અમેરિકાઃ હેલિકોપ્ટર દુર્ઘટનામાં માર્યા ગયેલા ટુરિસ્ટના પરિવારને 800 કરોડ રૂપિયાનુ વળતર મળશે
લાસ વેગાસ,તા.10 જાન્યુઆરી 2024,બુધવાર
અમેરિકામાં 2018માં એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયુ હતુ અને તેમાં પાંચ બ્રિટિશ નાગરિકોના મોત થયા હતા. હવે પાંચમાંથી એક નાગરિકના પરિવારને વળતર તરીકે 100 મિલિયન ડોલર એટલે કે લગભગ 800 કરોડ રૂપિયા મળશે.
મળતી વિગતો પ્રમાણે 2018માં નેવાટાના બાઉલ્ડર શહેરમાં બ્રિટિશ નાગરિક જોનાથન અને એલી મિલવર્ડ ઉડાલ મુસાફરી કરવા માટે બીજા ત્રણ લોકો સાથે બેઠા હતા. તેમનુ હેલિકોપ્ટર ગ્રાન્ડ કેન્યોન ઉપરથી પસાર થઈ રહ્યુ હતુ ત્યારે હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયુ હતુ અને જોનાથન સહિત પાંચ લોકોના મોત થયા હતા.
જોનાથનના પરિવારનો આરોપ હતો કે, હેલિકોપ્ટર મુસાફરી માટે સુરક્ષિત નહોતુ. કારણકે તેની ફ્યુલ ટેન્ક હેલિકોપ્ટર ક્રેશ થાય તો તેનો આઘાત ખમવા માટે સક્ષમ નહોતી. જો હેલિકોપ્ટર જમીન પર પછડાયુ તે વખતે ક્રેશ પ્રૂફ ફ્યુલ ટેન્ક તેમાં હોત તો આગ ના લાગી હોત અને જોનાથન આ અકસ્માતમાં બચી શક્યો હોત.
પરિવારના વકીલે કહ્યુ હતુ કે, હેલિકોપ્ટર બનાવનાર કંપનીને પણ ફ્યુલ ટેન્કની નબળાઈની ખબર હતી. હેલિકોપ્ટર ક્રેશ થયુ ત્યારે ટાંકી તુટી ગઈ હતી અને તેમાં રહેલુ ફ્યુલ પેસેન્જર્સ પર ઢોળાયુ હતુ. હેલિકોપ્ટરમાં આગ લાગી હતી અને ફ્યુલ શરીર પર પડ્યુ હોવાથી ત્રણ મુસાફરો તો હેલિકોપ્ટરની બહાર પણ નહોતા નીકળી શક્યા.
આ મામલે ચાલી રહેલા કેસમાં આખરે સમાધાન થયુ છે અને તેમાં હેલિકોપ્ટરનુ સંચાલન કરનાર કંપની પેપિલોન એરવેઝ જોનાથન ઉડાલના પરિવારને 24. 6 મિલિયન તેમજ આ હેલિકોપ્ટર બનાવનાર ફ્રેન્ચ કંપની એરબસ હેલિકોપ્ટર્સ 75. 4 મિલિયન ચુકવશે.