સૌથી મોટી દુર્ઘટના ટળી! બ્રિટન રોયલ નેવીની પરમાણુ મિસાઈલોથી સજ્જ સબમરીન ડૂબતા ડૂબતા બચી
એટલાન્ટીક મહાસાગરમાં પેટ્રોલિંગ દરમિયાન બ્રિટિશ રોયલ નેવીની ટ્રાઇડેન્ટ-2 પરમાણુ મિસાઇલોથી સજ્જ ચાર વેનગાર્ડ-ક્લાસ સબમરીન પૈકીની એક સબમરીન ડૂબતા ડૂબતા બચી ગઈ હતી. આ સબમરીનમાં 140 ક્રુ મેમ્બર હતા. 1969 થી બ્રિટીશ નૌકાદળની એક સબમરીન હંમેશા પરમાણુ મિસાઇલો સાથે પેટ્રોલિંગમાં હોય છે જેથી તે દેશ પર કોઈપણ મોટા વિનાશક હુમલાના કિસ્સામાં જવાબ આપી શકે. અહેવાલ અનુસાર વેનગાર્ડ-ક્લાસ ન્યુક્લિયર સબમરીન 140 ક્રૂને લઈને જતી હતી જ્યારે એટલાન્ટિકમાં એક મિશન દરમિયાન તેની ઊંડાઈ માપતું યંત્ર અચાનક ખરાબ થઇ ગયું હતું અને અને ક્રુ આ બાબતથી સંદતર અજાણ હતું. અહેવાલ મુજબ સંભવિત દુર્ઘટનાની થોડી ક્ષણો પહેલા જ સબમરીન અને તેના પરમાણુ રિએક્ટરને નીચે જતા રોકવા માટે એન્જિનિયરોએ તરત જ કામગીરી હાથ ધરી હતી. વેનગાર્ડ સબમરીન 192 પરમાણુ હથિયારો વહન કરવાની ક્ષમતા ધરાવે છે પરંતુ હાલમાં મહત્તમ 48 શસ્ત્રો વહન કરવાની મંજૂરી આપવામાં આવી છે.
'કોલેપ્સ ડેપ્થ'ની નજીક પહોંચી ગઈ
પેટ્રોલિંગ દરમિયાન ઊંડાઈ માપતા યંત્રોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું, જેના કારણે ક્રૂને એવો ભ્રમ થયો હતો કે સબમરીન સમતલ ચાલી રહી છે જ્યારે હકીકતમાં તે નીચે ઉતરી રહી હતી. સબમરીનની પાછળના અન્ય ગેજથી ખબર પડી કે તેઓ 'ડેન્જર ઝોન' તરફ જઈ રહ્યા છે તે દર્શાવ્યા પછી એન્જિનિયરોએ ભયનું એલાર્મ વગાડ્યું. કથિત રીતે આ ભૂલને કારણે સબમરીન તેની 'ક્રશ ડેપ્થ' સુધી પહોંચી ગઈ, જેને 'કોલેપ્સ ડેપ્થ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
140 લોકોના જીવ પર જોખમ સર્જાયું
ઊંડાઈને નિયંત્રિત કરવાનું કામ ઈજનેરોનું નથી પરંતુ તેમણે અહેસાસ થયો કે કઇંક ગરબડ છે. ટેકનિકલ રીતે સબમરીનને આટલી ઊંડાઈ સુધી જવું હોય તો સમગ્ર ક્રુને એક્શન સ્ટેશનો પર મોકલી દેવામાં આવે છે પરંતુ તેવું નહોતું થયું. સબમરીન ઊંડાણમાં જઈ રહી હતી અને આ ઘટનાક્રમ ચાલુ રહ્યો હોત તો તમામ લોકો માર્યા ગયા હોત અને પરમાણું શસ્ત્રો સમુદ્રમાં પડી ગયા હોત. જોકે સબમરીન કેટલી ઊંડાઈ સુધી પહોંચી હતી તેની માહિતી મળી શકી નથી.આ પ્રકારની સબમરીનની મહત્તમ ઓપરેટિંગ ઊંડાઈ લગભગ 500 મીટર છે. ઘટનાની તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે.
ન્યૂક્લિયર મિસાઇલ વહન કરતી ઓછામાં ઓછી એક રોયલ નેવી સબમરીન 1969થી ઓચિંતા હુમલાના કિસ્સામાં પેટ્રોલિંગ પર રહે છે. 140 લોકોનું ક્રૂ સામાન્ય રીતે એક સમયે ત્રણ મહિના માટે દરિયામાં હોય છે. સબમરીન કોઈપણ સમયે ક્યાં છે તે બોર્ડ પરના માત્ર ચાર લોકોને જ ખબર હોય છે. ક્રૂ સભ્યો દ્વારા બોટમાંથી કોઈ સંદેશા મોકલી શકાતા નથી, જો કે તેઓ અઠવાડિયામાં એકવાર 120-શબ્દનો 'ફેમિલીગ્રામ' મેળવી શકે છે.
નૌકાદળની ચાર વેનગાર્ડ-ક્લાસ પરમાણુ સંચાલિત બેલિસ્ટિક મિસાઇલ સબમરીનમાંથી કઈ સબમરીન સાથે આ દુર્ઘટના ઘટી તેની જાણકારી સામે આવી નથી.નેવી પાસે ચાર સબમરીન છેઃ એચએમએસ વેનગાર્ડ, વેન્જેન્સ, વિક્ટોરિયસ અને વિજિલન્ટ. દરેક સબમરીન અંદાજે 500 ફૂટ લાંબી અને 15,900 ટન વજન ધરાવે છે. વેનગાર્ડ ક્લાસ 16 મિસાઈલ લઈ શકે છે, દરેક આઠ ટ્રાઈડેન્ટ વોરહેડ્સથી સજ્જ છે એટલે કે કુલ 512 વોરહેડ્સ. જો કે, હાલમાં માત્ર બે જહાજ કાર્યરત છે કારણ કે એકનું સમારકામ થઈ રહ્યું છે અને બીજાનું દરિયાઈ પરીક્ષણ ચાલી રહ્યું છે.