એફટીએ માટે બ્રિટિશ વિદેશ મંત્રી ડેવિડ લૈમીની ભારત મુલાકાતની શક્યતા

Updated: Jul 7th, 2024


Google NewsGoogle News
એફટીએ માટે બ્રિટિશ વિદેશ મંત્રી ડેવિડ લૈમીની ભારત મુલાકાતની શક્યતા 1 - image


- બ્રિટિશ પીએમ સ્ટાર્મરે વડાપ્રધાન મોદી સાથે એફટીએ મુદ્દે ચર્ચા કરી

- પીએમ સ્ટાર્મરે નવા મંત્રીમંડળની બેઠકનું અધ્યક્ષપદ સંભાળ્યું  ચૂંટણી વચનોના અમલ માટે 'મિશન ડિલિવરી બોર્ડ' બનાવ્યું

લંડન : બ્રિટનમાં લેબર પાર્ટીના ઐતિહાસિક વિજય પછી વડાપ્રધાન કેર સ્ટાર્મરે શનિવારે ભારતના પીએમ નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી. આ સમયે બંને દેશના વડાપ્રધાનોએ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ મુદ્દે પણ વાતચીત કરી હતી. ભારત અને બ્રિટન વચ્ચે એફટીએની વાટાઘાટોને આગળ વધારવા માટે નવા બ્રિટિશ વિદેશ મંત્રી ડેવિડ લેમી આ મહિને ભારતની મુલાકાત લે તેવી શક્યતા છે.

બ્રિટનમાં વહેલી થયેલા સંસદીય ચૂંટણીમાં શુક્રવારે લેબર પાર્ટીનો ૪૧૨ બેઠકો સાથે ભવ્ય વિજય થયો હતો અને દોઢ દાયકા પછી સત્તા પર તેનું પુનરાગમન થયું હતું. લેબર પાર્ટીના વરિષ્ઠ નેતા અને નવનિયુક્ત વડાપ્રધાન કેર સ્ટાર્મર સાથે શનિવારે વાત કરતા પીએમ નરેન્દ્ર મોદીએ તેમને વિજય માટે અભિનંદન પાઠવ્યા હતા. બંને નેતાઓએ વાતચીત દરમિયાન ભારત-બ્રિટનની વ્યાપક રણનીતિક ભાગીદારીને આગળ વધારવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

વડાપ્રધાન મોદીએ બ્રિટિશ પીએમ સ્ટાર્મરને ભારત આવવા આમંત્રણ પાઠવ્યું હતું. બંને દેશના રાષ્ટ્રાધ્યક્ષોએ ભારત-બ્રિટન વચ્ચે એફટીએને અંતિમરૂપ આપવાની દિશામાં કામ કરવા પર સહમતિ વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ એક્સ પર લખ્યું, કેર સ્ટાર્મર સાથે વાત કરીને આનંદ થયો. યુકેના વડાપ્રધાન તરીકે ચૂંટાવા બદલ તેમને અભિનંદન પાઠવ્યા. બંને દેશોની જનતા અને વૈશ્વિક ભલાઈ માટે અમે વ્યાપક રણનીતિક ભાગીદારી મજબૂત બનાવવા અને ભારત-યુકે આર્થિક સંબંધોને ગાઢ બનાવવા માટે કટિબદ્ધ છીએ.

કેર સ્ટાર્મરે વડાપ્રધાન બનતા ડેવિડ લૈમીને વિદેશ મંત્રી બનાવ્યા છે. લૈમી ભારત-બ્રિટનના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાની તરફેણ કરતા રહ્યા છે. તેમણે ભારતીય વિદેશ મંત્રી જયશંકરને 'મિત્ર' ગણાવ્યા હતા. ભારત અને બ્રિટન વચ્ચે એફટીએ ૨૦૨૨ની દિવાળી સુધીમાં થઈ જવાનો હતો. પરંતુ આ કરાર હજુ સુધી થઈ શક્યો નથી. જોકે, હવે વિદેશ મંત્રીનું પદ સંભાળતા જ ડેવિડ લૈમીએ કહ્યું કે, વિદેશ, રાષ્ટ્રમંડળ અને વિકાસ બાબતો માટે મંત્રી નિયુક્તિ મારા માટે સન્માનની વાત છે.

