અમેરિકાના કેલિફોર્નિયા રાજયની સરકારે સ્વીકાર્યુ કે, જાતિય ભેદભાવ હિન્દુ ધર્મનો હિસ્સો નથી
સાન ફ્રાન્સિસ્કો,તા.7.ફેબ્રુઆરી.2024
અમેરિકાના સૌથી મોટા રાજ્યો પૈકીના એક કેલિફોર્નિયાની સરકારે સ્વીકાર્યુ છે કે, જાતિય ભેદભાવ હિન્દુ ધર્મનો હિસ્સો નથી. આ સમગ્ર વિવાદની શરુઆત 2020થી થઈ હતી.તે સમયે સિલિકોન વેલીની દિગ્ગજ ટેકનોલોજી કંપની સિસ્કો સિસ્ટમ પર જાતિય ભેદભાવના આરોપ મુકવામાં આવ્યા હતા.એ પછી અમેરિકન સરકારના સિવિલ રાઈટસ ડિપાર્ટમેન્ટમાં તેની ફરિયાદ થઈ હતી.આ ફરિયાદમાં હિન્દુ ધર્મમાં જાતિય ભેદભાવ થતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
જોકે કેલિફોર્નિયાના સિવિલ રાઈટસ ડિપાર્ટમેન્ટે તપાસ બાદ સ્વીકાર્યુ છે કે, જાતિય ભેદભાવ હિન્દુ ધર્મનો હિસ્સો નથી.આ ચુકાદા બાદ અમેરિકામાં રહેતા હિન્દુઓ ખુશ છે.અમેરિકન સંગઠન હિન્દુ અમેરિકન ફાઉન્ડેશનના મેનેજિંગ ડિરેકર સમીર કાલરાએ કહ્યુ છે કે, કેલિફોર્નિયાની સરકારના નિર્ણયના કારણે હિન્દુ અમેરિકન સમુદાયના અધિકારોનુ રક્ષણ થયુ છે.
હિન્દુ અમેરિકન ફાઉન્ડેશનનુ માનવુ છે કે કેલિફોર્નિયાના સિવિલ રાઈટસ ડિપાર્ટમેન્ટને બંધારણીય રીતે પણ હિન્દુ ધર્મની વ્યાખ્યા કરવાનો કોઈ અધિકાર એમ પણ નથી.હજી પણ હિન્દુ ધર્મને લઈને અમેરિકન સરકારની ઘણી માન્યતાઓ સામે અમને વાંધો છે.કેલિફોર્નિયાનુ સિવિલ રાઈટસ ડિપાર્ટમેન્ટ સાઉથ એશિયન લોકો અંગે ઘણા ખોટા દાવાના આધારે કેસ આગળ વધારી રહ્યુ છે.
ફાઉન્ડેશને કહ્યુ હતુ કે, સિવિલ રાઈટસ ડિપાર્ટમેન્ટને એવુ લાગે છે કે, ભારતમાં જાતિગત ભેદભાવ લોકોની ત્વચાના રંગના આધારે કરવામાં આવે છે અને તેની આ માન્યતા અમેરિકામાં થતા રંગભેદ પર આધારિત છે અને સંપૂર્ણપણે ભૂલ ભરેલી છે.