યુક્રેન સામે યુદ્ધને 2 વર્ષ પૂરાં થતાં બ્રિટન-અમેરિકા-યુરોપિયન યુનિયનની રશિયા સામે મોટી કાર્યવાહી
Image Source: Wikipedia
મોસ્કો, તા. 24 ફેબ્રુઆરી 2024 શનિવાર
રશિયા અને યુક્રેન વચ્ચે જારી યુદ્ધને બે વર્ષ થઈ ગયા છે. જેના કારણે અમેરિકાએ એક વાર ફરી રશિયા વિરુદ્ધ આકરુ વલણ દાખવ્યુ છે. અમેરિકાએ રશિયા વિરુદ્ધ 500થી વધુ નવા પ્રતિબંધ લગાવ્યા છે. અમેરિકાની સાથે-સાથે બ્રિટન અને યુરોપિયન સંઘે પણ રશિયા વિરુદ્ધ નવા પ્રતિબંધ લગાવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને પ્રતિબંધ લગાવતા કહ્યુ કે આજે હુ યુક્રેન પર વિજય માટે ચાલી રહેલા યુદ્ધ અને સાહસી ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકર્તા એલેક્સી નવલનીના મોતના કારણે રશિયા વિરુદ્ધ 500થી વધુ નવા પ્રતિબંધોની જાહેરાત કરી રહ્યો છુ.
વિશ્વભરના 50 દેશ રશિયા વિરુદ્ધ યુક્રેનની સાથે
વ્હાઈટ હાઉસ દ્વારા જારી નિવેદન અનુસાર બાઈડને કહ્યુ કે આ પ્રતિબંધ નવલનીના કારાવાસ સાથે જોડાયેલા વ્યક્તિઓની સાથે-સાથે રશિયાના નાણાકીય ક્ષેત્ર, સંરક્ષણ ઔદ્યોગિક આધાર અને ખરીદ નેટવર્ક સહિત અન્ય ક્ષેત્રોને પ્રભાવિત કરશે. બાઈડને કહ્યુ કે વિશ્વભરમાં પુતિનને આક્રમકતા માટે વધુ કિંમત ચૂકવવી પડે. અમેરિકાની સાથે-સાથે દુનિયાના 50 દેશ રશિયા વિરુદ્ધ યુક્રેનની સાથે ઊભા છે. આક્રમકતા માટે અમે રશિયાને જવાબદેહ ઠેરવવા માટે પ્રતિબદ્ધ છીએ.
બાઈડને આગળ કહ્યુ કે યુક્રેનના લોકો બહાદુર છે. તેઓ પોતાની સ્વતંત્રતા અને ભવિષ્યની રક્ષા માટે દ્રઢ છે. તેઓ રશિયાની સાથે લડતા રહેશે. નાટો મજબૂત અને વધુ એકત્ર છે. આ સિવાય બાઈડને પરોક્ષ સ્વરૂપે રશિયાની મદદ કરનાર 100 સંસ્થાઓ પર નવા નિકાસ પ્રતિબંધો પણ લગાવ્યા છે. અમે રશિયાની ઊર્જા આવકને વધુ ઘટાડવા માટે કાર્યવાહી કરી રહ્યા છીએ.
બ્રિટને રશિયા પર લગાવ્યા નવા પ્રતિબંધ
બ્રિટને પણ રશિયા વિરુદ્ધ નવા પ્રતિબંધ લગાવ્યા છે. પ્રતિબંધના નવા પેકેજની જાહેરાત કરતા બ્રિટને કહ્યુ કે તેઓ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના શસ્ત્રાગાર અને યુદ્ધને ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેણે 50થી વધુ વ્યક્તિઓ અને સંસ્થાઓને કવર કરનાર પેકેજની જાહેરાત કરી. વિદેશ મંત્રી ડેવિડ કેમરને કહ્યુ, અમારા આર્થિક દબાણની રશિયા પર અસર પડી છે.
યુરોપીય સંઘનો ભારત સહિત ઘણા દેશોની 27 કંપનીઓ પર પ્રતિબંધ
બ્રિટન અને અમેરિકા સિવાય યુરોપીય સંઘ (ઈયુ) એ પણ કાર્યવાહી કરી છે. શુક્રવારે ઈયુએ ભારત સહિત રશિયા, ચીન, કઝાકિસ્તાન, સર્બિયા, થાઈલેન્ડ, શ્રીલંકા અને તુર્કીમાં રજીસ્ટર 27 કંપનીઓ પર પ્રતિબંધ લગાવી દીધો. ઈયુએ આ પ્રતિબંધ રશિયા અને યુક્રેન યુદ્ધના બે વર્ષ પૂરા થવા પર લગાવ્યા છે. યુરોપીય સંઘ તરફથી જારી નિવેદનમાં અત્યારે આ કંપનીઓના નામ જાહેર કરવામાં આવ્યા નથી. આ કંપનીઓના વેપારમાં બેવડા એટલે કે સૈન્ય અને નાગરિક ઉપયોગનો આરોપ છે.