અડધી સદી જૂના વિવાદનો અંત: મોરિશિયસને 'ચાગોસ' ટાપુ પરત આપશે બ્રિટન, હિંદ મહાસાગર માટે છે મહત્વપૂર્ણ
Chagos Island: બ્રિટન અને મોરિશિયસ વચ્ચે આશરે અડધી સદીથી ચાલતા વિવાદનો અંત આવ્યો છે. બ્રિટન અને મોરિશિયસ આખરે ચાગોસ ટાપુ અંગે સમજૂતી પર પહોંચી ગયા છે. મળતી માહિતી મુજબ, બ્રિટન ચાગોસ ટાપુને મોરિશિયસને પરત સોંપવા માટે રાજી થઈ ગયું છે. ચાગોસ ટાપુ હિંદ મહાસાગરમાં સ્થિત વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર છે. ભારત પણ આ મામલે મોરિશિયસનું સમર્થન કરતો આવ્યો છે.
યુકે-યુએસ સૈન્ય સંચાલન ચાલુ રાખશે
બ્રિટને કહ્યું છે કે, કરાર હેઠળ ચાગોસ ટાપુનું સાર્વભૌમત્વ મોરિશિયસને સોંપવામાં આવશે. આ સમજૂતી બાદ દાયકાઓ પહેલા ટાપુમાંથી વિસ્થાપિત થયેલા લોકોને વતન પરત ફરવાની મંજૂરી આપવામાં આવશે. જો કે, બ્રિટન ડિએગો ગાર્સિયા ખાતે યુકે-યુએસ લશ્કરી મથકનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે. તમને જણાવી દઈએ કે બ્રિટન અને અમેરિકા સાથે મળીને ચાગોસના ડિએગો ગાર્સિયા દ્વીપ પર એક સૈન્ય મથક ચલાવે છે, જે તેમને હિંદ મહાસાગરમાં વ્યૂહાત્મક મજબૂતી આપે છે.
શું હતો સમગ્ર વિવાદ?
હકીકતમાં, 1814થી આ વિસ્તાર પર બ્રિટનનું કબજો છે. 1960-70ના દાયકામાં, બ્રિટને ચાગોસ ટાપુ પર વસવાટ કરતા મોરેશિયસ અને સેશેલ્સના લગભગ 2,000 રહેવાસીઓને સ્થળાંતર કરવા મજબૂર કર્યો હતો. આ ઘટનાને આજે પણ માનવતા વિરુદ્ધ અપરાધ તરીકે જોવામાં આવે છે. 1968માં જ્યારે મોરિશિયસને આઝાદી મળી ત્યારે પણ બ્રિટને આ વિસ્તાર પર કબજો જમાવી રાખ્યો હતો અને અમેરિકા સાથે મળી અહીં લશ્કરી મથક બનાવ્યો હતો. જે મામલે બ્રિટન અને મોરિશિયસ વચ્ચે 50 વર્ષથી વધુ સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. વર્ષ 2019 અને 2021ની વચ્ચે, આંતરરાષ્ટ્રીય અદાલતે પણ મોરેશિયસની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
ટાપુ શા માટે મહત્વપૂર્ણ છે?
ચાગોસ એ હિંદ મહાસાગરની મધ્યમાં સ્થિત લગભગ 60 ટાપુઓનો સમૂહ છે. તે 60 વર્ગ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. આ દ્વીપસમૂહ મોરિશિયસથી લગભગ 2,200 કિલોમીટર દૂર સ્થિત છે. ચાગોસની ભૌગોલિક સ્થિતિ કોઈપણ દેશને હિંદ મહાસાગરમાં નોંધપાત્ર વ્યૂહાત્મક લાભ આપે છે. એવું માનવામાં આવે છે કે આ કારણે બ્રિટન અને અમેરિકા હજુ પણ અહીં સૈન્ય મથક રાખવા માંગે છે.
બ્રિટને શું કહ્યું?
બ્રિટનના વિદેશ મંત્રી ડેવિડ લેમીએ આ સમજૂતી અંગે નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે, 'બ્રિટન મોરિશિયસ સાથે ડિએગો ગાર્સિયા પર એક મહત્ત્વપૂર્ણ સૈન્ય મથક સુરક્ષિત કરવા કરાર પર પહોંચ્યું છે. આ સમજૂતીને અમેરિકાનું સમર્થન પણ મળ્યું છે અને તે આંતરરાષ્ટ્રીય સુરક્ષાનું રક્ષણ કરશે. આ કરાર ગેરકાયદે સ્થળાંતરનો માર્ગ બંધ કરશે અને હિંદ મહાસાગરમાં જોખમો ટાળશે.'