ઘણી દિવાળી આવી અને ગઈ પરંતુ....ભારતનું નામ લઈને પોતાની જ સરકાર પર કેમ ભડક્યાં બ્રિટિશ નેતા?

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
ઘણી દિવાળી આવી અને ગઈ પરંતુ....ભારતનું નામ લઈને પોતાની જ સરકાર પર કેમ ભડક્યાં બ્રિટિશ નેતા? 1 - image


Image Source: Twitter

UK's Labour Party on FTA with India: બ્રિટન અને ભારત વચ્ચે લાંબા સમયથી મુક્ત વેપાર કરાર અંગે વાત થતી રહી છે પરંતુ હજું સુધી તેના પર મહોર નથી લાગી. હવે આ મામલે બ્રિટનના વિપક્ષી પાર્ટીના નેતાએ સત્તાધારી પાર્ટી પર નિશાન સાધ્યુ છે. બ્રિટનના વિપક્ષી લેબર પાર્ટીના નેતા ડેવિડ લેમીએ વડાપ્રધાન ઋષિ સુનકની સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટી પર નિશાન સાધતા કહ્યું કે, ઘણી દિવાળીઓ આવી અને ગઈ પણ સરકાર ભારત સાથે મુક્ત વેપાર કરાર કરાવવામાં નિષ્ફળ રહી છે.

ઘણી દિવાળી આવી અને ગઈ પરંતુ....

ઈન્ડિયા ગ્લોબલ ફોરમ (IGF)માં બોલતા લેબર પાર્ટીના શેડો ફોરેન સેક્રેટરી લેમીએ ઋષિ સુનક સાથે કન્ઝર્વેટિવ પાર્ટીના જ પૂર્વ વડાપ્રધાન બોરિસ જોનસન પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, ઘણી દિવાળીઓ આવી અને ગઈ પણ કોઈ વેપાર સમજૂતી થઈ નથી જેના કારણે ઘણા ક્ષેત્રોમાં વેપારની રાહ જોવાઈ રહી છે. 

બોરિસ જોનસને ભારત સાથે મુરક્ત વેપાર કરાર માટે દિવાળી 2022ની ડેડલાઈન નક્કી કરી હતી અને આ સબંધે જ લેમીએ કન્ઝર્વેટિવ પાર્ટી પર નિશાન સાધ્યુ છે. 

હવે કિપલિંગની નહીં, ટાગોરની કવિતા.........

ફોરમ દરમિયાન પોતાના સંબોધનમાં લેબર પાર્ટીના નેતાએ કહ્યું કે, ભારત આર્થિક, તકનીકી અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં એક સુપરપાવર છે અને તેમની પાર્ટીની પ્રાથમિકતા છે. 

લેબર પાર્ટીના નેતા લેમીએ કહ્યું કે, લેબર પાર્ટીના કારણે હવે એ દિવસો ગયા જ્યારે બોરિસ જોનસન એશિયામાં રુડયાર્ડ કિપલિંગની જૂની કવિતા વાંચતા હતા. જો હું ભારતમાં કોઈ કવિતા વાંચું, તો તે ટાગોરની કવિતા હશે. કારણ કે ભારત જેવી મહાસત્તા સાથે, સહયોગ અને શીખવાના ક્ષેત્ર અમર્યાદિત છે.

ડેવિડ લેમીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ અને વ્યાપાર મંત્રી પીયૂષ ગોયલનું નામ લેતા કહ્યું કે, જો અમારી પાર્ટી 4 જુલાઈના રોજ સામાન્ય ચૂંટણીમાં જીત હાંસલ કરશે તો પાર્ટી ભારત સાથે વેપાર કરાર માટે તૈયાર છે. 

લેમીએ કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે, અમારો મુક્ત વેપાર કરાર થઈ જાય અને આગળ વધે. આ સાથે જ તેમણે કહ્યું કે, હું જુલાઈના અંત સુધીમાં દિલ્હીના પ્રવાસ પર જઈશ. 

સત્તાધારી પાર્ટી વાયદા પૂરા નથી કરતી

ભારત સાથેના સંબંધો અંગે ડેવિડ લેમીએ કહ્યું કે, બ્રિટનની સત્તાધારી પાર્ટી સંબંધોને વધારવા અંગે જે વાયદા કરે છે તે પૂરા કરવા માટે બિલ્કુલ પ્રયાસ નથી કરતી.

ભારત અને બ્રિટન વચ્ચે વાર્ષિક વેપારને વધારીને 38.1 અબજ પાઉન્ડ કરવાના ઉદ્દેશ્યથી જાન્યુઆરી 2022માં મુક્ત વેપાર કરાર પર વાટાઘાટો શરૂ કરવામાં આવી હતી. બંને દેશો વચ્ચે 13 તબક્કાની વાતચીત થઈ ચૂકી છે. વેપાર કરાર માટે 14માં તબક્કાની વાતચીત 10 જાન્યુઆરીએ શરૂ થઈ હતી.


Google NewsGoogle News