બ્રિજ તૂટતાં અનેક વાહનો નદીમાં ખાબક્યાં, ચીનમાં સર્જાયેલી મોટી દુર્ઘટનામાં 11નાં મોતથી હડકંપ
Image : Screen Grab |
Bridge Collapsed In China: બિહારમાં એક પછી એક 12 બ્રિજ ધરાશાયી થયા બાદ હવે વિદેશથી પણ આવા સમાચાર સામે આવ્યા છે. ચીનના શાંક્શી પ્રાંતમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ. અહીં નેશનલ હાઈવે પર બનેલો બ્રિજ આંશિકરૂપે તૂટી પડતાં ઓછામાં ઓછા 11 લોકો મૃત્યુ પામી ગયાના અહેવાલ સામે આવ્યા છે. જોકે હજુ પણ 30થી વધુ લોકોની કોઇ ભાળ મળી નથી. એટલા માટે મૃતકાંક વધી શકે છે.
વાહનોની અવર-જવર ચાલુ હતી અને બ્રિજ તૂટ્યો
માહિતી અનુસાર ઘટનાસ્થળે હાજર લોકોએ કહ્યું કે વાહનોની અવર-જવર ચાલુ હતી તે સમયે જ આ બ્રિજનો હિસ્સો ધરાશાયી થઇ ગયો હતો જેના કારણે અનેક વાહનો સીધા નદીમાં ખાબક્યા હતા. જેના લીધે મોટી સંખ્યામાં જાનહાનિ થઇ હતી. દુર્ઘટનામાં ઘાયલ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ભારે વરસાદને પગલે બ્રિજ ધસી પડ્યાનો ખુલાસો
ચીનના અધિકારીઓએ શનિવારે જણાવ્યું કે શેંગૂલ શહેરની ઝાશુઇ કાઉન્ટીમાં આ બ્રિજ આવેલો હતો. શુક્રવારે સાંજે ભારે વરસાદ અને અચાનક પૂર આવતાં બ્રિજનો હિસ્સો ધરાશાયી થયો હતો. 11 લોકોના મોતની પુષ્ટી થઈ છે અને 30થી વધુ હજુ ગુમ છે. બ્રિજ પરથી નદીમાં ખાબકેલા પાંચ વાહનો મળી ગયા છે અને રેસ્ક્યૂ ઓપરેશન હજુ ચાલે છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગે બ્રિજ ધરાશાયી થયા બાદ લોકોના જીવ અને સંપત્તિને બચાવવા માટે દરેક સંભવ પ્રયાસો કરવાના નિર્દેશ આપ્યા હતા.