વાહનોના મ્યુઝિકલ હોર્ન પર આ દેશના વડાપ્રધાને મૂક્યો પ્રતિબંધ, લોકોને રસ્તા પર નાચતા જોઈ કંટાળ્યા
- આ હોર્નના કારણે લોકો રસ્તાઓ પર ડાન્સ કરવા લાગી જતા હતા
નવી દિલ્હી, તા. 20 માર્ચ 2024, બુધવાર
Cambodian Prime Minister Bans Musical Vehicle Horns: કંબોડિયાના વડાપ્રધાને એક ચોંકાવનારો નિર્ણય લીધો છે. તેમણે વાહનોના મ્યૂઝિકલ હોર્ન પર પ્રતિબંધ લગાવી દીધો છે.
મ્યુઝિકલ હોર્ન પર કેમ લગાવ્યો પ્રતિબંધ?
દક્ષિણ પૂર્વ એશિયામાં કંબોડિયા નામનો એક દેશ છે. ત્યાંના વડાપ્રધાન હુન માનેટ ડાન્સથી એટલા કંટાળી ગયા કે, તેમણે વાહનોના મ્યુઝિકલ હોર્ન પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપી દીધો. આ હોર્નના કારણે લોકો રસ્તાઓ પર ડાન્સ કરવા લાગી જતા હતા.
મ્યુઝિકલ હોર્ન લગાવનારા વાહનો પર થશે કાર્યવાહી
હુન માનેટે પરિવહન અને પોલીસ અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપી દીધો છે કે, કોઈપણ વાહનમાંથી મ્યુઝિકલ હોર્ન સંભળાઈ તે તેના પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. તેમણે જણાવ્યું કે, આ આદેશ પ્રાંતીય અધિકારીઓ દ્વારા પહેલાથી જ લાગુ કરવામાં આવી ચૂક્યો છે. પરંતુ તેઓ આની જાહેરાત સાર્વજનિક રીતે કરવા માગતા હતા જેથી તેને દેશભરમાં લાગુ કરી શકાય.
હુન માનેટ ગત વર્ષે કંબોડિયાના પીએમ બન્યા હતા
હુન માનેટ ગત વર્ષે 2023માં કંબોડિયાના વડાપ્રધાન બન્યા હતા. આ પહેલા 38 વર્ષ સુધી તેમના પિતા હુન સેન પીએમ પદ પર રહ્યા હતા. તેમણે સોમવારે પોતાના ફેસબુક પર લખ્યું કે, કેટલાક લોકો, ખાસ યુવાઓ અને બાળકોને રસ્તા કિનારે ટ્રંકોના હોર્નની ધૂન પર ડાન્સ કરતા નજર આવ્યા. જે સંપૂર્ણ રીતે અયોગ્ય છે.
રસ્તા વચ્ચે ડાન્સ કરી રહ્યા યુવક
કંબોડિયાના વડા પ્રધાને કહ્યું કે રસ્તા વચ્ચે ડાન્સ કરવાથી જાહેર વ્યવસ્થા પ્રભાવિત થાય છે અને ટ્રાફિક પર અસર પડે છે. તેમણે ફેસબુક પર એક પોસ્ટ શેર કરી જેમાં એક વીડિયોમાં ત્રણ યુવકો રસ્તાની વચ્ચે ડાન્સ કરી રહ્યા છે જ્યારે એક મોટું ટ્રેલર તેમની તરફ આવી રહ્યું છે.