'કેનેડા કંઈ વેચાઉ નથી' NDPના પ્રમુખ જગમીત સિંહનો ટ્રમ્પને ખુલ્લો પડકાર
- 'આયાતી કર જેટલો નાખશો તેટલો કર અમે સામો નાખીશું'
- પોતાના દેશનાં સાર્વભૌમત્વની રક્ષા માટે કેનેડીયન્સ જાનની બાજી લગાડી લડવા તૈયાર છે : જગમીત સિંહ
ઑટાવા : નવ નિર્વાચિત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાને યુએસમાં સમાવવાની અને ટેરીફ અંગે વારંવાર ઉચ્ચારેલી ધમકીથી ધૂંધવાઈ ઊઠેલા ન્યુ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ જગમીત સિંહે તેઓના X પ્લેટફોર્મ ઉપર ટ્રમ્પને ખુલ્લો પડકાર આપતાં કહ્યું હતું કે, 'કેનેડા કંઈ વેચાઉ નથી.' કેનેડીયન્સ પોતાના દેશનાં સાર્વભૌમત્વની રક્ષા માટે જાનની બાજી લગાડી લડવા તૈયાર છે. અમોને અમારા દેશ માટે ગર્વ છે, ગૌરવ છે. તેઓએ X ઉપર સ્પષ્ટ લખ્યું : 'મારે ડોનાલ્ડ ટ્રમ્પને સંદેશો આપવાનો છે કે, અમારો દેશ કંઈ વેચાવ નથી. અત્યારે નહીં. ક્યારેય નહીં હોય. અમે અમારા સાર્વભૌમત્વની રક્ષા માટે જાનની બાજી લગાડી દેશું. કેનેડાના સૈનિકો અત્યારે અને ભવિષ્યમાં પણ અમારા પાડોશી દેશોને દરેક રીતે સાથ આપ્યો છે, ટેકો આપ્યો છે.' તેમણે વધુમાં લખ્યું, જો ડોનાલ્ડ ટ્રમ્પ અમારી સામે લડવા આવશે તો તેને તેની કિંમત ચૂકવવી પડશે. મંન તેમ પણ કહ્યું છે કે, જો ડોનાલ્ડ ટ્રમ્પ અમારી ઉપર આયાત કર નાખશે તો અમે તેટલો જ સામો નિકાસ કર (અમેરિકાથી થતી નિકાસ પર) નાખીશું. જે અમેરિકન્સને જ મોંઘુ પડશે.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે કેનેડામાંથી થતી આયાત પર અત્યારનો ૧૦% ટેક્ષ વધારી ૨૫% કરવા કહ્યું હતું તેમજ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને અમેરિકાના ૫૧મા રાજ્યના ગવર્નર પણ કહ્યા હતા. તે સામે કેનેડામાં રોષ વ્યાપી રહ્યો છે.
જગમીતની પાર્ટી પહેલા ટ્રુડોની પાર્ટી લિબરલ પાર્ટીની સાથે હતી.