Get The App

ભારતની રાહે UK: સામાન્ય ચૂંટણીમાં પ્રથમ વખત ફોટો આઈડી દ્વારા થશે મતદાન

Updated: May 28th, 2024


Google NewsGoogle News
ભારતની રાહે UK: સામાન્ય ચૂંટણીમાં પ્રથમ વખત ફોટો આઈડી દ્વારા થશે મતદાન 1 - image


ભારતમાં લોકશાહીની સૌથી મોટી લડાઈ સામાન્ય ચૂંટણી-2024નો જંગ હાલ ચાલુ છે. એક સમયે ભારત પર રાજ કરનાર બ્રિટનમાં પણ ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. આ ઈલેક્શનમાં ભારતીય મૂળના વડાપ્રધાન ઋષિ સુનકની પ્રતિષ્ઠા દાવ પર છે. બ્રિટનમાં 4 જુલાઈએ યોજાનારી સામાન્ય ચૂંટણીના મતદાન માટે પ્રથમ વખત 4.7 કરોડ મતદારો ફોટો આઈડીનો ઉપયોગ કરશે. આ પ્રકારની પદ્ધતિ ભારતે અપનાવી હતી અને હવે વિશ્વ ભારતને આ બાબતે પણ અનુસરી રહ્યું છે.

તો ચાલો આવો તો જાણીએ કે કયા વિકસિત દેશોમાં ફોટો આઈડીનો ઉપયોગ કરવામાં આવે છે અને આ મામલે ભારત વિશ્વ માટે કેવી રીતે ઉદાહરણ બની ગયું...

2019થી 2022 સુધી બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનના કાર્યકાળ દરમિયાન ફોટો ઓળખ કાર્ડ રજૂ કરવામાં આવ્યું હતું. બોરિસ જોન્સને ચૂંટણી અધિનિયમ 2022 રજૂ કર્યો હતો જે દરમિયાન પ્રથમ વખત મતદાન કરવા માટે ફોટો ઓળખ કાર્ડ ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. આ દ્વારા બ્રિટનમાં છેલ્લી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં મતદારોએ મત આપવા માટે ફોટો આઈડી કાર્ડ સાથે રાખવા પડ્યા હતા. હવે 4 જુલાઈએ યોજાનારી ચૂંટણી દેશની પ્રથમ સામાન્ય ચૂંટણી હશે જ્યારે બ્રિટિશ મતદારોએ ફોટો આઈડીનો ઉપયોગ વોટિંગ માટે કરવાનો રહેશે.

બોરિસ જ્હોન્સનને પણ વોટિંગ કરતા અટકાવાયા હતા :

એક રસપ્રદ તથ્ય એ છે કે સ્થાનિક સંસ્થાની ચૂંટણીમાં મતદાન દરમિયાન બોરિસ જોનસન પોતે ફોટો આઈડી કાર્ડ વિના પોતાનો મત આપવા દક્ષિણ ઓક્સફોર્ડશાયર પહોંચ્યા હતા. આ સમયે ચૂંટણી કર્મચારીઓએ તેમને વોટ આપતા રોક્યા હતા. બાદમાં તેઓ ફોટો ઓળખ કાર્ડ સાથે મતદાન મથક પર આવ્યા અને મતદાન કરવાની મંજૂરી મળી હતી.

હાલમાં બ્રિટનમાં વોટિંગ માટે 22 પ્રકારના ફોટો આઈડીનો ઉપયોગ કરી શકાય છે. જોકે ઋષિ સુનકે વડાપ્રધાન બન્યા બાદ ભારતની રાહે તમામ મતદારો માટે વોટર આઈડી કાર્ડ આપવાની સુવિધા શરૂ કરી હતી પરંતુ 4 જુલાઈએ યોજાનારી ચૂંટણી સુધી આ પદ્ધતિ શક્ય બનશે નહીં.

ID કાર્ડ મામલે ભારત એક ઉદાહરણ : 

ભારતની વાત આવે તો આપણા દેશમાં મતદાન ફરજિયાત બન્યું નથી પરંતુ EVM દ્વારા મતદાન અને ફોટો સાથેના મતદાર ID કાર્ડ કે અન્ય કોઈ ફોટો ઓળખ કાર્ડ સાથે જ ઈલેક્શનમાં વોટિંગ ફરજિયાત કરાયાનો, સમગ્ર વિશ્વ સમક્ષ ભારતે એક દાખલો બેસાડ્યો છે. ભારતમાં 1957ની ચૂંટણીઓ પછી મતદારોને ફોટો ઓળખ કાર્ડ આપવાની હિમાયત કરવામાં આવી હતી અને મે 1960માં આ માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કોલકત્તા દક્ષિણ પશ્ચિમ સંસદીય મતવિસ્તારમાં મતદારોને ફોટો ઓળખ કાર્ડ આપવાની યોજના શરૂ કરવામાં આવી. જોકે તે સમયે માત્ર 2,13,600 મતદારોના જ ફોટોગ્રાફ લઈ શકાયા હતા અને તેથી માત્ર 2,10,000 મતદારોને જ ફોટાવાળા મતદાર ઓળખ કાર્ડ જારી કરી શકાયા હતા.

TN શેષન યુગમાં અભુતપૂર્વ કામકાજ :

વર્ષ 1993માં ભારતમાં સૌપ્રથમ વખત મોટા પાયા પર વોટર આઈડી કાર્ડ રજૂ કરવામાં આવ્યા હતા. તત્કાલીન મુખ્ય ચૂંટણી કમિશનર ટીએન શેષનના નેજા હેઠળ આ ક્રાંતિ થઈ હતી. મતદાર યાદી અને મતદારો વચ્ચે સંકલન સ્થાપિત કરવા અને નકલી મતદાન અટકાવવા માટે આ વ્યવસ્થા લાગુ કરવામાં આવી હતી. શરૂઆતમાં બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ્સથી મતદાર ઓળખ કાર્ડ બનાવવામાં આવતા હતા. 


વર્ષ 2015 પછી સરકારે ATM જેવા જ પ્લાસ્ટિકના બનેલા કલરફુલ વોટર આઈડી આપવાનું શરૂ કર્યું છે. આજે ભારતમાં લગભગ દરેક મતદાર પાસે એટલેકે 18 વર્ષથી મોટી ઉંમરના કોઈપણ વ્યક્તિને વોટર આઈડી બનાવવાની તક છે. ભારતમાં વોટિંગ પ્રક્રિયા સરળ બનાવવા માટે જો તમારી પાસે મતદાર ઓળખ કાર્ડ ન પણ હોય તો પણ જો તમારું નામ મતદાર યાદીમાં હોય તો તમે અન્ય કોઈપણ ઓળખ કાર્ડ દ્વારા ભારતમાં મતદાન કરી શકો છો.

ભારત અને બ્રિટન ઉપરાંત અન્ય ઘણા દેશોમાં પણ વોટ આપવા માટે ફોટો આઈડી કાર્ડ જરૂરી છે જેમકે ઓસ્ટ્રેલિયા, જાપાન, ઇટાલી, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ. આ સાથે ભારતના પડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં પણ ચૂંટણીમાં મતદાન માટે ફોટો આઈડીનો ઉપયોગ કરવામાં આવે છે.


Google NewsGoogle News