કેનેડાએ અમેરિકાના શત્રુ દેશના સૈન્યને આતંકી સંગઠન ગણાવ્યું, કારણ જણાવતાં મૂક્યો પ્રતિબંધ
Image Source: Twitter
Islamic Revolutionary Guard Corps: કેનેડાએ ઈરાન વિરુદ્ધ મોટો આરોપ લગાવ્યો છે. કેનેડાએ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (Islamic Revolutionary Guard Corps)ને આતંકી સંગઠન ગણાવ્યું છે. બીજી તરફ ટ્રૂડો સરકારે ઈરાનમાં રહેતા કેનેડિયનને દેશ છોડવા માટે જણાવ્યું છે. વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ કહ્યું કે, IRGC હવે કેનેડામાં આતંકી ગ્રુપના લિસ્ટમાં સામેલ થઈ ગયુ છે.
ટેરર ફન્ડિંગ પર રોક લગાવવાનો પ્રયાસ: કેનેડા
જસ્ટિન ટ્રૂડોએ એમ પણ કહ્યું કે, સરકારના આ નિર્ણયથી ટેરર ફન્ડિંગને રોકવામાં મદદ મળશે. કેનેડા સરકાર તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, IRGCને આતંકી લિસ્ટમાં સામેલ કરવાથી આતંકવાદ વિરુદ્ધ એક ઠોસ સંદેશ જશે.
તમને જણાવી દઈએ કે, ઈઝરાયલ-હમાસ યુદ્ધ દરમિયાન પણ IRGC ગ્રુપનું નામ ચર્ચામાં હતું. તેને ઈરાનની ખતરનાક આર્મી માનવામાં આવે છે.
The IRGC is now listed as a terrorist group in Canada.
— Justin Trudeau (@JustinTrudeau) June 19, 2024
IRGC સાથે સંકળાયેલા લોકોને દેશમાંથી બહાર હાંકી કાઢવામાં આવશે: કેનેડા
કેનેડાના જાહેર સુરક્ષા મંત્રી ડોમિનિક લેબ્લાંકે બુધવારે બપોરે જાહેરાત કરતા કહ્યું કે, IRGCની આતંકવાદી ગતિવિધિઓનો સામનો કરવલા માટે કેનેડા શક્ય તમામ પ્રયાસ કરશે.
લેબ્લાંકે કહ્યું કે, IRGCના ટોચના સભ્યો સહિત હજારો વરિષ્ઠ ઈરાનના સરકારી અધિકારીઓના હવે કેનેડામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. બીજી તરફ જે લોકો પહેલાથી જ દેશમાં છે તેમની તપાસ કરવામાં આવી શકે છે અને તેમને દેશમાંથી કાઢી મુકવામાં આવી શકે છે.
અમેરિકા લગાવી ચૂક્યુ છે પ્રતિબંધ
અમેરિકાએ 2019માં IRGCને આતંકી સંગઠન જાહેર કર્યું હતું. IRGC પર હિઝબુલ્લા સહિત મધ્ય પૂર્વ ક્ષેત્રમાં ઘણા આતંકવાદી સંગઠનો બનાવવાનો આરોપ છે. થોડા વર્ષો પહેલા યુરોપિયન યુનિયન દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે IRGCએ સાઉદી અરેબિયામાં તેલ ભંડાર પર ડ્રોનથી હુમલો કર્યો હતો.