કેનેડામાં ભડકાઉ ભાષણનો આરોપ, મંદિરે પૂજારીને હાંકી કાઢ્યા, ખાલિસ્તાનીઓ સાથેની અથડામણ બાદ નિર્ણય
Canada Hindu priest suspended: કેનેડાના બ્રેમ્પટનના એક હિન્દુ મંદિરના પૂજારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ પૂજારી પર 3 નવેમ્બરે મંદિરમાં થયેલી અથડામણ દરમિયાન હિંસક નિવેદનબાજી ફેલાવવાનો આરોપ લાગ્યો હતો. અથડામણ દરમિયાન હિન્દુ સભા મંદિરની બહાર દેખાવકારોએ ખાલિસ્તાની ઝંડા લહેરાયા હતાં. ભારતીય અધિકારીઓની હાજરીમાં આયોજિત કોન્સ્યુલર કાર્યક્રમ દરમિયાન હિન્દુ સભા મંદિરની બહાર હિંસક દ્રશ્ય જોવા મળ્યા હતાં.
કેનેડામાં શીખ અને હિન્દુ સદ્ભાવના ઈચ્છે છે
બ્રેમ્પટનના મેયર પેટ્રિક બ્રાઉને પૂજારીના કૃત્યની ટીકા કરતાં કહ્યું કે, કેનેડાના મોટાભાગના શીખ અને હિન્દુ સદ્ભાવનાથી રહે છે અને હિંસા સહન નથી કરતાં.
સોશિયલ મીડિયા પર આપી જાણકારી
બ્રાઉને પોતાના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરી કહ્યું, 'કેનેડાના શીખ અને હિન્દુ લોકોનો વિશાળ બહુમત સદ્ભાવનાથી રહેવા ઈચ્છે છે અને હિંસા સહન નથી કરતા. હિન્દુ સભા મંદિરના અધ્યક્ષ મધુસૂદન લામાએ હિંસક નિવેદન કરનાર પંડિતને સસ્પેન્ડ કરી દીધા છે. ઓંટારિયો શીખ અને ગુરૂદ્વારા પરિષદે રવિવારે રાત્રે હિન્દુ સભામાં થયેલી હિંસાની ટીકા કરી છે.'
મેયર બ્રાઉને કરી વિનંતી
મેયરે વધુમાં કહ્યું, 'યાદ રાખો કે આપણને વિભાજિત કરી શકાય તેવી વસ્તુઓ કરતાં આપણામાં સમાનતા વધારે છે. તણાવપૂર્ણ સમયમાં આપણે દેખાવકારોની વિભાજનની નીતિમાં કોઈને પણ આગમાં ઘી હોમવા ન દઈ શકીએ. જી.ટી.એ માં શીખ અને હિન્દુ બંને સંપ્રદાયનું નેતૃત્વ વિભાજન, નફરત અને હિંસા નથી ઈચ્છતું. હું સંપ્રદાયના તમામ લોકોને હિંસા અને નફરતનો જવાબ ન આપવા વિનંતી કરૂ છું. કાયદો જાળવનારી સંસ્થાઓ આવા લોકોને જવાબ આપશે. આ તેમનું કામ છે. આપણે એવો દેશ બનાવીને રાખવાનો છે, જ્યાં કાયદાનું શાસન ચાલે છે.'
આ ઘટનાની દુનિયાભરમાં વ્યાપક રૂપે નિંદા કરવામાં આવી છે, જેમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો પણ સામેલ છે. ટ્રૂડોએ કેનેડાની ધર્મ સ્વતંત્રતા અને સુરક્ષિત રીતે પાલન કરવાના અધિકાર પર ભાર મૂક્યો.
ભારતે પણ આ હુમલાની ટીકા કરી છે અને કેનેડામાં ભારતીય નાગરિકોની સુરક્ષા વિશે ચિંતા વ્યક્ત કરી છે.
બ્રેમ્ટનમાં તણાવ
હિંસક અથડામણ બાદ બ્રેમ્પટનમાં તણાવ ખૂબ જ વધી ગયો છે. સંઘર્ષ ત્યારે શરૂ થયો જ્યારે ખાલિસ્તાની ઝંડા લઈને આવેલા દેખાવકારોએ મંદિરના અધિકારીઓ અને ભારતીય કોન્સ્યુલેટ દ્વારા સંયુક્ત રીતે આયોજિત કોન્સ્યુલર કાર્યક્રમમાં અડચણ ઉભી કરી હતી. સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયોમાં મંદિર પરિસરમાં ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતાં. જેમાં હિન્દુઓ પર દંડાથી હુમલા કરનાર લોકો પણ જોવા મળ્યા હતાં.