નાઝી ગુનેગારો માટે કેનેડા સ્વર્ગ, નાઝી અધિકારીના સંસદમાં સન્માન બાદ રશિયાએ કેનેડાની ઝાટકણી કાઢી

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
નાઝી ગુનેગારો માટે કેનેડા સ્વર્ગ, નાઝી અધિકારીના સંસદમાં સન્માન બાદ રશિયાએ કેનેડાની ઝાટકણી કાઢી 1 - image


Image Source: Twitter

મોસ્કો, તા. 26 સપ્ટેમ્બર 2023

ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યામાં ભારત સામે આંગળી ચીંધનાર કેનેડાના વડાપ્રધાન ટ્રુડોને પોતાનુ જ નિવેદન ભારે પડી રહ્યુ છે.

બીજી તરફ કેનેડાની સંસદમાં એક પૂર્વ નાઝી સૈન્ય અધિકારીનુ સન્માન થયા બાદ તો ઘરઆંગણે પણ સરકાર સામે વિરોધ ફાટી નિકળ્યો છે તો દુનિયાના બીજા દેશો પણ આકરી પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેના કારણે ટ્રુડો માટે ભારે શરમજનક સ્થિતિ સર્જાઈ છે.

પહેલા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યુ હતુ કે, કેનેડા આતંકીઓનુ આશ્રયસ્થાન બની ચુકયુ છે. ત્યારે હવે નાઝી અધિકારીના સન્માન બદલ રશિયાએ પણ કેનેડાની ઝાટકણી કાઢીને કહ્યુ છે કે, નાઝીઓ માટે કેનેડા સ્વર્ગ બની ગયુ છે.

ઉલ્લેખનીય છે કે, કેનેડાના હાઉસ ઓફ કોમન્સના અધ્યક્ષ એન્થની રોટાએ 98 વર્ષના યારોસ્લાવ હંકાને વોર હીરો ગણાવ્યા હતા. એ પછી તેમણે માફી માંગી હતી પણ રશિયા હવે કેનેડાથી ભારે નારાજ છે. ઓટાવામાં રશિયાના રાજદૂત ઓલેગ સ્ટેપાનોવે કહ્યુ હતુ કે, કેનેડાએ આ માટે સફાઈ આપવી પડશે. રશિયન દૂતાવાસ આ મામલે યોગ્ય કાર્યવાહી કરશે. કેનેડા નાઝી ગુનેગારોનુ ઘર બની ગયુ છે. જે પણ થયુ છે તે સમજી વિચારીને કરવામાં આવ્યુ છે.

બીજી તરફ ભારત સ્થિત રશિયાના રાજદૂત જેનિસ એલિપોવે કહ્યુ હતુ કે, કેનેડા યુક્રેનના નાઝીઓ માટે પણ હંમેશા સુરક્ષિત સ્વર્ગ રહેશે. સંસદમાં બધા ઉભા થઈને નાઝી અધિકારીઓનો જયજકાર કરે તે વાત જ ઘણુ બધુ કહી જાય છે.



Google NewsGoogle News