બ્રિટનના નવા PM પત્નીને કારણે મુશ્કેલીમાં મૂકાયા, નેતન્યાહુ-ઇમરાન ખાન જેવી કરી ભૂલ
Britain's PM Keir Starmer Was Caught Of Taking Gifts: બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર પત્નીના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. જેના લીધે આકરી ટીકાઓનો સામનો કરી રહ્યા છે. અગાઉ પણ અન્ય દેશોના ઊંચા હોદ્દા પર રહેલા નેતાઓ પોતાના પરિજનોના નામે મોંઘી-મોંઘી ભેટ લઈ તેનો બારોબાર સોદો કરવાના કિસ્સાઓ બની ચૂક્યા છે. જેમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ પણ સામેલ છે.
ઉલ્લેખનીય છે, કીર સ્ટાર્મર પર પોતાની પત્ની વિક્ટોરિયા પાસેથી મળેલી ભેટના કારણે સંસદીય નિયમોનું ઉલ્લંઘન કર્યુ હોવાનો આરોપ મૂકાયો છે. તેમની વિરૂદ્ધ તપાસના પણ આદેશ આપવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, વડાપ્રધાન સ્ટાર્મર આ મામલે ખુલાસો કરવામાં બેદરકારી દર્શાવતાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે. લેબર પાર્ટીના ડોનર લોર્ડ વાહિદ અલીએ સ્ટાર્મરની પત્ની માટે પર્સનલ શોપર, કપડાં, અને અન્ય સામાનનો ખર્ચ ભેટ પેટે ઉઠાવ્યો હતો. જેની વડાપ્રધાનને જાણ ન હોવાનું નિવેદન આપ્યું છે. સ્ટાર્મરે સાંસદોને મળતી ભેટની માહિતી રજિસ્ટરમાં નોંધાવી ન હતી.
બ્રિટનમાં સાંસદોને મળતી ભેટની નોંધ કરાવવી જરૂરી
બ્રિટનમાં નિયમ છે કે, સાંસદોએ 28 દિવસની અંદર તેમને મળતાં ભેટ અને દાન વિશે માહિતી રજૂ કરવી જરૂરી છે. બ્રિટિશ સંસદના નિયમોની ગાઈડલાઈન્સમાં જણાવ્યું છે કે, સાંસદોને કોઈ ત્રીજી પાર્ટી તરફથી આપવામાં આવતો કોઈપણ પ્રકારનો લાભની નોંધ કરાવવી જરૂરી છે. આમ ન કરનાર વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
આ પણ વાંચોઃ વસાહતીઓનો વિવાદ કરતાં ટ્રમ્પ હેરિસ પ્રચાર યુદ્ધમાં તણખા ઊડી રહ્યા છે
અલીએ લાખોની ભેટ આપી
સંસદની વેબસાઇટ પર વડાપ્રધાનના રજિસ્ટર્ડ નાણાકીય હિતો દર્શાવે છે કે તેમને લોર્ડ અલી તરફથી અસંખ્ય ભેટ મળી છે, જેમાં ચશ્મા, કપડાં અને રહેઠાણની કેટલીક સુવિધાઓ સામેલ છે. આ ભેટ જાહેર કરવામાં આવી હતી. પરંતુ તેમની પત્નીને મળેલી ભેટ વિશે માહિતી આપવામાં આવી ન હતી. જેની કિંમત રૂ. 22 લાખથી વધુ (20000 બ્રિટિશ પાઉન્ડ) છે.
કોણ છે અલી
અલી બ્રિટિશ મીડિયા ઉદ્યમી છે અને ઓનલાઈન ફેશન રિટેલરના પૂર્વ અધ્યક્ષ છે. આ વર્ષે ઓગસ્ટમાં જાણવા મળ્યું હતું કે, લોર્ડ અલીની કોઈ ઔપચારિક સરકારી ભૂમિકા ન હોવા છતાં એક અસ્થાયી ડાઉનિંગ સ્ટ્રીટની સુરક્ષા આપવામાં આવી હતી. લોર્ડ અલીએ 1998માં ટોની બ્લેયર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા અને હાલમાં જ લેબર પાર્ટી માટે ફંડ એકત્ર કરવાના અભિયાનનું નેતૃત્વ કર્યુ હતું.
ઈમરાન ખાનને મોંઘી ભેટ બદલ ત્રણ વર્ષની સજા
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને સત્તાના ચાર વર્ષમાં મળેલી મોંઘી-મોંઘી ભેટ બારોબાર વેચી સોદો કરી નાખ્યો હોવાનો આરોપ મૂકાયો હતો. જેમાં તેમને ત્રણ વર્ષની સજા અને લાખોનો દંડ ફટકારવામાં આવ્યો હતો. બીજી તરફ ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુની પત્નિએ ઈઝરાયલના હોલિવુડ પ્રોડ્યુસર અને ઓસ્ટ્રેલિયાના અબજોપતિ પાસેથી રાજકીય લાભના બદલામાં અનેક મોટી-મોટી અને મોંઘી ગિફ્ટ મેળવી હતી.