બ્રિટનની ચૂંટણી પહેલા રિષી સુનકની મુશ્કેલી વધી, સર્વેમાં લેબર પાર્ટીની જીતની સંભાવના, જાણો કેવી રીતે યોજાય છે યુકેમાં ચૂંટણી
Britain Election 2024 : યુકેના વડાપ્રધાન રિષી સુનકે (Rishi Sunak) વહેલા ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. વર્તમાન કન્ઝર્વેટિવ પાર્ટી સરકારનો કાર્યકાળ 17 ડિસેમ્બર-2024ના રોજ પૂરો થવાનો છે અને ચૂંટણી જાન્યુઆરી 2025માં યોજાવાની સંભાવના હતી, પરંતુ તે પહેલા તેમણે વહેલી ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. રિષી સુનક ઓક્ટોમ્બર 2022થી વડાપ્રધાન પદ પર છે અને તેમની કન્ઝર્વેટિવ પાર્ટીની છેલ્લા 14 વર્ષથી સરકારમાં છે.
યુકેમાં વહેલી ચૂંટણી કેમ યોજાશે?
યુકેમાં કન્ઝર્વેટિવ પાર્ટી 2010થી સતામાં હોવાથી પાર્ટી કાર્યકાળમાં દરમિયાન દેશે પાંચ વડાપ્રધાન જોયા છે. કન્ઝર્વેટિવ પાર્ટીએ ઘણી રાજકીય સમસ્યાઓનો કેટલાક વર્ષોથી સામનો કરી રહી છે. કન્ઝર્વેટિવ સરકાર બોરીસ જોહ્નસનના પાર્ટીગેટ કૌભાંડ, બ્રેક્ઝીટ માટે યુકે-ઈયુ અસહમતી, COVID-19 રોગચાળાને નાથવામાં અસમર્થતતા, યુક્રેન-રશિયા યુદ્ધ, મોંઘવારી અને પાર્ટીનો આંતરિક જુથવાદ વગેરે જેવા પડકારોનો સામનો કરી રહી હતી. પરંતુ આ અઠવાડિયે સુનકે પોતાની સરકારના વખાણ કરવાની સાથે કહ્યું કે, અમારી સરકાર દરમિયાન બ્રિટિશ ફુગાવો એપ્રિલમાં ઘટીને 2.3 ટકા પર પોંચ્યો છે, જે જુલાઈ 2021 પછીના સૌથી નીચા સ્તરે છે અને બેરોજગારીમાં પણ ઘટાડો થયો છે, તેથી રિષી સુનકે આ બધા પાસાને ધ્યાને રાખી વહેલી ચૂંટણીની જાહેરાત કરી હોવાનું કહેવાય છે.
યુકેની ચૂંટણીમાં કોણ ભાગ લે છે?
યુકે ચાર દેશો ઇંગ્લેન્ડ, વેલ્સ, સ્કોટલેન્ડ, ઉત્તર આયર્લેન્ડનું પ્રતિનિધિત્વ કરે છે માટે આ તમામ ચૂંટણીમાં ભાગ લેશે. યુકેમાં મુખ્યત્વે બે મોટી પાર્ટીઓ છે, એક કન્ઝર્વેટિવ પાર્ટી અને બીજી લેબર પાર્ટી... આ ઉપરાંત સ્કોટિશ નેશનલ પાર્ટી, યુકે ઇન્ડિપેન્ડન્સ પાર્ટી, લિબરલ ડેમોક્રેટ્સ પાર્ટીઓ પણ ચૂંટણીમાં ભાગ લે છે. વર્તમાનમાં હાઉસ ઓફ કોમન્સના 650 સભ્યોના ગૃહમાં કન્ઝર્વેટિવ પાર્ટીના 342 સાંસદો, જયારે લેબર પાર્ટીના 205 સાંસદો અને અન્ય 43 પક્ષોનો સમાવેશ થાય છે.
યુકેમાં ક્યાં ગૃહની અને કઈ રીતે ચૂંટણી યોજાય છે?
યુકેની સંસદમાં ત્રણ ગૃહો સાર્વભૌમ, હાઉસ ઓફ લોર્ડ્સ અને હાઉસ ઓફ કોમન્સનો સમાવેશ થાય છે. હાલ જે ચૂંટણી યોજવાની વાતો થઈ રહી છે, તેમાં સંસદના નિચલા ગૃહ હાઉસ ઓફ કોમન્સની 650 બેઠકો માટે ચૂંટણી યોજાશે. દેશમાં દર પાંચ વર્ષે ચૂંટણી યોજાય છે અને સૌથી રસપ્રદ વાત એ છ છે કે, અહીં હંમેશા ગુરુવારે જ ચૂંટણી યોજાય છે, ત્યારે આ વખતે પણ ચાર જુલાઈ ગુરુવાર નક્કી કરાયો છે. યુકેમાં સવારે 7.00થી રાત્રે 10.00 કલાક સુધી મતદાન યોજાશે, ત્યારબાદ તુરંત મતગણતરી હાથ ધરાશે અને બીજા દિવસે સવાર સુધીમાં પરિણામો જાહેર થઈ જશે.
ચૂંટણીમાં કોણ મતદાન કરી શકે?
યુકેની ચૂંટણીમાં 18 વર્ષથી વધુની ઉંમરના, બ્રિટીશ, ઉત્તરી આયર્લેન્ડ અને સ્કોટલેન્ડની નાગરિકતા ધરાવતા લોકો જ મતદાન કરી શકશે. મતદાનની પ્રક્રિયાની વાત કરીએ તો મતદારો પોસ્ટ દ્વારા, જે-તે મતવિસ્તારના સ્થાનિક મતદાન કેન્દ્ર પર ફોટો આઈડી બતાવીને બેલેટ પેપરથી મતદાન કરી શકશે. આ ઉપરાંત લોકો પ્રોક્સી વોટની પણ વિનંતી કરી શકે છે. ચૂંટણીમાં લગભગ 5 કરોડ મતદારો ભાગ લેશે.
સરકાર ગઠિત કઈ રીતે થાય છે?
યુકેમાં સરકાર બનાવવા માટે હાઉસ ઓફ કોમન્સની 650 બેઠકોમાંથી 326 બેઠકો અથવા સૌથી વધુ બેઠકો મેળવી જરૂરી છે. દેશમાં આગામી ચૂંટણી કયો પક્ષ મજબૂત છે, તેની પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. yougov વેબસાઈટ મુજબ કન્ઝર્વેટિવ પાર્ટીને 21% અને લેબર પાર્ટીને 46% મત મળવાની સંભાવના છે. લેબર પાર્ટીની જીતવાની સંભાવના વધુ છે.