અપહૃતોને પાછા લાવો : ઈઝરાયલમાં જોરદાર નારા દેખાવકારોએ દેશભરમાં ઠેર ઠેર 'રસ્તાજામ' શરૂ કર્યા
- દેખાવકારો વડાપ્રધાન નેતાન્યુહનું ત્યાગપત્ર માગે છે અપહૃતોને પાછા લાવવા 'યુદ્ધ વિરામ' માટે દબાણ કરે છે
તેલ અવીવ : હમાસ-ઈઝરાયલ યુદ્ધ શરૂ થયાને ગઈ કાલે (૭મી જુલાઈએ) ૯ મહિના પૂરા થયા છે છતાં હજી હમાસ દ્વારા અપહૃત કરાયેલાઓને છોડાવી શકાયા નથી. આથી સમગ્ર રાષ્ટ્રમાં ધૂંધવાટ ફેલાઈ રહ્યો છે. તેલ-અવીવ સહિત દેશભરમાં વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ સામે વિરોધ વંટોળ ઉભો થયો છે. અપહૃતોને પાછા લાવવા માટે દેખાવકારોએ તેલ-અવીવ સહિત દરેક શહેરોમાં રસ્તાજામ શરૂ કરી દીધા છે. અને અપહૃતોને પાછા લાવવા નેતન્યાહૂ સરકાર ઉપર દબાણ કરી રહ્યાં છે. તે સાથે યુદ્ધ વિરામ જાહેર કરી અપહૃતોને પાછા લાવવા સરળતા કરી આપવા સરકાર ઉપર દબાણ કરે છે.
ઉલ્લેખનીય છે કે આ યુદ્ધ વિરામ માટે ઈજીપ્ત, કતાર અને અમેરિકા પણ ઈઝરાયલને અનુરોધ કરી રહ્યાં છે. ઈજીપ્તના અને હમાસના અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સને કરેલા સંયુક્ત સંબોધનમાં જણાવ્યું હતું કે, યુદ્ધ વિરામ માટે હમાસે પહેલાં રજૂ કરેલી મહત્વની શરતો (ઈઝરાયલી સેનાએ ગાઝાપટ્ટીમાંથી હઠી જવું જોઈએ અને તેણે બંધક રાખેલા તમામ હમાસ આતંકીઓને સૌથી પહેલાં છોડી મુકવા જોઈએ, પછી જ મંત્રણા શરૂ થઈ શકે. વ.) હવે હમાસ એક તરફ રાખવા સહમત થયું છે, ત્યારે ઈઝરાયલે યુદ્ધ વિરામ જાહેર કરવો જ જોઈએ. તેમ પણ ઈઝરાયલીઓ પૈકી બહુસંખ્ય ઈઝરાયલીઓનું કહેવું છે.
૨૦૨૩ના ઓક્ટોબરની ૭મીએ હમાસ આતંકીઓએ દ.ઈઝરાયલ પર ઓચિંતો હુમલો શરૂ કરી ૧૨૦૦ જેટલા યહૂદીઓની હત્યા કરી હતી અને ૨૫૦ જેટલાનાં અપહરણ કર્યા હતાં તે સામે ઈઝરાયલે કરેલા વળતા પ્રહારોમાં ૩૮,૦૦૦ પેલેસ્ટાઇનીઓ (હમાસ આતંકીઓ સહિત)નાં મૃત્યુ થયા છે, જે સર્વવિદિત છે.