શાળાઓમાં મોબાઈલ પર લગાવાયો પ્રતિબંધ, વીડિયો શેર કરીને ખુદ ભારતીય મૂળના વડાપ્રધાને કરી જાહેરાત
- સ્કૂલોમાં મોબાઈલ પ્રતિબંધ અંગે નવી ગાઈડલાઈ પણ જારી કર દેવામાં આવી
નવી દિલ્હી, તા. 20 ફેબ્રુઆરી 2024, મંગળવાર
મોબાઈલ આજના સમયમાં જીવનનો એક અભિન્ન અંગ બની ગયો છે. નાના બાળકોથી લઈને મોટા વ્યક્તિઓ દિવસનો મોટાભાગનો સમય મોબાઈલ પાછળ વિતાવે છે. જો કે વધારે પડતો મોબાઈલ જોવાની લત એક ગંભીર સમસ્યા બની ગઈ છે. મહત્વની વાત એ છે કે, વધારે પડતા મોબાઈલના ઉપયોગથી બાળકોની માનસિકતા પર પણ ગંભીર અસરો જોવા મળી રહી છે. ત્યારે હવે મોબાઈલ ફોનની લત અને તેનાથી થતી પરેશાનીઓથી તંગ આવીને બ્રિટનની સ્કૂલોમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કરીને આ પ્રતિબંધની જાહેરાત કરી છે.
ઋષિ સુનકે ખૂબ જ ક્રિએટિવ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, વારંવાર તેમના ફોનની રિંગ વાગી રહી છે. ઋષિ સુનકે વીડિયોના માધ્યમથી એ દેખાડવાનો પ્રયત્ન કર્યો છે કે, મોબાઈલ ફોનના કારણે ક્લાસરૂમમાં કઈ પ્રકારની પરેશાની થઈ રહી છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, તેઓ વારંવાર વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ તેમાં વચ્ચે તેમના ફોનની રિંગ વાગવા લાગે છે. ત્રણ વખત ફોનની રિંગ વાગ્યા બાદ ઋષિ સુનક ફોનને ખિસ્સામાંથી કાઢીને બાજુમાં મૂકી દે છે અને કહે છે કે, જુઓ આ કેટલું નિરાશાજનક છે.
પીએમ એ પોતાના અન્ય એક નિવેદનમાં કહ્યું કે માધ્યમિક શાળાના લગભગ એક તૃતીયાંશ વિદ્યાર્થીઓનું કહેવું છે કે ફોનને કારણે તેમના અભ્યાસ પર અસર થઈ રહી છે. આપણે જાણીએ છીએ કે મોબાઈલ ફોન ક્લાસમાં ધ્યાન ભટકાવે છે અને સ્કૂલોમાં બદમાશીનું કારણ બને છે.
અનેક સ્કૂલોએ મોબાઈલ ફોન પર પહેલાથી જ પ્રતિબંધ લગાવી દીધો છે. જેના કારણે તેમના વિદ્યાર્થીઓ માટે શીખવા માટે સુરક્ષિત અને યોગ્ય માહોલ તૈયાર થયો છે. સ્કૂલોમાં મોબાઈલ પ્રતિબંધ અંગે નવી ગાઈડલાઈ પણ જારી કર દેવામાં આવી છે. પીએમ સુનકનું કહેવું છે કે, અમે એ સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે અમારા બાળકોને એ શિક્ષણ મળે જેના તેઓ હકદાર છે.