કેનેડામાં જવાનું સપનું હવે સપનું જ રહેશે? ટ્રૂડોએ ઈન્ટરનેશનલ સ્ટુડેન્ટ્સ અને શ્રમિકોને આપ્યો મોટો ઝટકો

Updated: Sep 19th, 2024


Google NewsGoogle News
કેનેડામાં જવાનું સપનું હવે સપનું જ રહેશે? ટ્રૂડોએ ઈન્ટરનેશનલ સ્ટુડેન્ટ્સ અને શ્રમિકોને આપ્યો મોટો ઝટકો 1 - image


Canada Study Visa : કેનેડા સરકાર હવે વિદેશી વિદ્યાર્થીઓ માટે આપવામાં આવતી સ્ટડી પરમિટ્સની સંખ્યાને ઓછી કરવા માટે એક બાદ એક પગલાં ભરી રહી છે. સાથે જ વિદેશી શ્રમિકો માટે વર્ક પરમિટ માટે લાયકાત માપદંડને પણ આકરા બનાવી રહી છે. જેને લઈને હવે કેનેડામાં ભણવા માટે જતા ભારતીય સ્ટુડન્ટ્સને પણ મોટો ફટકો પડવાનો છે.

વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ કહ્યું કે, 'અમે આ વર્ષે 35 ટકા ઓછા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને સ્ટીડ માટે પરમિટ આપી રહ્યા છીએ અને આગામી વર્ષ આ સંખ્યા 10 ટકા વધુ ઓછી કરાશે. ઈમિગ્રેશન અમારી અર્થવ્યવસ્થા માટે એક લાભ છે, પરંતુ જ્યારે ખરાબ લોકો સિસ્ટમનો દુરૂપયોગ કરે છે અને વિદ્યાર્થીઓનો ફાયદો ઉઠાવે છે, તો અમે તેના પર કાર્યવાહી કરીએ છીએ.'


આ પગલું ભરવા પાછળનો ઉદ્દેશ્ય

સરકારના આ ઉપાયોનો ઉદ્દેશ્ય કેનેડામાં અસ્થાયી નિવાસીઓની સંખ્યા ઓછી કરવાનો છે, આ પગલું ટ્રૂડોની લિબરલ સરકાર પર વધતા રાજકીય પ્રેશર વચ્ચે લેવામાં આવ્યું છે. હાલમાં ટ્રૂડો સરકાર જનમત સર્વેક્ષણમાં પાછળ રહી અને પેટાચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હવે ટ્રૂડો સરકારે ઈમિગ્રેશન અને અસ્થાયી નિવાસને મુખ્ય રાજકીય મુદ્દા તરીકે ચર્ચામાં રાખ્યો છે, ખાસ કરીને ત્યારે જ્યારે ઓક્ટોબર 2025 પહેલા ફેડરલ ચૂંટણી થવાની શક્યતા છે.

સ્ટડી પરમિટની સંખ્યા હજુ ઓછી કરાશે

ટ્રૂડો સરકારે જાહેરાત કરી છે કે, તેઓ 2025 સુધીમાં ઈન્ટરનેશનલ સ્ટુડેન્ટ્સને જાહેર કરવામાં આવતી સ્ટડી પરમિટોની સંખ્યાને ઘટાડીને 4,37,000 કરી દેશે. આ 2023માં અપાયેલી 5,09,390 પરમિટોની સરખામણીમાં ખુબ મોટો ઘટાડો છે. એકલા 2024 પહેલા સાત મહિનામાં કેનેડાએ 1,75,920 સ્ટડી પરમિટ જાહેર કરી છે.

ઈમિગ્રેશન મંત્રી માર્ક મિલરે કહ્યું કે, 'વાસ્તવિકતા એ છે કે જે કોઈ કેનેડા આવવા ઈચ્છે છે, તેઓ નહીં આવી શકે - એવી જ રીતે જે કોઈ કેનેડામાં રહેવા ઈચ્છે છે, તેઓ નહીં આવી શકે.' આ સાથે તેમણે ટ્રૂડો સરકારની કાયમી નિવાસ અને વીઝા નીતિઓને લાગૂ કરવાના હેતુનો હવાલો આપ્યો.

ટ્રૂડો સરકારે પહેલા જ અસ્થાયી નિવાસીઓની સંખ્યાને કેનેડાની કુલ વસ્તીના 5 ટકા ઓછા કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે, જે એપ્રિલ સુધી 6.8 ટકા હતી. ઓગસ્ટ સુધી ફુગાવો બેંક ઓફ કેનેડાના 2 ટકા વાર્ષિક લક્ષ્ય સુધી ધીમો થઈ ગયો છે, પરંતુ જનતા પ્રવાસીઓને આર્થિક સંઘર્ષો સાથે જોડવાનું યથાવત્ રાખે છે. 



Google NewsGoogle News