પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ઉજવણી, શંખ ધ્વનિ સાથે ભગવાન શ્રી રામના જયજકારથી ગૂંજી બ્રિટનની સંસદ
અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની પૂરજોશમાં ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે દુનિયાના ઘણા દેશોમાં હિન્દુ સમુદાય પણ આ ઐતહાસિક ક્ષણને વધાવવા માટે ઉત્સુક છે અને વિવિધ કાર્યક્રમોનુ આયોજન પણ થઈ રહ્યુ છે.
બ્રિટનની સંસદમાં પણ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ઉજવણી કરવામાં આવી હતી અને સંસદ ભવન શ્રીરામના નારા તેમજ શંખ ધ્વનિથી ગાજી ઉઠ્યુ હતુ. બ્રિટનના સંગઠન સનાતન સંસ્થા, યુકે દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ખુશીમાં સંસદમાં કાર્યક્રમનુ આયોજન કરાયુ હતુ.
જેની શરુઆત ભાવ વિભોર કરી નાંખે તેવા ભજન સાથે થઈ હતી. એ પછી સંસ્થાના સભ્યોએ ગીતાના 12મા અધ્યાયનું પઠન કરીને શ્રીકૃષ્ણ ભગવાનના જીવનને યાદ કર્યુ હતુ. આ પ્રસંગે સાંસદોનુ શાલ ઓઢાડીને સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભગવાન રામ, સીતાજી અને લક્ષ્મણજીની મૂર્તિઓ પણ સંસદમાં લાવવામાં આવી હતી અને દીપ પ્રગટાવીને તેની પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી.
22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ટાણે બ્રિટનના 200 જેટલા મંદિરો તેમજ સંગઠનોની સહી સાથેનુ એક ઘોષણાપત્ર પણ અયોધ્યા મંદિરને સુપરત કરવામાં આવશે.
બ્રિટનના હિન્દુ સમુદાયમાં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને ખુશી જોવા મળી રહી છે.