‘ખાલિસ્તાનીઓ મંદિરની 100 મીટરની અંદર પ્રવેશે તો...’ કેનેડાની કોર્ટે પોલીસને આપ્યો આદેશ
Canada Court : કેનેડાના બ્રેમ્પ્ટનમાં થોડા દિવસ પહેલા ખાલિસ્તાની તત્વોએ હિન્દુ સભા મંદિરમાં ઘૂસી શ્રદ્ધાળુઓ પર હુમલો કર્યો હતો, ત્યારે આ ઘટનાનો ઉલ્લેખ કરી એક કોર્ટે ખાલિસ્તાનીઓને મોટો ઝટકો આપ્યો છે. ટોરન્ટોના સ્કારબ્રોમાં આવેલા લક્ષ્મી નારાયણ મંદિરની અરજી પર ઓન્ટારિયોની કોર્ટે મંદિરમાં કોન્સ્યુલર કેમ્પ દરમિયાન 100 મીટરની ત્રિજ્યામાં ખાલિસ્તાનીઓના પ્રવેશ પર પ્રતિબંધ લાગુ કરવા આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે, પરવાનગી વગર કોઈ પણ વ્યક્તિ મંદિરમાં પ્રવેશ કરી શકશે નહીં. જો પ્રવેશ કરશે તો તેની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.
લક્ષ્મી નારાયણ મંદિરે કોર્ટમાં કરી અરજી
સુપ્રીમ કોર્ટ ઑફ જસ્ટિસના ન્યાયાધીશે કહ્યું છે કે, ‘લક્ષ્મી નારાયણ મંદિરે અરજીમાં માંગ કરી છે કે, બદમાશો પરિસરના 100 મીટરની ત્રિજ્યામાં ન પ્રવેશી શકે. તે માટે મનાઈ હુકમની જરૂર છે. અગાઉની ઘટનાઓને ધ્યાનમાં લેતા મંદિરને મંજૂરી આપવામાં આવે છે.’ કોર્ટે કહ્યું કે, ‘મંદિર પર હુમલો થવાની શક્યતાને નકારી શકાય નહીં. કોન્સ્યુલર કેમ્પમાં વૃદ્ધ લોકો આવતા હોય છે. આવી સ્થિતિમાં જો હુમલો થાય તો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે.’
‘મંજૂરી વગર મંદિરમાં પ્રવેશનારાઓની ધરપકડ કરો’
ઓન્ટારિયોની કોર્ટે કહ્યું કે, ‘જો કોર્ટ મનાઈહુકમ નહીં લાવે તો ગંભીર નુકસાન થવાની સંભાવના છે.’ કોર્ટે આકરું વલણ દાખવી એમ પણ કહ્યું છે કે, ‘જો કોઈ પરવાનગી વગર મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કરે તો, ટોરોન્ટો પોલીસને તેની ધરપકડ કરે અને કાર્યવાહી કરે. આ નિયમ શનિવારે સવારે 8.00થી સાંજે 6.00 વાગ્યા સુધી લાગુ રહેશે.’ ઉલ્લેખનીય છે કે, ખાલિસ્તાનીઓ અગાઉ મંદિરમાં પ્રવેશી કોન્સ્યુલર કેમ્પને નિશાન બનાવી ચૂક્યા છે.
બ્રેમ્પટનમાં હિન્દુ મંદિર પર થયો હતો હુમલો
કેનેડાના બ્રેમ્પટનમાં ત્રણ નવેમ્બર-2024ના રોજ હિંદુ મંદિર પાસે કોન્સ્યૂલર કેમ્પ ચાલી રહ્યો હતો, ત્યારે જ અચાનક ધસી આવેલા ખાલિસ્તાની સમર્થકોએ દર્શનાર્થીઓ સહિત અન્ય ભારતીયો પર લાકડીથી હુમલો કર્યો હતો. મહિલા અને બાળકો પર પણ તેમણે હુમલો કર્યો હતો. કેટલાક લોકોએ 1984ના શિખ વિરોધી રમખાણોની યાદમાં પ્રદર્શન યોજ્યું હતું, ત્યારબાદ આ હુમલો કર્યો હતો. ભારતે મંદિર પરના હુમલાની ટીકા કરી હતી, તો વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સહિતના કેનેડાના નેતાઓએ આ બનાવને વખોડી કાઢ્યો હતો. આ ઘટનામાં ઘણાં લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો : પુતિનની 'સિક્રેટ' દીકરી! નામ બદલી પેરિસમાં રહેતી હોવાનો દાવો, હુબહુ દેખાય છે