કેલિફોર્નિયાનો દાવાનળ અમેરિકાના ઇતિહાસમાં સૌથી વધુ વિનાશક, સૌથી વધુ મોંઘો બની રહેશે
જાણવા મળ્યાં છે 16 મૃત્યુ, પરંતુ સંખ્યા ઘણી મોટી હશે
એક્યુવેધરના અંદાજ પ્રમાણે તે દાવાનળથી ૧૩૫ બિલિયનથી ૧૫૦ બિલિયન ડૉલર્સ જેટલું ભારે નુકસાન થવાની પૂરી આશંકા
અત્યારે એટલી રાહત છે કે સુસવાટા મારતા પવનો નથી. તેથી આગનો વ્યાપ ઝડપભેર વધે તેમ પણ નથી. તેનો લાભ લઇ કુલ ૧૧૦થી વધુ લાઈબંબાઓ પૈકી કેટલાક મૂળ આગના વિસ્તાર પર પાણીનો ધોધ વહાવી રહ્યા છે તે બીજા કેટલાક આસપાસના વિસ્તાર જ્યાં આગ પહોંચી નથી ત્યાં પણ પાણીનો ધોધ વહાવે છે જેથી આગ તે વિસ્તારોને પણ ઝપટમાં ન લે.
ઉલ્લેખનીય છે કે આ ભયંકર આગ અમેરિકાના ઇતિહાસમાં સૌથી વધુ વિનાશક અને સૌથી વધુ મોંઘી બની રહી છે. તેથી ૧૩૫ બિલિયનથી ૧૫૦ બિલિયન ડોલર્સ જેટલું નુકસાન થયું હોવાનું એક્યુવેધરનો અંદાજ છે. હોલીવૂડની અનેક નામાંકિત હસ્તીઓનાં અતિ સુંદર નિવાસ સ્થાનો ભસ્મીભૂત થઇ ગયાં છે. લોસ એન્જલસ સ્થિત, કેલિફોર્નિયા યુનિવર્સિટીનું વિશ્વ વિખ્યાત જે. પૉલ ગેટ્ટી મ્યુઝિયમ બચાવી લેવા તનતોડ પ્રયત્નો થઇ રહ્યા છે.
આગથી થયેલું આ નુકસાન દેશના ઇતિહાસમાં સૌથી વધુ હતું. પરંતુ અમેરિકાનાં દક્ષિણ પૂર્વનાં છ રાજ્યોનાં હરિકેન હેલને તો ૨૨૫ બિલિયનથી ૨૫૦ બિલિયન ડોલર્સ જેટલું વ્યાપક નુકસાન કર્યું હતું. જો કે કેલિફોર્નિયામાં આગથી થયેલું નુકસાન ઘણું મોટું કહી શકાય. પ્રમુખ બાયડેને તે પરિસ્થિતિને નેશનલ ઇમર્જન્સી કહી છે. પોતાની વિદેશ યાત્રા પણ મોકુફ રાખી છે.