ડેવિડ લૈમીએ તેમના ચૂંટણી ભાષણમાં જણાવ્યું હતું કે, નાણામંત્રી નિર્મલા સીતારામન અને ટ્રેડ મંત્રી પીયુષ ગોયલને મારો સંદેશ છે કે લેબર પાર્ટી આગળ વધવા માટે તૈયાર છે. ચાલો આપણે અંતે ફ્રી ટ્રેડ ડીલ પૂરી કરીએ. ભારતને બ્રિટન માટે પ્રાથમિક્તા ગણાવતા ડેવિડ લૈમીએ ભારતને ઈકોનોમિક, ટેક્નોલોજીકલ અને કલ્ચરલ સુપરપાવર ગણાવ્યો હતો.

દરમિયાન બ્રિટનના વડાપ્રધાન કેર સ્ટાર્મરે શનિવારે નવા મંત્રીમંડળની પહેલી બેઠકનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું. આ સમયે તેમણે મંત્રીઓ માટે 'મિશન ડિલિવરી બોર્ડ' બનાવ્યું હતું, જેથી જનતાએ જે પરિવર્તનો માટે મતદાન કર્યું હતું તેને ઝડપથી લાગુ કરી શકાય. પહેલી કેબિનેટ બેઠક પછી ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ પર પત્રકારોને સંબોધતા સ્ટાર્મરે કહ્યું કે, મેં આખી કેબિનેટને યાદ અપાવ્યું છે કે આપણું મૂલ્યાંકન શબ્દોથી નહીં આપણા કામથી આંકવામાં આવશે. ચૂંટણી ઢંઢેરામાં અપાયેલા વચનોને કેવી રીતે અમલમાં મૂકવા તે અંગે પણ બેઠકમાં ચર્ચા કરાઈ હતી. આ વચનો પૂરા કરવા માટે આપણી પાશે મિશન ડિલિવરી બોર્ડ હશે. કેર સ્ટાર્મરે વડાપ્રધાનપદ સંભાળતા જ દુનિયાના અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે ફોન પર વાત કરી હતી.

ભારતીય મૂળના લિસા નંદીને ત્રણ મંત્રાલય સોંપાયા

લંડન : બ્રિટનમાં સંસદીય ચૂંટણીમાં લેબર પાર્ટીના ભવ્ય વિજયની સાથે આ ચૂંટણીમાં ભારતીય મૂળના નેતાઓ પણ સૌથી વધુ સંખ્યામાં ચૂંટાઈ આવ્યા છે. પીએમ બનતા કેર સ્ટાર્મરે તેમની કેબિનેટની જાહેરાત કરી દીધી છે, જેમાં તેમણે ઉત્તર-પશ્ચિમ ઈંગ્લેન્ડના વિગન સંસદીય ક્ષેત્રથી જંગી મતોથી જીતનારાં ભારતીય મૂળના ૪૪ વર્ષીય લિસા નંદીને મહત્વની જવાબદારી આપતા ત્રણ મંત્રાલય સોંપ્યા છે. લિસા નંદીને સંસ્કૃતિ, મીડિયા અને ખેલ મંત્રી બનાવાયા છે. લિસા નંદી જાન્યુઆરી ૨૦૨૦માં લેબર પાર્ટીના અધ્યક્ષપદ માટે થયેલી ચૂંટણીમાં અંતિમ ત્રણ દાવેદારોમાં સ્ટાર્મરના પ્રતિસ્પર્ધી હતા. ત્યારથી તેઓ સ્ટાર્મરની શેડો કેબિનેટમાં સેવા આપી રહ્યાં છે. લિસા નંદી હવે સુનક કેબિનેટનાં લુસી ફ્રેઝર પાસેથી સંસ્કૃતિ મંત્રાલયનો કાર્યભાર સંભાળશે.


Google NewsGoogle News