બીઆરઆઇની બહાર નીકળી જઇ ઇટાલીએ ચીનને ઝટકો આપ્યો
- પીએમ મેલોનીએ ભારતમાં જ ચીનના વડાપ્રધાનને તેમનો નિર્ણય જણાવેલો
- બીઆરઆઇમાં સામેલ અન્ય દેશોની જેમ ઇટાલી પણ ચીન સાથે વધી રહેલી વેપારખાધને ઘટાડવા ઝઝુમતું હતું
રોમ : ચીનના મહત્વાકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ-બીઆરઆઇ-માંથી પોતે બહાર નીકળી ગયું હોવાની સત્તાવાર રીતે જાણ કરી ઇટાલીએ ચીનને જોરદાર ઝટકો આપ્યો છે. ૨૦૨૪માં આ કરાર રિન્યુ થવાનો હતો તે પહેલાં જ ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે નિર્ણય લઇ બિજિંગને ત્રણ દિવસ પૂર્વે જ તેની સત્તાવાર રીતે જાણ કરી દીધી હતી.
આ ઇટાલીએ ચાર વર્ષ પૂર્વે બીઆરઆઇમાં સામેલ થવા ચીન સાથે સમજૂતી કરી હતી. જી સેવન દેશોમાં આવી સમજૂતી કરનારો ઇટાલી એકમાત્ર દેશ હતો. ઇટાલિયન અખબાર કોરિઅરે ડેલા સેરાએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે ઇટાલીએ બીઆરઆઇમાંથી નીકળી જવાના તેના નિર્ણયની બિજિંગને જાણ કરી દીધી છે. આ વર્ષની શરૂઆતમાં ઇટાલીના વડાં પ્રધાન જ્યોર્જિયા મેલોની ે જી ૨૦ શિખર પરિષદમાં ભાગ લેવા ભારત આવ્યા એ સમયે જ ચીની વડાપ્રધાન લી કિયાંગને તેમણે વ્યક્તિગત સ્તરે જણાવ્યું હતું કે ઇટાલીએ બીઆરઆઇ છોડવાનો નિર્ણય લીધો છે. ઇટાલીની સરકારે જણાવ્યું હતું કે તેમની આશાઓ પુરી કરવામાં આ સમજૂતી નિષ્ફળ રહી છે. વડાંપ્રધાન મેલોનીએ આ સમજૂતીને એક મોટી ભૂલ ગણાવી હતી. તેમણે આ ભૂલને સુધારવાનો તેમનો ઇરાદો વ્યક્ત પણ કર્યો હતો.
બીઆરઆઇમાં સામેલ અન્ય દેશોની જેમ ઇટાલી પણ ચીન સાથે વધી રહેલી વેપાર ખાધને ઘટાડવા માટે ઝઝુમી રહ્યું હતું. ઇટાલી બીઆરઆઇ મારફતે મૂડીરોકાણ આકર્ષિત કરવા અને ચીનની વિશાળ બજારમાં પોતાના માલની નિકાસ વધારવા માંગતું હતું. ઇટાલીને આશા હતી કે તે ચીનમાંથી મૂડીરોકાણ મેળવવામાં અન્ય દેશોને પાછળ મુકી દેશે. પણ ઇટાલી-ચીનના આર્થિક સંબંધોમાં આ સમજૂતીને પગલે કોઇ ફરક પડયો નહોતો.
જ્યારથી ચીન બીઆરઆઇમાં સામેલ થયું ત્યારથી ચીનમાં તેની નિકાસ ૧૪.૫ અબજ યુરોમાંથી વધીને ૧૮.૫ અબજ યુરો થઇ ગઇ હતી પણ તેની સામે ચીનમાંથી ઇટાલીમાં થતી નિકાસમાં વધારે નાટયાત્મક વધારો જોવા મળ્યો હતો. ચીનની ઇટાલીમાં થતી નિકાસ ૩૩.૫ અબજ યુરોની હતી તે વધીને ૫૦.૯ અબજ થઇ ગઇ હતી. જેના પરિણામે ચીન સાથે ઇટાલીની વેપારખાધ ૨૦૨૨સુધીમાં ત્રણ જ વર્ષમાં વધીને બમણી થઇ ગઇ હતી. એક તરફ ચીનના પ્રમુખ શી જિનપિંગ તેમની આ મહત્વાકાંક્ષી મેગા યોજનાને પુન:જિવિત કરવાના પ્રયાસો કરી રહ્યા છે તો બીજી તરફ ઘણાં દેશો ચીનસાથેની આ ભાગીદારીનો અંત લાવવા વિચારણા કરી રહ્યા છે કેમ કે આ બીઆરઆઇ દ્વારા તેમને કોઇ લાભ થયો નથી.