ખાલિસ્તાની હુમલા બાદ કેનેડાના હિન્દુઓમાં ભારે આક્રોશ: રસ્તા પર ઉતરી ભીડ, મંદિરની બહાર શક્તિ-પ્રદર્શન
Canada Hindu Temple Attack: કેનેડાના બ્રેમ્પટનમાં મંદિરમાં ભક્તો પર હુમલા બાદ હિન્દુઓમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. એવામાં મોટી સંખ્યામાં લોકો હાથમાં તિરંગા તથા ભગવા ઝંડા સાથે વિરોધ પ્રદર્શન કરવા માટે ઉતરી આવ્યા હતા. જે મંદિરમાં ખાલિસ્તાનીઓએ હિન્દુઓ પર હુમલો કર્યો ત્યાં જ મોટી સંખ્યામાં હિન્દુઓએ શક્તિ પ્રદર્શન કર્યું.
હિન્દુઓમાં ભારે આક્રોશ
ભારે ભીડના કારણે તંત્રએ સુરક્ષા માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. ખાલિસ્તાની હુમલાના કારણે લોકો લાલચોળ થયા હતા. મંદિરની બહાર એકત્રિત થયેલા લોકોએ જય શ્રી રામના નારા પણ લગાવ્યા. આ પહેલા સોમવારે પણ હજારો હિન્દુઓએ 'બટેંગે તો કટેંગે'ના નારા લગાવ્યા હતા.
કેમ શરૂ થયો વિવાદ
નોંધનીય છે કે એક દિવસ અગાઉ હિન્દુ સભા મંદિરમાં કટ્ટર ખાલિસ્તાનીઓએ હિંદુ ભક્તો પર હુમલો કર્યો હતો. મારામારીના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ જતાં રોષ વધ્યો હતો. ભારતે પણ આ ઘટનાનો કડક વિરોધ નોંધાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ પ્રકારની હિંસાની નિંદા કરી અને સમગ્ર ઘટનાને 'જાણી જોઈને કરવામાં આવેલો હુમલો' ગણાવ્યો હતો.
વડાપ્રધાન મોદીએ શું કહ્યું?
વડાપ્રધાન મોદીએ એક્સ પર લખ્યું છે કે, ‘હું કેનેડામાં હિંદુ મંદિર જાણીજોઈને કરવામાં આવેલા હુમલાની કડક શબ્દોમાં ટીકા કરું છું. અમારા રાજદ્વારીઓને ડરાવવા અને ધમકાવવાનો કાયરતાપૂર્વક પ્રયાસ પણ તેટલો જ ભયાનક છે. હિંસાના આવા કૃત્યો ભારતને ક્યારે નબળો નહી પાડી શકે. અમે કેનેડા સરકાર સમક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા તેમજ કાયદો જાળવી રાખવાની આશા રાખીએ છીએ.’
કેનેડામાં ભારતીયોની સુરક્ષા અંગે ભારત ચિંતિત : વિદેશ મંત્રાલય
કેનેડાના બ્રેમ્પટનમાં હિંદુ મંદિર પર થયેલા હુમલા અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે કહ્યું છે કે, ‘ગઈકાલે બ્રેમ્પટનના ઓંટારિયોમાં હિંદુ સભા મંદિર પર ઉગ્રવાદીઓ અને અલગતાવાદીઓએ હુમલો કર્યો હતો, જેની અમે કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ. અમે કેનેડા સરકારને આવા હુમલાઓથી પૂજા સ્થળોને બચાવવા સુનિશ્ચિત કરવાનો આગ્રહ કરીએ છીએ. અમે સરકાર સમક્ષ અપેક્ષા રાખીએ છીએ કે, હિંસામાં સામેલ લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવે. અમે કેનેડામાં રહેતા ભારતીય નાગરિકોની સુરક્ષા અંગે ખૂબ ચિંતિત છીએ.’