેરેજમાંથી ઘણા પ્રતિબંધિત હથિયારો અને કારતુસ મળી આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું હતું કે, આ તમામ હથિયારો અર્શ ડલ્લાના જ છે.
ભારત પ્રત્યાર્પણની માગ કરવાનું હતું
સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, ભારત સરકાર કેનેડામાં ધરપકડ કરવામાં આવેલ ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપ સિંહ ઉર્ફે અર્શ ડલ્લાના પ્રત્યાર્પણની માંગ કરવાની યોજના બનાવી રહ્યું હતું. થોડા દિવસો પહેલા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મીડિયા બ્રીફિંગમાં આની જાણકારી આપી હતી. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ અર્શ ડલ્લા આતંકવાદી સંગઠન ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)ને લીડ કરી રહ્યો છે. ડલ્લાએ નિજ્જર સાથે મળીને પોતાના સ્લીપર સેલ નેટવર્ક દ્વારા પંજાબમાં ટાર્ગેટ કિલિંગ, ટેરર ફંડિંગ માટે ખંડણી જેવા ઘણા અપરાધોને અંજામ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, 'અમે કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી અર્શ ડલ્લાની ધરપકડનો રિપોર્ટ જોયો છે. કેનેડિયન પ્રિન્ટ અને વિઝ્યુઅલ મીડિયાએ ધરપકડ અંગે વિગતવાર અહેવાલ આપ્યો છે. અમે સમજીએ છીએ કે ઓન્ટારિયો કોર્ટે કેસને સુનાવણી માટે લિસ્ટમાં સામેલ પણ કરી લીધો છે.'
મોગાનો રહેવાશી છે અર્શ ડલ્લા
અર્શ ડલ્લાનું આખું નામ અર્શદીપ ડલ્લા છે. તે મૂળ પંજાબના મોગાનો રહેવાસી છે. મિત્રો સાથે થયેલા એક ઝઘડા બાદ તેના વિરુદ્ધ પ્રથમ FIR નોંધાઈ હતી. ત્યારબાદ પરિવારે તેને સ્ટડી વિઝા પર કેનેડા મોકલી દીધો હતો. ત્યાં ગેંગસ્ટર સુક્ખા લમ્મા સાથે થયેલા વિવાદ બાદ તે પંજાબ પરત ફર્યો હતો. ત્યારબાદ તેણે ખુદ પોતાના સાથીઓ સાથે મળીને લમ્માની હત્યા કરી નાખી હતી. તે પછી તે ફરી કેનેડા ભાગી ગયો હતો.
હરદીપ સિંહ નિજ્જરના સાગરિતોનો નજીકનો
અર્શ ડલ્લા કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના સાગરિતોનો નજીકનો હોવાનું પણ કહેવાય છે. લમ્માની હત્યા બાદ જ્યારે તે ફરીથી વિદેશ ભાગવાની ફિરાકમાં હતો ત્યારે નિજ્જરના સાગરિતોએ તેને મદદ કરી હતી.