અફઘાનિસ્તાનના કાબુલમાં મુસાફરો ભરેલી બસમાં વિસ્ફોટ, 7 લોકોના મોત, 20 ઈજાગ્રસ્ત
કાબુલના દશ્ત-એ-બારચી વિસ્તારમાં મુસાફરોને લઈ જઈ રહેલી મિની બસમાં વિસ્ફોટ
અગાઉ ઓક્ટોબરમાં આ જ વિસ્તારમાં એક સ્પોર્ટ્સ ક્લબમાં થયો હતો બ્લાસ્ટ
ઈસ્લામાબાદ, તા.07 નવેમ્બર-2023, મંગળવાર
અફઘાનિસ્તાન (Afghanistan)ની રાજધાની કાબુલમાં એક મિની બસમાં ભયંકર વિસ્ફોટ (Kabul Mini Bus Blast) થતા 7 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ વિસ્ફોટ કાબુલમાં શિયા બહુમતી ધરાવતા વિસ્તારમાં થયો છે. અધિકારીઓએ જણાવ્યું કે, વિસ્ફોટમાં 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
અગાઉ શિયા સ્કુલો, હોસ્પિટલો અને મસ્જિદોને નિશાન બનાવાઈ હતી
પોલીસ પ્રવક્તા ખાલિદ જાદરાને કહ્યું કે, કાબુલ શહેરના પશ્ચિમમાં દશ્તી બારચી વિસ્તારમાં આ વિસ્ફોટ થયો છે. તેમણે કહ્યું કે, વિસ્ફોટ કયા કારણોસર થયો તેની જાણ થઈ નથી, જોકે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. હજુ સુધી કોઈપણ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી, પરંતુ અગાઉ ઈસ્લામિક સ્ટેટ સમુહના સંગઠને આ વિસ્તારમાં શિયા સ્કુલો, હોસ્પિટલો અને મસ્જિદોને નિશાન બનાવ્યા હતા.
અગાઉ ઓક્ટોબરમાં થયો હતો વિસ્ફોટ
ખાલિદ જાદરાને સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે, કાબુલના દશ્ત-એ-બારચી વિસ્તારમાં મુસાફરોને લઈ જઈ રહેલી એક બસમાં વિસ્ફોટ થયો છે. આ ઘટનામાં 7 લોકોના મોત અને 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમણે કહ્યું કે, સૂચના મળતાં જ સુરક્ષા કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને વિસ્ફોટની તપાસ શરૂ કરી દીધી છે. અગાઉ ઓક્ટોબરમાં આ જ વિસ્તારમાં એક સ્પોર્ટ્સ ક્લબમાં વિસ્ફોટ થયો હતો, જેની ઈસ્લામિક સ્ટેટ સમુહે જવાબદારી લીધી હતી. તાલિબાન અધિકારીઓએ જણાવ્યું કે, આ વિસ્ફોટમાં 4 લોકોના મોત અને 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.