કંગાળ થઈ રહ્યું છે કેનેડા! બાળકોના પેટ ભરવા 25 ટકા માતા-પિતાએ ભોજનમાં કાપ મૂક્યો: રિપોર્ટ
AI Image: FreePik |
Canada Economic Crisis: જસ્ટિન ટ્રુડોના અમુક કેનેડા વિરોધી નીતિઓના કારણે કેનેડામાં રહેતાં લોકો આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે. કેનેડામાં કોવિડ સમયે અપનાવવામાં આવેલી નીતિના કારણે મોંઘવારી વધી છે. પરિણામે કેનેડામાં રહેતાં 25 ટકા માતા-પિતા પોતાના બાળકોને પર્યાપ્ત ભોજન પણ ઉપલબ્ધ કરાવવામાં અસમર્થ બન્યા છે.
એક એનજીઓ સાલ્વેશન આર્મી દ્વારા જારી રિપોર્ટ અનુસાર, મોંઘવારીના કારણે દર ચારમાંથી એક વાલી પોતાના બાળકને સારી રીતે ભોજન આપી શકતા નથી. 90 ટકાથી વધુ લોકોએ જણાવ્યું હતું કે, તેઓએ કિરાણાના સામાન પર ખર્ચો ઘટાડવા કાપ મૂક્યો છે. ભોજન પર કાપ મૂકવા પાછળનું કારણ અન્ય જરૂરિયાતો પૂરી કરવાનું છે. કેનેડાના લોકોએ ટ્રુડો સરકારને આ સમસ્યા ઉકેલવા માટે ટેક્સમાં ઘટાડો કરવા માગ કરી છે.
રોટી, કપડાં, મકાન મોંઘા થયાં
રિપોર્ટ મુજબ, કેનેડામાં ફૂડ બેન્કોમાં પણ અછત જોવા મળી છે. મકાનોના ભાડા ચાર ગણા વધ્યા છે. કિરાણાની ચીજોના ભાવ પણ 50થી 100 ટકા વધ્યા છે. આ સ્થિતિને ધ્યાનમાં લેતાં કેનેડામાં વસતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને દેશમાંથી હાંકી કાઢવાની યોજના સરકાર બનાવી રહી હોવાના અહેવાલો મળ્યા છે. કેનેડામાં એક વર્ષની અંદર ચૂંટણી યોજાવાની છે. એવામાં ટ્રુડો સરકાર નાગરિકોને આકર્ષવા ઈમિગ્રેશન પોલિસી કડક બનાવી રહી છે.
પોષણક્ષમ આહારની ખરીદી ઘટાડી
કેનેડામાં મોંઘવારી આસમાને હોવાથી 24 ટકા માતા-પિતાએ પોતાના અને પોતાના બાળકોના ભોજન પર કાપ મૂક્યો છે. 90 ટકાથી વધુ વાલીઓએ કિરાણા બિલમાં ઘટાડો કરવા પોષણક્ષમ આહારની ખરીદી ટાળી હોવાનું જણાવ્યું છે, કારણકે, પોષણક્ષમ આહાર વધુ મોંઘો બન્યો છે. તેઓ પોતાના રોજિંદા જીવનની પાયાની જરૂરિયાતો પૂરી કરવા અસક્ષમ બન્યા છે.